Abtak Media Google News

રૂ. 60 કરોડના ખર્ચે 2.4 કિમીના ફ્લાય ઓવરનું થશે નિર્માણ, ઓછા અંતરમાં જ્યારે ફ્લાય ઓવર બનાવવાનો હોય ત્યારે જ ટ્રમ્પેટ ડિઝાઇન પસંદ કરાય છે

રાજકોટની ભાગોળે બની રહેલા હીરાસર એરપોર્ટ પાસે જિલ્લાનો પ્રથમ ટ્રમ્પેટ ફ્લાય ઓવર બનવાનો છે. આ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. આગામી દિવસોમાં ફ્લાઇટ ટેસ્ટિંગ બાદ એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ કરવાની હાલ તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હીરાસર એરપોર્ટથી હાઇવે સુધીના રોડ વચ્ચે તંત્ર દ્વારા ટ્રમ્પેટ ફ્લાય ઓવર બનાવવામાં આવનાર છે.  આ અંગે જિલ્લા કલેકટર દ્વારા જણાવવાના આવ્યું છે કે રૂ. 60 કરોડના ખર્ચે આ 2.4 કિમીનો ટ્રમ્પેટ ફ્લાય ઓવર બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જ્યારે ઓછા અંતરની જમીનમાં ફલાય ઓવરનું નિર્માણ કરવાનું હોય ત્યારે ટ્રમ્પેટ ફ્લાય ઓવરની ડિઝાઇન પસંદ કરવામા આવે છે.

જામટાવરને નવા રંગરૂપથી સજ્જ કરાશે

રાજકોટના જામ ટાવરની છેલ્લા ઘણા સમયથી દુર્દશા હતી. પણ આખરે તંત્રની નજરમાં તે આવ્યું છે. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે જામ ટાવરને ટૂંક સમયમાં શરૂ કરાશે. જામ ટાવર છેલ્લા ઘણા સમયથી બદતર હાલતમાં છે. પણ હવે તંત્ર દ્વારા તેને પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામ ટાવરમાં જે વિશાળ ઘડિયાલ છે તેને સરખી કરવામાં આવશે. આ ઉપરાંત ત્યાં ખાડા જેવું હોવાથી તેનું તળિયું પણ ઊંચું લેવામાં આવશે.

ઢેબરભાઇ સેનેટોરિયમમાં નિર્માણ પામનાર 160 બેડની હોસ્પિટલનું ટૂંક સમયમાં થશે ખાતમુહૂર્ત

સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક ખૂણે આવેલા મનુબેન ઢેબરભાઈ સેનેટોરીયમવાળી જગ્યામાં 160 બેડની હોસ્પિટલ બનાવવાના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયની હવે ઝડપભેર અમલવારી શરૂ થવાની છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા 12 કરોડની ગ્રાન્ટ રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને ફાળવવામાં આવી હતી.

અગાઉ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના પરિવારજનોને રહેવા માટે સુવિધા મળી રહે તેવા આશયથી આ સેનેટોરીયમ બનાવવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેનો આ હેતુ માટેનો ઉપયોગ બંધ થઈ ગયો હતો અને આ જગ્યાએ મહાનગરપાલિકાની મેલેરીયા શાખા અને પોલીસ તંત્રની જુદી-જુદી બ્રાન્ચને ઓફિસ ફાળવવામાં આવી હતી. આ તમામ બિલ્ડિંગો પાડી નાખવામાં આવી છે. હવે એકાદ મહિનામાં ખાતમુહૂર્ત કરી હોસ્પિટલ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવશે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.