Abtak Media Google News

ચાલુ મહિનાના અંતમાં નર્મદાના એકતા નગર ખાતે શિબિર યોજાશે : આરોગ્ય કેન્દ્રોને ગ્લુકોમીટર અને ડાયાબિટીસની તપાસ માટેના સાધનો અપાશે

ગુજરાત રાજ્યમાં ડાયાબિટીસ ખતરનાક મોડ ઉપર જોવા મળી રહી છે ત્યારે ચાલુ મહિનાના અંતમાં નર્મદા ખાતે આવેલા એકતા નગરમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકાર ડાયાબિટીસને અંકુશમાં લાવવા માટે તખતો તૈયાર કરશે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે માં મહિલાઓમાં 14.8 ટકા અને પુરુષોમાં 16.1 ટકા રેન્ડમ બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ વધ્યું છે. ડાયાબીટીસ એક એવી બિમારી છે, જેનાથી ભારત જ નહીં, પરંતુ વિશ્વભરના લોકો સતત પ્રભાવિત થાય છે. વૈજ્ઞાનિકો હજી સુધી ડાયાબિટીસનો કાયમી ઉપચાર શોધી શક્યા નથી.

એવામાં બચાવની સૌથી સારી રીત છે કે તમે તમારા બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખો. ગુજરાતમાં ઝડપથી વધી રહેલા ડાયાબિટીસના વ્યાપને અંકુશમાં લાવવા સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યમાં ડાયાબિટીસની જાહેર આરોગ્ય પડકાર તરીકે સારવાર આપશે. ડાયાબિટીસ સામે લડવા માટે બહુપક્ષીય વ્યૂહરચના બનાવવામાં આવશે. આરોગ્ય કેન્દ્રોને ગ્લુકોમીટર અને ડાયાબિટીસની તપાસ માટેના સાધનો અપાશે. આ સાથે જ આરોગ્ય કર્મચારીઓને આ સાધનોના ઉપયોગ અંગેની તાલીમ પણ અપાશે.

આ ઉપરાંત લોકોને ડાયાબિટીસના રોગ અંગે માહિતગાર કરવામાં આવશે. આ માટે રાજ્યવ્યાપી જાગૃતિ અને શિક્ષણ કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે. ડાયાબિટીસને લઈ સરકારના વાર્ષિક વિચાર-મંથન સત્રમાં વિચાર-વિમર્શ કરાશે. આ રોગ સામે લડવાની વ્યૂહરચના ઘડવાની રીતો પર પણ વિચાર-વિમર્શ કરાશે. નર્મદાના એકતાનગર ખાતે યોજાનારી ચિંતન શિબિરમાં પણ મંત્રીઓ, અધિકારીઓ દ્વારા ડાયાબિટસની ચર્ચા કરવામાં આવશે. ગ્રામ્ય સ્તર સુધી ડાયાબિટીસની તપાસ માટે આરોગ્ય કેન્દ્રોને સાધનોથી સજ્જ કરાશે.

આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને એની પાછળ આપણી ખોટી લાઇફસ્ટાઇલ જ કારણભૂત છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જે એકવાર થઈ જાય પછી પીછો છોડતો નથી. એક રિપોર્ટ અનુસાર, આપણા દેશમાં 20 થી 70 વર્ષની વયજૂથના કુલ 8.7% લોકો ડાયાબિટીસથી પીડિત છે અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.