Abtak Media Google News

નિલગીરી, બબુલ, આંબો, લીમડો અને બોરડી સહિતના વૃક્ષો કાપવાહવે નહીં લેવી પડે મંજૂરી

રાજય સરકાર દ્વારા ૮૬ પ્રકારના વૃક્ષો કાપવા અને હેરફેર કરવાની છૂટ આપવામાં આવી છે. જેના પરિણામે ખેડૂતોને વૃક્ષો કાપવા માટે અવાર નવર લેવી પડતી પરવાનગીની પળોજણમાંથી મૂકિત મળશે.

ખાનગી જમીન ઉપર ઉગાડેલા નિલગીરી, લીમડો, બબુલ, આંબો અને બોરડી સહિતના વૃક્ષોનું નિકંદન હવે કરી શકાશે! અગાઉ આ પ્રકારનાં વૃક્ષોને કાપવા તથા હેરફેર કરવા માટે વન વિભાગની મંજૂરી લેવી પડતી હતી. અલબત હવે સરકારે નિયમો હળવા કરતા નડતા વૃક્ષો કાપવામાં સરળતા રહેશે.

વન વિભાગના જયુરીસ્ડીકેશનની હદ બહાર વૃક્ષો કાપવા સામે સૌરાષ્ટ્ર ટ્રી ફોલીંગ એકટ, ૧૯૫૧ લાગુ થાય છે. આ કાયદા હેઠળ કેટલાક પ્રકારનાં વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ હવે સરકાર પ્રતિબંધી વૃક્ષોની યાદી ઘટાડી છે.

સરકાર હાલ સામાજીક વનીકરણ યોજના હેઠળ લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ પોતાની જમીનો ઉપર અનેક વૃક્ષો ઉછેર્યા છે. સરકારની યોજનાનો હેતુ સાકાર થતો જણાય છે.

ખેડુતોને પોતાની જમીનમાં ઉછેરેલા વૃક્ષોને કાપવા માટે મુશ્કેલી ન પડે અને લાકડા વેચી આર્થિક વળતર મેળવી શકે તે માટે વન વિભાગ દ્વારા ૮૬ પ્રકારના વૃક્ષોને કાપવાની મંજૂરી અપાઈ છે.

વૃક્ષો કાપવા મામલે ઘણા સમયથી ખેડુતોની હેરાનગતી થતી હતી સરકારે કેટલાક પ્રકારના વૃક્ષો કાપવા પૂર્વે મંજૂરી લેવાનો કાયદો ઘડયો છે. જેમાંથી હવે ૮૬ વૃક્ષોની બાદબાકી કરવામાં આવી છે. રાજય સરકારની મંજૂરીના કારણે ૮૬ પ્રકારનાં વૃક્ષોને બેરોકટોક કાપી અને હેરફેર કરી શકાશે.

સરકારે રાજયમાં હરિયાણી પાથરવા માટે વૃક્ષારોપણ મામલે લોકોને પ્રોત્સાહિત કરવા અનેક પ્રયત્નો કર્યા છે. જેના સારા પરિણામો પણ મળ્યા છે. અલબત હવે સરકારે ૮૬ પ્રકારનાં વૃક્ષો કાપવાની છૂટ આપતા વૃક્ષોનું બેફામ નિકંદન પણ થશે તેવી દહેશત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.