Abtak Media Google News

રજાઓ પછી પરિણામની પળો જેમ જેમ નજીક આવે છે તેમ તેમ વિઘાર્થીઅની ઊંઘ જવા લાગે છે. ખાવા પીવાનો સ્વાદ ઉડી જાય છે અને સીનેમાનો રંગ ફરકવા લાગે છે.આવી નિર્ણાયક પરીક્ષાઓ માટે નિષ્ઠાપૂર્વક  રાતદિવસ એક કરી તનતોડ મહેનત કરનારા વિઘાર્થીઓને જયારે પરિણામ દગો દઇ જાય ત્યારે શું થાય? ઉત્સાહથી ઊછળતા, સ્વપ્ન સેવી આવા તરુણોના ગાલ પર પરિણામની લપડાક પડે અને તેઓ જાણે આકાશમાંથી ધરતી પર પટકાઇ પડે.

આમાંના થોડાક ધુળ ખંખેરી ઊભા થઇ જાય ને ફરી ચાલવા માંડે પણ મોટાભાગના તરુણોના તો જાણે પગ જ કણાઇ ગયા હોય એવી હાલત થઇ જાય છે. એમાંય જેમની નાવ છેક કિનારે આવીને ડૂબી હોય, એકાદ બે ટકા કે એકાદ બે માર્ક માટે જેઓ હંમેશ માટે તબીબી (મેડીસીન) કે એન્જિનિયરીંગ કે એમને ગમતી કોઇ કારકિર્દીથી વંચિત થઇ ગયા હોય એમની સ્થિતિ તો કલ્પી શકાય એવી નથી. તેઓ અને તેમના કુટુંબીજનો તો જાણે જીવન હારી ગયા હોય એટલા હતાશ થઇ જાય છે.

વિજ્ઞાન પ્રવાહના વિષયમાં વધુ ટકા માર્કસ આવે તો મેડિકલમાં પ્રવેશ મેળવવાની મહેચ્છા રાખી શકાય છે. મેથ્સ લેનાર વિઘાર્થીઓ એન્જિનિયરીંગ ક્ષેત્રે  જવા થનગની રહ્યા છે. એટલી ઊંચી એટલે કે એંસી ટકા ગુણાંક મેળવવાની જેમની ક્ષમતા નથી પણ છતાં ઉચ્ચ સેક્ધડ કલાસ ગુણાંક પ્રાપ્ત કરવાની આશા છે તેવા વિઘાર્થીઓ કોમર્સમાં પ્રવેશ મેળવવા તજવીજ કરી રહ્યા છે. જેમને લેખન પ્રવૃત્તિનો એટલે કે સાહિત્યનો શોખ છે અને ઉચ્ચ ગુણાંક મેળવવાની પોતાની ક્ષમતા નથી અથવા માત્ર ડીગ્રી જ પ્રાપ્ત કરવી છે તેઓ આર્ટસ લેવા પ્રેરાય છે. આમ સૌ પોતાપોતાની રીતે કોલેજમાં પ્રવેશ મેળવવા ઉત્સુક બને છે.

પરંતુ ૭પ ટકા ગુણાંક પ્રાપ્ત થાય અને ૭૬ ટકાએ મેડીકલમાં પ્રવેશ આપવાનો બંધ થાય ત્યારે ! હવે કઇ લાઇનમાં જવું? ડેન્ટલ મેળવવો કે આયુર્વેદની લાઇન લેવી? ફાર્મસીમાં જવાથી શું લાભ થાય? વગેરે વિચારમાં વિઘાર્થી ગોથાં ખાવા લાગે છે. અને આશા હતાશામાં પલટાવા લાગે છે. હા, આર્થિક પરિસ્થિતિ સઘ્ધર હોય એવા વિઘાર્થીઓ અને વાલીઓ ‘ડોનેશન’આપીને પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરવા માગે છે. આ બધું જ જગજાહેર છતાં ખાનગી રાહે થાય છે.

