Abtak Media Google News

મોદી સરકારના નવી શિક્ષણ નીતિના ક્રાંતિકારી નિર્ણયમાં આંશિક સુધારા કરી ગુજરાતમાં અમલવારી કરવા તખ્તો તૈયાર

કેન્દ્ર સરકારે તાજેતરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત કરી હતી. આ શિક્ષણ નીતિમાં ગુણ નહીં પરંતુ ગુણવત્તા ઉપર ભાર મુકવાનો પ્રસ્તાવ થયો છે. જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે પણ કેબીનેટમાં ગુણવત્તાસભર શિક્ષણને લઈ ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે પારિત કરેલા પ્રસ્તાવના અનુસંધાને કેટલાક ફેરફાર રાજ્ય સરકારની કેબીનેટે પણ કર્યા હતા. એકંદરે ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ ટાળવા માટેના પ્રયત્નો કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ કર્યા છે.

Advertisement

ગત જુલાઈ મહિનામાં મોદી સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રસ્તાવ મુક્યો હતો. જે મુજબ દેશમાં ૨૮ વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ધડમુળથી ફેરફાર કરવામાં આવશે. આ શિક્ષણ નીતિ મુજબ અભ્યાસની રૂપરેખા બદલાઈ છે. હવે ૫+૩+૩+૪ ની પધ્ધતિ નક્કી કરાઈ છે. ધો.૧ થી ગ્રેજ્યુએશનના ૧૫ વર્ષના શિક્ષણમાં ભાગ પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી કોલેજો માટે એક જ ધારા-ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. ઉચ્ચ શિક્ષણને એક તાંતણે બાંધવાના હેતુથી નવી શિક્ષણ નીતિમાં મોદી સરકારે અનેકવિધ નિર્ણયો લીધા હતા.

વર્ષોથી નિષ્ણાંતો કહેતા આવ્યા છે કે, પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ. આ વાતને મોદી સરકારે માની હતી અને ધો.૫ સુધીનું શિક્ષણ માતૃભાષામાં આપવાનું નક્કી થયું હતું. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં ગમે તે વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ બીજી વિદ્યા શાખામાં પ્રવેશ મેળવી શકશે. ઉદાહરણ તરીકે સાયન્સના વિદ્યાર્થી બીજા વર્ષમાં કોમર્સ કે આર્ટસમાં પ્રવેશ મેળવી શકશે. બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવશે. ઈ-કોર્સને સ્થાનિક ભાષામાં વિકસાવાશે.

નોંધનીય છે કે, વર્ષ ૧૯૮૬માં બનાવાયેલી શિક્ષણ નીતિ અંતર્ગત આજે છાત્રો અભ્યાસ કરે છે. ત્યારબાદ ૧૯૯૨માં કેટલાક આંશિક સુધારા કરવામાં આવ્યા હતા પરંતુ તે સુધારા એવડા મોટા ન હતા કે, વિદ્યાર્થીઓમાં ગુણવત્તા વધે. હવે ત્રણ દાયકા બાદ ગુણવત્તા જ ભવિષ્યની માંગ છે તે બાબત સરકાર સમજી ગઈ છે. જેના અનુસંધાને રાષ્ટ્રીય સંશોધન ફાઉડેશનની સ્થાપના કરવામાં આવશે. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે જુલાઈમાં રચેલી શિક્ષણ નીતિના અનુસંધાને રૂપાણી સરકારે કેબીનેટમાં કેટલાક મહત્વના નિર્ણયો તબક્કાવાર લેવાનું નક્કી કર્યું હતું. આજની કેબીનેટમાં મોદી સરકારે લીધેલા ક્રાંતિકારી નિર્ણયમાં આંશિક ફેરફાર કરી તેને રાજ્યોમાં કઈ રીતે અમલમાં મુકી શકાય તે બાબતે ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે, વિકાસની હરણફાળ ભરવા માટે મોદી સરકારે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા છે. શિક્ષણ એ કોઈપણ દેશની માનસીકતા ઘડવાનું પ્રથમ પગથીયુ માનવામાં આવે છે.

અંગ્રેજોએ આપેલી શિક્ષણ પધ્ધતિ ગુણ ઉપર આધારિત હતી. જો કે, અત્યારના સમયની માંગ ગુણવત્તા ઉપર આધારિત શિક્ષણ નીતિની છે. જેથી કેન્દ્ર સરકારની તર્જ ઉપર રાજ્ય સરકાર પણ કેટલાક સંવેદનશીલ નિર્ણયો લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.