Abtak Media Google News

એસી, ફ્રીઝ, કુલર કે પંખા ખરીદતા પહેલા બી સ્ટાર રેટિંગ જોવું અત્યંત જરૂરી, પ્રોડક્ટની ગુણવત્તા અને ખાસિયતો જેટલી જ તેની વીજ ખપત પણ જાણવી આવશ્યક

બી સ્ટાર રેટિંગ વીજ ઉપકરણોની ઊર્જા બચત કાર્યક્ષમતા દર્શાવે છે, જેટલા સ્ટાર વધુ તેટલી વીજળીની બચત

કાળઝાળ ગરમીમાં ટાઢક આપવાના દાવા કરતી પ્રોડક્ટ ખરેખર ટાઢક આપે છે કે કેમ? તે પણ જાણવું જરૂરી છે. ઉનાળામાં સામાન્ય રીતે એસી, ફ્રીઝ, કુલર અને પંખાની ખરીદીમાં ઉછાળો આવે છે. આ પ્રોડક્ટની ખરીદી કરતા પહેલા ગ્રાહકોએ અનેક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી બને છે.

જ્યારે આપણે કોઈ ઉપકરણ ખરીદીએ છીએ, ત્યારે અમે તેની કિંમત, ડિઝાઇન, સુવિધાઓ, રંગ વગેરે પર ધ્યાન આપીએ છીએ. પરંતુ એક મહત્વની બાબત એ છે જેને આપણે નજર અંદાજ કરીએ છીએ. જે છે ઊર્જા બચત કાર્યક્ષમતા. તેના ઉપર ધ્યાન આપવુ જરૂરી બને છે.  હવે પ્રશ્ન એ થાય છે કે ઉપકરણ કેટલી ઉર્જા બચત કરી શકે તે કેમ જાણવું ? તો તેનો જવાબ છે બી સ્ટાર રેટિંગ.

ઈલેક્ટ્રોનિક સાધનો ઉત્પાદક તેના ઉત્પાદનો પર થોડા સ્ટાર્સ સાથે લેબલ મૂકે છે.  જેને બી સ્ટાર રેટિંગ લેબલ કહેવામાં આવે છે.  જેમાં 1 થી 5 સ્ટાર અને કેટલીક માહિતી હોય છે.  કેટલાક ઉત્પાદનોને નાના સ્ટાર સાથે લેબલ કરવામાં આવે છે, જ્યારે કેટલાકને મોટા સ્ટાર સાથે લેબલ કરવામાં આવે છે.આ તમામ સ્ટાર વીજળીની બચત સાથે સંબંધિત છે. એટલે કે જેટલા વધારે સ્ટાર એટલી વીજળીની બચત થાય છે.  આ જ કારણ છે કે તેને એનર્જી એફિશિયન્સી સ્ટાર રેટિંગ પણ કહેવામાં આવે છે. બી રેટિંગ એસી, ફ્રિજ, એલઇડી લેમ્પ્સ, વોટર હીટર સહિતની શ્રેણીઓમાં 30 ઉત્પાદનોને સ્ટાર રેટિંગ આપે છે. આ 30 ઉત્પાદનોમાંથી, 11 ઉત્પાદનો માટે સ્ટાર રેટિંગ દર્શાવવું ફરજિયાત છે.  સીલિંગ ફેન પણ આ યાદીમાં જોડાયા છે.

30 પ્રોડક્ટને અપાયા છે સ્ટાર રેટિંગ

“સ્ટાર રેટિંગ” બધા ઉત્પાદનોને લાગુ પડતું નથી, તે પસંદગીના ઉત્પાદનોને લાગુ પડે છે.  બી સ્ટાર રેટિંગ એ તમામ ધોરણો અને માપદંડોને વ્યાખ્યાયિત કરે છે જેનું પાલન કોઈ ઉપકરણને રેટિંગ કરતી વખતે કરવું જોઈએ. બદલાતી ટેકનોલોજી સાથે, બી સ્ટાર રેટિંગ લેબલ પણ દર વર્ષે અપડેટ થાય છે.  આ રેટિંગ પ્રોગ્રામમાં અત્યાર સુધીમાં 30 ઉપકરણોના સ્ટાર રેટિંગ સામેલ કરવામાં આવ્યા છે.

પંખામાં 1 સ્ટાર વર્ષે રૂ.850ની બચત કરાવે છે

વધુ ઉર્જા કાર્યક્ષમ પંખાનો અર્થ એ છે કે ગ્રાહકો દર મહિને તેમના પાવર ખર્ચમાં બચત કરી શકે છે.  ક્રોમ્પટનના જણાવ્યા અનુસાર સરેરાશ, 1-સ્ટાર  દર વર્ષે 850 રૂપિયા સુધીની બચત કરી શકે છે. આમ જેટલા વધુ સ્ટાર તેટલો ગ્રાહકને ફાયદો થઈ શકે છે. ઉપરાંત એક સ્ટારથી થતી વીજળીની બચત ઉપકરણો પ્રમાણે અલગ અલગ હોય છે.

બી સ્ટાર રેટિંગ કોણ જાહેર કરે છે ?

બી સ્ટાર રેટિંગ બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સી દ્વારા જારી કરવામાં આવે છે.  તે ભારત સરકારની એજન્સી છે.  તેની સ્થાપના 1 માર્ચ 2002ના રોજ ભારત સરકાર દ્વારા ઉર્જા સંરક્ષણ અધિનિયમ 2001 હેઠળ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.