લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલના પ્રથમ કુલપતિ તરીકે ડો.ભદ્રાયુ વછરાજાનીની વરણી

મૂલ્ય નિષ્ઠ શિક્ષણ સાથે આત્મનિર્ભરતા તરફ દોરી જતી યુનિવર્સિટી એટલે લોકભારતી યુનિવર્સિટી

ગુજરાતમાં એવી પણ સંસ્થા છે કે જેમાંથી આજ સુધી પાસ થયેલા 70 હજાર વિદ્યાર્થીઓમાંથી એકપણ વિદ્યાર્થીઓ બેકાર નથી અને આ સંસ્થા જેનું નામ લોકભારતી સંસ્થા છે. જેને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એક સમયના શિક્ષણ ક્ષેત્રેના દિગ્ગજો નાનાભાઇ ભટ્ટ, મનુભાઇ પંચોલી, મુળશંકર ભટ્ટ સહિતનાઓ દ્વારા સિંચાયેલી સંસ્થા છે અને હવે લોકભારતી યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે તેજસ્વી શિક્ષણકાર ભદ્રાયુ વછરાજાનીની નિમણૂંક કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તરીકે ડો.ભદ્રાયુએ વધારાનો હવાલો સંભાળી વિક્રમજનક પરીક્ષાલક્ષી સુધારા કર્યા હતા

ડો.ભદ્રાયુ વછરાજાની બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યા. બેંક છોડી પ્રાથમિક શિક્ષક થઇને 36 વર્ષની સફર બાદ તેઓ ઉચ્ચ શિક્ષણના ટોચના સ્થાને સ્વૈચ્છિક નિવૃત્ત થયા. કે.જી. થી પી.જી. સુધીની ડો.ભદ્રાયુ વછરાજાનીની શિક્ષણ સફર બહુ રસપ્રદ રહી છે. હાલ તેઓ અદાણી ફાઉન્ડેશન અમદાવાદ ખાતે ડાયરેક્ટર-એજ્યુકેશન તરીકે રાષ્ટ્રીયસ્તરે પ્રદાન કરી રહેલ છે. ડો.ભદ્રાયુ વછરાજાની જીવ વિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક તથા જાતિય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેઓ પી.એચ.ડીના માર્ગદર્શક છે. તેઓ ત્રણવાર પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક અને 24 વર્ષ પ્રાધ્યાપક શિક્ષક તરીકે રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તરીકે વધારાનો હવાલો સંભાળી ડો.ભદ્રાયુએ વિક્રમજનક પરીક્ષાલક્ષી સુધારા કરેલા હતા. જેની સમગ્ર દેશે નોંધ લીધી હતી.

હવે તેઓ લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનના પ્રથમ કુલપતિ તરીકે ફરજ બજાવનાર છે. જ્યારે કુલપતિ બનતા તેઓને ઠેર-ઠેરથી શુભેચ્છા વર્ષા વરસી રહી છે.