Abtak Media Google News

ધાર્મિક સ્થળોની સાથે હવે રમણીય સ્થળોને પણ કોરોનાનું ગ્રહણ : લોકો મોટી સંખ્યામાં ફરવા આવતા હોય જિલ્લા કલેકટર રેમ્યા મોહને સુરક્ષાને ધ્યાને રાખીને કર્યો આદેશ

કોરોના હવે ધાર્મિક સ્થળોની સાથે રમણીય સ્થળોને પણ ગ્રહણ લગાવી રહ્યું છે. જેમાં કૂદરતી સૌંદર્ય ધરાવતા પાટણવાવના ઓસમ ડુંગર માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહને પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે. જેથી હવે આ ડુંગર ખાતે ફરવા જવા વાળાએ હવે જેલની હવા ખાવી પડશે. પાટણવાવના પ્રખ્યાત એવા ઓસમ ડુંગરે લોકો મોટી સંખ્યામાં આવતા હોય અને કોરોનાના સંક્રમણનું જોખમ રહેતું હોય જિલ્લા કલેકટર રેમ્યા મોહને ઓસમ ડુંગરે જવા ઉપર તા.૧૯ ઓગસ્ટ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. ઓસમ પર્વત ઉપર અવર- જવર કરવાના મુખ્ય રસ્તાઓ જેમાં માત્રી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો, પગથિયાવાળો રસ્તો, ટપકેશ્વર મંદિર જવાનો રસ્તો, ખોડીયાર મંદિર તરફ જવાનો રસ્તો, મહેબૂબશા પીરની દરગાહ તરફ જતો કાચો રસ્તો તેમજ જૈન મંદિર સામે જતા પગથિયાવાળો રસ્તા ઉપર અવર- જવર કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં જિલ્લા કલેકટર દ્વારા આ જાહેરનામામાંથી મંદિરના પૂજારી, સરકારી ફરજ ઉપર હોય તેવા લોકો અને સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવે તેવા લોકોને મુક્તિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીએ અનેક ધાર્મિક સ્થળો ઉપર રોક લગાવી દીધી હતી. હવે ધાર્મિક સ્થળો ધીમે ધીમે શરતોને આધીન ખુલી રહ્યા છે. ત્યારે હવે રમણીય સ્થળો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવી રહ્યા છે. પાટણવાવનો ઓસમ પર્વત તેના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. હાલની મહામારીને પગલે આવેલા લોકડાઉનમાં લોકો ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયા હતા. લોકડાઉન હટતા લોકો ઓસમ પર્વત ઉપર મોટી સંખ્યામાં પીકનીક માટે આવતા હોય અહીં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે  જિલ્લા કલેકટર રેમ્યા મોહને પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા છે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.