Abtak Media Google News

અબતક-રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક કે અન્ય વહીવટી નિર્ણયો લેવામાં કુલપતિ-ઉપકુલપતિ વચ્ચે ભારે મતભેદ થતાં રહે છે ત્યારે ગઈકાલે રાજકોટ સહિત રાજ્યભરમાં તાઉતે વાવાઝોડુ ત્રાટક્યું હતું જેના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સોમવારો બપોરે 2 વાગ્યા બાદ અને આજે આખો દિવસ ઉપકુલપતિ વિજય દેસાણી દ્વારા રજા જાહેર કરવામાં આવી હતી પરંતુ યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કલેકટર, શિક્ષણ વિભાગ કે સરકારમાંથી હજુ સુધી એકપણ પ્રકારની સુચના ન હોવાના કારણે રજાનો કોઈ વિષય જ આવતો નથી.કુલપતિ, ઉપકુલપતિ આજે દિવસના અંત સુધી કોઈ નક્કર નિર્ણય કરી શકયા નહોતા પરંતુ ગઈકાલે યુનિવર્સિટીનો મોટાભાગનો સ્ટાફ ઘરે ચાલ્યો ગયો હતો.

આજે પણ પુરા દિવસે સ્ટાફની પાંખી હાજરી જોવા મળી હતી અને આ ઓફલાઈન સ્ટાફે યુનિવર્સિટીને ડખ્ખે ચડાવી દીધું હતું.જો કે, આ સંદર્ભે ઉપકુલપતિ વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના જોખમના પગલે રજા રાખવી જરૂરી છે. કેમ કે, યુનિવર્સિટીમાં 50 ટકા મહિલાનો સ્ટાફ છે, જો કંઈ થાય તો જવાબદારી કોની ? અને યુનિવર્સિટીમાં રજા રાખવી કે ન રાખવી તે યુનિવર્સિટીના સત્તાધીશો પોતે જ નિર્ણય કરી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.