Abtak Media Google News
  • લોકશાહી બચાવો અને અસ્તિત્વ ટકાવોના નારા સાથે આશાપુરા મંદિરેથી ધર્મરથનું પ્રસ્થાન

લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ સામે શરૂ કરાયેલા રાજ્ય વ્યાપી આંદોલનના ભાગરૂપે આજે રાજકોટ ખાતે આશાપુરા માતાજીના મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કુલ સાત ધર્મરથ કાઢવાની ક્ષત્રિય સમાજે જાહેરાત કરી હતી. તેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના રથનું બે દિવસ પહેલા જ પ્રસ્થાન કરાવાયું હતું. જ્યારે આજે રાજકોટ અને કચ્છમાં ધર્મરથના પ્રસ્થાન કરવામાં આવ્યા હતાં. આ ધર્મરથ વિવિધ વિસ્તારોમાં તા.1 મે સુધી ફરશે અને ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરનાર છે.

Advertisement

ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા માટે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ધર્મરથનું આયોજન કર્યું છે. રાજકોટના પેલેસ રોડ સ્થિત આશાપુરા મંદિર ખાતેથી આજે સવારે સાડા નવ વાગ્યે ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓ હાજર રહ્યાં હતા.

ધર્મરથ આજે સીધો જ વાંકાનેર તાલુકાના ગામડાઓમાં ફરશે. ત્યારબાદ 25 એપ્રિલે મોરબી અને ટંકારા તાલુકામાં ફરશે. 26 એપ્રિલે પડધરી તાલુકા, 27 એપ્રિલે લોધિકા તાલુકા, 28 એપ્રિલે કોટડા સાંગાણી તાલુકો, 29 એપ્રિલે રાજકોટ તાલુકો અને 30 એપ્રિલે જસદણ વિંછીયા તાલુકા અને 1 મેએ રાજકોટ શહેરના વિસ્તારોમાં આ ધર્મરથ ફરશે.

રાજકોટની સાથોસાથ કચ્છમાં પણ અસ્મિતાની લડાઈ સંદર્ભે આજે ક્ષત્રિય અસ્મિતા રથનું માતાના મઢ ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. માતાના મઢથી ધર્મરથ આજે અબડાસા તાલુકામાં અને નખત્રાણા તાલુકામાં ફરશે જેમાં બપોરે જંગડીયા, રામપર, નલીયા, કોઠારા, મોથાળા, રામપરા, નખત્રાણામાં રાત્રિ રોકાણ કરશે.

કાલે કચ્છનો ધર્મરથ ભુજ, માંડવી, મુંદ્રા સહિતના તમામ તાલુકાઓમાં સાત દિવસ સુધી ફરશે અને ભાજપને હરાવવા માટે પ્રચાર કરશે. આ ધર્મરથમાં સર્વે સમાજનાં લોકોને જોડાવવા શ્રી રાજપૂત કરણી સેના કચ્છ, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા અને રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. લોકશાહી બચાવો અને અસ્તીત્વ ટકાવોના નારા સાથે ધર્મરથ જૂદા જૂદા તાલુકાઓમાં ફરશે.

ધર્મરથ દ્વારા અન્ય સમાજના લોકોને પણ જોડવાની કોશિશ કરીશું: નયનાબા જાડેજા

ધર્મરથ દ્વારા અન્ય લોકોને પણ જોડવાની કોશિશ કરીશું. અમારી અસ્મિતાએ ગૌરવનું પ્રતીક છે. તાલુકા ગામડાઓ સુધી લઈ જશું. અન્ય લોકોનો પણ સમાવેશ કરવાની કોશિશ કરીશું. ટિકિટ પાછી ખેંચવાનું અલ્ટીમેટમ આપ્યું હતું પણ એ સમય જતો રહ્યો છે. બેરી મૂંગી અને કુંભકરણની નિંદ્રામાં સુતેલી સરકારનું ઘમંડ તોડવા માટે અમારી સાથે અન્ય સમાજ લોકોએ પણ જાગવાની જરૂર છે. અમે આટલો બધો વિરોધ દર્શાવતા હોવા છતાં સરકારને કોઈ ફરક પડતો નથી. આ સરકારને વોટ ન આપીને પછાડો. કુંભકરણની નિંદ્રામાં સુતેલી સરકાર જાગે એમ નથી. તમારો મત કોંગ્રેસને આપી ભાજપને પછાડો. ધર્મરથમાં સમગ્ર સમાજ છે અસ્મિતા માટેની લડાઈ ચાલી રહી છે. અન્ય સમાજના લોકોને પણ અમે આવકારીએ છીએ અમારા જે કાંઈ કાર્યક્રમો થાય તેમાં તમે આવો. અમને સહકાર આપો અમને તમારા સહકારની પણ જરૂર છે. ધર્મરથ દ્વારા અમે અન્ય સમાજના લોકોને પણ સાથે લેવાની કોશિશ કરીએ છીએ.

અલગ-અલગ મંદિરોથી સાત ધર્મરથનું પ્રસ્થાન કર્યું: પી.ટી.જાડેજા

ધર્મરથ રાજકોટના મા આશાપુરાના મંદિરેથી પ્રસ્થાન કરશે. ગુજરાતમાંથી આવા સાત ધર્મ રથ નીકળે છે. માં અંબાના મંદિરેથી, મા બહુચરના મંદિરેથી, માતાના મઢથી, દ્વારકાધીશ દાદાના મંદિરથી, આ રથ 26 બેઠક ઉપર દરેક તાલુકા અને ગામડામાં રથ ફરશે. દરેક સમાજને સાથે રાખી એક જ વાત કરશે બેન દીકરી ઉપર જે ટિપ્પણી છે અમારી બેન દીકરી તમારી બેન દીકરી નથી. અમે તો પ્રજા વત્સલ રાજાઓ હતા. ગામે ગામ પાળીયાઓ છે. ભગવાન રામ અને કૃષ્ણથી રાજ કરતા રાજપૂતોએ કાયમ માટે દેશની રક્ષા કરી છે પ્રજાનું રક્ષણ કર્યું છે ગૌ માતાનું રક્ષણ કર્યું છે દેશને બચાવવા માટે ગામે ગામ આહુતિ આપી છે.

ધર્મરથ એટલે કાઢ્યો છે કે ધર્મની રક્ષા બેન દીકરી જે જગદંબાવો છે તેના વિશે આવું બોલવું. ભગવાને આને આવી કબુદ્ધિ કેમ આપી એ સમજાતું નથી. બોલ્યા છે તો તેનું પરિણામ ભોગવવું પડશે. બધી જગ્યાએ તા.24 થી તા.1 સુધી રથ ફરશે. આનો હેતુ એ જ છે દરેક ગામમાં એક એક વ્યક્તિને ક્ષત્રિય સમાજ સિવાય અન્ય વ્યક્તિને પણ સંદેશો પહોંચાડવા માટે ઘર ઘર સુધી ક્ષત્રિયોના ઘર સુધી દરેક સમાજના ઘર સુધી આ સંદેશો પહોંચે. આ સંદેશાના માધ્યમથી જબરદસ્ત એક સંમેલન કરશું. દરેક તાલુકા ગામમાં સંમેલન થશે. અમારી ગામ સુધીની કમિટી બની ગઈ છે દરેક ગામમાં 11 સભ્યો દરેક તાલુકામાં 11 સભ્યો દરેક વોર્ડની અંદર 11 સભ્યો ની કમિટી બની ગઈ છે. જિલ્લાની અંદર 11 સભ્યોની કમિટી અમારો આ પાર્ટ:-2 નો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.