Abtak Media Google News

આગામી 6 વર્ષમાં કાળઝાળ ગરમી કામદારોને અસર કરતા જીડીપીમાં 2.5થી 4.5 ટકા ઘટ આવી શકે, ખેત ઉત્પાદનમાં 10થી 30 ટકા ઘટ આવી શકે જ્યારે ઉર્જા વપરાશમાં મોટો ઉછાળો આવી શકે તેવો અંદાજ

પર્યાવરણ પરિવર્તનથી વિશ્વ આખી પીડાઈ રહ્યું છે. જેમાં ભારતમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસર શરૂ થઈ ગઈ છે. તેમાં ગરમીના પ્રકોપને કારણે અર્થતંત્રને અંદાજે 15 લાખ કરોડ જેટલું નુકસાન પહોંચે તેવો અંદાજ હાલ લગાવવામાં આવી રહ્યો છે.

ભારત હંમેશા ગરમ દેશ તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા 15 વર્ષોમાં આટલા ગરમ દિવસો ક્યારેય આવ્યા નથી. 1970 થી, માત્ર બે વર્ષ એવા છે જ્યારે ભારતે સૌથી વધુ ગરમ દિવસો જોયા છે.  2022 માં 203 હીટવેવવાળા દિવસો હતા. જ્યારે 2010 માં આવા 256 દિવસો જોવા મળ્યા હતા.

આઈએમડી ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે અગાઉના દાયકાઓની સરખામણીમાં, 1970ના દાયકાથી શરૂ કરીને, 2010-2019ના સમયગાળામાં દેશના ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વીય અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાભાગના રાજ્યોમાં વાર્ષિક સરેરાશ હીટવેવ દિવસોમાં વધારો જોવા મળ્યો હતો.  કેન્દ્ર કહે છે કે સમગ્ર ભારતમાં 1901-2018 દરમિયાન સરેરાશ તાપમાન લગભગ 0.7  સે વધ્યું હતું, જ્યારે ઉષ્ણકટિબંધીય હિંદ મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન 1951-2015 ની સરખામણીમાં 1  સે વધ્યું હતું.

1951 થી, ભારતમાં ગરમ ​​દિવસો અને રાત્રિઓની સરેરાશ વાર્ષિક આવર્તનમાં વધારો થયો છે અને ભારતમાં ઠંડા દિવસો અને રાત્રિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આઈએમડીએ 1901 માં રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું અને ત્યારથી 2022 એ ભારત માટે પાંચમું સૌથી ગરમ વર્ષ હતું.   અહેવાલ મુજબ, ભારતના કેટલાક ભાગો એવા છે કે જ્યાં છેલ્લા કેટલાક દાયકાઓમાં નિયમિતપણે 50 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ તાપમાન નોંધાયું છે.

જ્યાં સુધી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને વ્યાપક રીતે અટકાવવામાં નહીં આવે, ત્યાં સુધી વૈશ્વિક તાપમાન સતત વધતું રહેશે અને આવી ઘટનાઓ વધુ વારંવાર અને ગંભીર બનશે,” અહેવાલમાં જણાવાયું છે. વિશ્લેષણ દર્શાવે છે કે બાંગ્લાદેશ અને ભારતમાં, હીટવેવની ઘટનાઓ સરેરાશ સદીમાં એક કરતા પણ ઓછી વખત બની હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જો તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે, તો આ હવે પાંચ વર્ષમાં એકવાર થવાની અપેક્ષા રાખી શકાય છે

વિશ્વ બેંકનું કહેવું છે કે 2030 પછી, દર વર્ષે 160-200 મિલિયન ભારતીયો ભારે ગરમીના સંપર્કમાં આવી શકે છે.  ભારતીય ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગરના અભ્યાસમાં એવી આગાહી કરવામાં આવી છે કે 2100 સુધીમાં આત્યંતિક હિટવેવ 30 ગણા વધુ આવી શકે છે.જો વર્તમાન નીતિઓ હેઠળ આબોહવા પરિવર્તન અવિરત ચાલુ રહેશે, તો 2100 સુધીમાં હીટવેવ 75 ગણી વધુ વારંવાર થઈ શકે છે.

અંદાજ મુજબ 2030 સુધીમાં, ગરમીથી પ્રભાવિત થતું હોય તેવું કામ જીડીપીના 40% થઈ જશે, ભારત ગરમીને કારણે તેના જીડીપીમાં 2.5થી 4.5 ટકાની નુકસાની સહન કરવી પડશે. અતિશય ગરમી ખાસ કરીને ખેતી માટે વિનાશક બની શકે છે. ગરમીનો પ્રકોપ પાકને નુકસાન પહોંચાડી શકે છે, પાણીના સંસાધનોને ખાલી કરી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચરે જણાવ્યું હતું કે આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ગરમીના કારણે ફળો અને શાકભાજીનો 10% થી 30% પાક નષ્ટ થઈ શકે છે. ઉપરાંત હીટવેવ ઉર્જા ક્ષેત્ર પર દબાણ લાવે તેવી પણ શક્યતા છે. આમ ગરમીનો પ્રકોપ ભારતના અર્થતંત્રને અંદાજે 15 લાખ કરોડ રૂ.નું નુકસાન પહોંચાડે તેવી શકયતા છે.

ગરમીના પ્રકોપથી 30 વર્ષમાં થયેલા મોતનો સત્તાવાર આંકડો 26 હજારનો

સરકારનો અંદાજ છે કે 1990 અને 2020ની વચ્ચે, લગભગ 26,000 લોકો હીટવેવને કારણે મૃત્યુ પામ્યા હતા, જોકે નિષ્ણાતો કહે છે કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાની શક્યતા છે.મેડિકલ જર્નલ ધ લેન્સેટના 2022ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 2000-04 અને 2017-21 વચ્ચે ભારે ગરમીથી થતા મૃત્યુમાં 55%નો વધારો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.