Abtak Media Google News

રાજ્યમાં બ્રિજની સ્થિતિને લઈને હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું: 40 જેટલા બ્રિજને સામાન્ય રિપેરિંગની, જ્યારે 23 જેટલા બ્રિજને વધુ રિપેરિંગની જરૂરિયાત હોવાનો ખુલાસો

બ્રિજોની સ્થિતિને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું મુકવામાં આવ્યું હતું.  જેમાં સરકારે સ્વીકાર્યું કે કુલ 63 જેટલા બ્રિજોને સમારકામ કરવાની જરૂરિયાત છે. જેમાં 40 જેટલા બ્રિજને સામાન્ય રિપેરિંગ કરવાની જરૂરિયાત છે, જ્યારે 23 જેટલા બ્રિજને વધુ રિપેરિંગની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે.

મોરબી ઝૂલતા બ્રિજની ઘટના બાદ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ચર્ચામાં આવ્યો છે. આજ સમયે અમરેલીના રાજુલામાં બ્રિજ ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે. ત્યારે હાઈકોર્ટમાં રાજ્ય સરકારે બ્રિજના મુદ્દે સોગંદનામું રજુ કર્યું છે. સરકારે સોગંધનામામાં જણાવ્યું છે કે, રાજ્યના કુલ 63 બ્રિજ હાલ ખરાબ હાલતમાં છે. આ તમામ બ્રિજોને સમારકામની જરૂર છે.

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે 23 બ્રિજની હાલત અત્યંત ખરાબ છે.અમદાવાદના 12, સુરતમાં 13, વડોદરામાં 4, રાજકોટમાં 1 અને જુનાગઢ 7 બ્રિજમાં સમારકામની જરૂર છે. રાજ્યના કુલ 63 બ્રિજ ખસ્તા હાલતમાં છે જેને સમારકામની જરૂર છે.ગાંધીનગરમાં બનેલા એક પણ બ્રિજને હાલમાં રિપેરિંગ કરવાની જરૂરિયાત ન હોવાનો ખુલાસો પણ એફિડેવિટમાં કરાયો છે.

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન 25 જાન્યુઆરીએ મોરબી બ્રિજની સ્થિતિ વિશે રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલે વળતર આપવાની પણ તૈયારી દેખાડી હતી. અલબત્ત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે. ગઈ કાલે જ અમરેલી જિલ્લાના રાજુલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો હતો.

જવાબદારી નક્કી કરતી કોઈ નીતિ સરકાર પાસે નથી!!!

સુનાવણીમાં કોર્ટે સરકારને સવાલો કરતા પૂછ્યું હતું કે, શહેરી વિસ્તારમાં બ્રિજ તૂટે તો જવાબદારી કોની રહેશે? સરકારે કહ્યું કે, હાલ આ મામલે કોઈ નીતિ સ્પષ્ટ નથી. કોર્ટે બીજો સવાલ કર્યો કે, ગ્રામ્ય વિસ્તારોમાં કે જિલ્લા કક્ષાએ તમામ બ્રિજની મરામત સહિતની જવાબદારી કોની છે? સરકારે જવાબ આપ્યો કે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની માર્ગદર્શિકા લાગુ પડતી નથી. સરકારે સોગંદનામામાં સ્પષ્ટ જણાવ્યું કે, મ્યુનિ.ની હદમાં આવા કોઈ બનાવ બને તો તેની જવાબદારી નક્કી કરતી કોઈ નીતિ અમારી પાસે નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.