આમ યેનકેન પ્રકાર – એટલે કે ‘ડોનેશન’ આપીને પ્રવેશ મેળવાય છે ત્યારે, ડોકટર બન્યા પછી એ ડોનેશન અને મેડીકલનો ખર્ચ રળી લેવા પ્રયત્નશીલ બને છે અને દર્દીઓ માત્ર પૈસા કમાઇ આપનારા ગ્રાહકો હોય એવો વર્તાવ થવા લાગે છે. આવું જ એન્જીનીયરીંગ ક્ષેત્રે ય બને છે જયાં ભેળસેળ કરીને કામ કરાય છે. એ જ રીતે બી.એ. કે બી.એસ.સી.ની ડીગ્રી મેળવ્યા પછી બી.એડ. કરીને શિક્ષણ ક્ષેત્રે  જવાનું વિચારાય છે પણ તેમાંય નોકરી મેળવવા માટે ડોનેશન આપવું પડે છે અને પછી શિક્ષણમાં ય ટયુશન અને અન્ય પ્રકારે ડોનેશનની રકમ કેવી રીતે રળી લેવી એ જ શિક્ષકોનું ઘ્યેય બને જાય છે.

સમાજ ચિંતકોનો આથી જ આક્રોશ રજૂ થાય છે કે આ બધું કયાં જઇ અટકશે? આવા ભ્રષ્ટાચાર પાછળનું મૂળ છે આપણી સામાજીક પ્રતિષ્ઠાની ખોટી માન્યતા, દરેક માતા પિતા પોતાનું સંતાન સારી આર્થિક સઘ્ધરતા પ્રાપ્ત કરીને, સમાજમાં પ્રનિષ્ઠિત સ્થાન મેળવે એવી ઇચ્છા ધરાવે છે એ સ્વાભાવિક છે. પરંતુ માત્ર ગુણાંક જ વ્યકિતની પ્રતિભાની કસોટી નથી.

ન હોવી જોઇએ. ૭૫ ટકા અને ૭૬ ટકા વચ્ચે વધુ ફેર નથી. છતાં એક ગુણાંકથી મેડીકલમાં પ્રવેશ ન મેળવનાર વિઘાર્થીના જીવનમાં કેટલું મોટું પરિવર્તન આણી દે છે? જીવનમાં અન્ય ક્ષેત્રે જવલંત સફળતા મેળવે તો ય તેના મનમાં આખી જીંદગી એક વસવસો રહે જ છે કે મારે ડોકટર બનવું હતું. પણ બની ન શકયો આ જ મહેચ્છા તે પોતાના સંતાનમાં સાકાર કરવા મથે છે અને આમ એક વિષચક ચાલ્યા કરે છે. છે આનો કોઇ આસે-ઓવારો એવો પ્રશ્ર્ન ઉઠે છે.

દેશના, સમાજના કેટલાક તરુણો હતાશાના અંધારામાં અટવાય છે. દેશના અસંખ્ય નીચલા મઘ્યમ વર્ગના તરુણોનું શું? પરીક્ષા, પરિણામ, ટકાને એ ટકાના આધારે મુલવાત, નાના શા અકસ્માતને કારણે કચરાની જેમ ફેંકાઇ જતા તરુણો ! કેવી વિચિત્ર સ્થિતિ સર્જી છે આપણે ! આ તરુણો છેક બોલ્યવયથી અઢી વર્ષે કે.જી.ના પ્રવેશથી તે કારકીર્દીના અંતે નોકરીની પ્રાપ્તિ સુધી સતત એક તણાવમાં જીવે છે.

ભણતર એક જુગાર બની ગયું અને વિઘાર્થીની લાયકાત નહિ, બીજા જ પરિબળો એનું ભાવિ ઘડે છે. આ જાદુઇ ટકા લાવવા માટે ગેરરીતીઓ વપરાય છે અને આ રીતે ટકા લાવનાર સાચા તેજસ્વી વિઘાર્થીઓને હરીફાઇમાં ગેરરીતી અપનાવનાર હરાવી, આગળ નીકળી જાય છે. હતાશા વિઘાર્થીઓની નિરાશામાં રોષના અંગારા ઝગતા જોનારાને દેખાશે.

આવી પરિસ્થિતિ, બેદરકારી, ઉપેક્ષા, ભ્રષ્ટાચાર એક ભારેલો અગ્નિ છે. કયારે આ તણખા ભડકો બની જશે, આગ પેટાવશે, કહી ન શકાય. ત્યારે શું આપણે જૂની પેઢી સત્તાધારી અને શિક્ષણકારો, શિક્ષકોને વાલીઓ કૂવો ખોલવા જઇશું? અને કદાચ જઇએ તો કૂવામાં પાણી હશે ખરું ? સમાજ જાગી વિચારે એ સમાજ અને રાષ્ટ્રના હિતમાં લેખાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.