Abtak Media Google News

ઓહ.. માય  ગોડ.. ! ઓગસ્ટ મહિનો બોલિવુડ માટે જાણે મંદી સામે ગદર (ક્રાંતિ)  જાણે કરી ગયો છૈ. અને પ્રોડ્યુસરો, ફાઇનાન્સરો, અને અભિનેતાઓને  ડ્રીમ જોતાં કરી ગયો છે. ઓગસ્ટ-23 માં રજૂ થયેલ. આ ત્રણ ફિલ્મ અર્થાત સન્ની દેઓલની ગદર-2, આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ-2 અને અક્ષય કુમારની ઓ માય ગોડ-2 એ એક મહિનાથી ટૂકાગાળામાં બોલિવુડને આશરે 725 કરોડ રૂપિયા રળી આપ્યા છે., આને કહેવાય સપનાનાં વાવેતર..! ફિલ્મ વિશ્ષ્લેષકો કહે છે કે હજુ પણ આ ફિલ્મોમાં બોક્સ ઓફિસ ઉપર ભીડ જમા કરવાની તાકાત છે. યાદ રહે કે ઓહ માય ગોડ અને ગદર-2 સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ એટલે કે 11 મી ઓગસ્ટે તથા ડ્રીમ ગર્લ 25 મી ઓગસ્ટે થિયેટરમાં આવી છે.

આંકડા બોલે છે કે ગદર-2 એ એક મહિનાથી ઓછા સમયગાળામાં 500 કરોડ રૂપિયાનો વકરો કરી લોધો છે. જે કદાચ સૌથી ઓછા સમયમાં 500 કરોડે પહોંચનારી બોલિવુડની પ્રથમ ફિલ્મ હશે. આ અગાઉ જુન- 2001 માં ઐક પ્રેમ કહાનીના રૂપમાં રજૂ થયેલી ગદર-1 ફિલ્મે શરૂઆતનાં દિવસોમાં 133 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વર્ષ-2017 માં આવેલા કુલ બિઝનેસનાં આંકડા પ્રમાણે 16 વર્ષમા કુલ 486 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ આંકડાને ગદર-2 એ  એક મહિનાથી ઓછા સમયમાં પાર કરી લીધો છે.

આજ રીતે ઓહ માય ગોડ-2 ફિલ્મે શરૂઆતનાં ત્રણ સપ્તાહમાં ભારતમાં 140 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. અને વિશ્વભરમાં કુલ 203 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ હતું. થિયેટરોમાં એકંદરે 25.49 ટકા દર્શકો સાથે હજુ પણ ફિલ્મ લોકોને આકર્ષી રહી છે. એક દાયકા પહેલા એટલે કે 2012 માં આવેલી ઓહ માય ગોડ-1 નુ કલેકશન પ્રથમ ત્રણ દિવસમાં  માંડ 30 લાખ રુપિયાનું હતું પરંતુ ત્યારબાદ બીજા સપ્તાહમાં 22 કરોડ રુપિયાની કમાણી કરી હતી. અને ત્રીજા સપ્તાહમાં આ આંકડો 72 કરોડે પહોંચ્યો હતો. મતલબ કે ઘણીવાર આરંભિક નિષ્ફળતા બાદ પણ બોલિવુડની ફિલ્મો બીજા કે ત્રીજા સપ્તાહ બાદ ટંકશાળ પાડતી હોય છે.

માત્ર ચાર વર્ષમાં સિક્વલ લઇને થિયેટરોમાં એન્ટ્રી કરનારી ડ્રીમ ગર્લ-2 હાલમાં 75 કરોડ રૂપિયાનાં વેપાર સાથે ધૂમ મચાવી રહી છે. આાગળ કેટલે પહોંચશે તેના સપના જોતા રહીએ.   જોકે વિશ્લેષકો માને છે કે શાહરૂખ ખાનની જવાન રિલીઝ થાય ત્યાં સુધીમાં આ ફિલ્મ કેટલું કલેક્શન કરે છે તે મહત્વનું છે કારણ કે ત્યારબાદ કદાચ ફિલ્મ થિયેટરોમાંથી નીકળી પણ જશે.

આ ત્રણ ફિલ્મો તો માત્ર ઉદાહરણ છે. બાકી બોલિવુડને આવો એકાદ મહિનો સફળ જવાથી ઘણી તાકાત મળતી હોય છે. આંકડા બોલે છે કે કોવિડ-19 માં થિયેટરો બંધ રહ્યા બાદ અને મહા મંદીનાં ચાર મહિના પુરા કર્યા બાદ બોલિવુડે તેજી-મંદીનાં ગ્રાફ વચ્ચે એકંદરે કારોબારમાં વધારો જ કર્યો છે. વર્ષ 2022 માં બોલિવુડની ઇન્ડસ્ટ્રી સાઇઝ 172 અબજ રૂપિયાની થઇ હતી.  જે આવા સફળ મહિનાઓ નીકળે તો ઉત્તરોતર વધી શકે છે.  સૌથી મોટી વાત તો એ છે કે ભારતમાં તહેવારોની સિઝનનો તો હજુ પ્રારંભ થયો છે. આગામી દિવસોમાં ગોવિંદા, લોકમેળા, ગણપતિ, નવરાત્રી, અને શરદ પૂર્ણિમા જેવા તહેવારો આવી રહ્યા છે.

આગામી દિવસોમાં જવાન, ગ્રેટ ઇન્ડિયન ફેમિલી, ફખરી-3 તથા વેક્સીન વોર સહિતની ડઝનેક ફિલ્મો રિલીઝ થવાની છે. જેની સફળતાનાં સૌ સપના જોવાનું શરૂ કરશે. યાદ રહે કે આગામી સપ્તાહે જ શાહરૂખખાનની જવાન રિલીઝ થઇ રહી છે. આજના આંકડા બોલે છે કે જવાનની અત્યાર સુધીમાં  બે લાખ થી વધારે ટિકીટનું બુકિંગ થઇ ચુક્યુ છૈ. ઘણા થિયેટરોમાં સવારનાં છ વાગ્યાનાં શો રાખવામાં આવ્યા છે. અંદાજ છે કે રિલીઝ દિવસ આવતા સુધીમાં ચાર લાખ ટિકીટ વેચાઇ જશે.  જેમાંથી અનેક ટિકીટો બાદમાં બ્લેકમાં વેચાશે. ગદર-2 ની ટિકીટ કિંમત આમતો 200 થી 300 રૂપિયા હતી પણ ફિલ્મ ઘેલાઓએ એક ટિકીટનાં કાળાબજારમાં 600 થી 700 રૂપિયા ચુકવ્યા હોવાના પણ અહેવાલો છે.

એકતરફ બજારમાં સૌ મંદીની રાડો પાડી રહ્યા છે અને ફિળ્મો જોવા માટે બમણા નાણા ચુકવી રહ્યા છે અને બોલીવુડ વાળા અત્યારથી જ દિવાળી ઉજવી રહ્યા છે.  સ્વાભાવિક રીતે જ ડાયલોગ યાદ આવી જાય છે કહાં હૈ.. મંદી ..મંદી કહાં હૈ..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.