Abtak Media Google News

કેન્દ્ર દ્વારા રાજીનામું લઈ લેવા પાછળ અનેક ચર્ચા અને અટકળો: એઇમ્સને મળશે નવા પ્રેસિડેન્ટ

ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલની કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકલ ટચ રહે તે માટે રાજકોટના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો.વલ્લભ કથીરિયાને એઇમ્સના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રમુખ પદ આપ્યાની હજી ઉજવણીનો દોર શરૂ થયો હતો ત્યાં જ મંત્રાલયમાંથી પ્રમુખ પદેથી રાજીનામું આપવા માટેનો ફોન આવી ગયો હતો. અચાનક પદ આપી અચાનક જ છીનવી લેતા રાજકીય ચળવળો વધતી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટનાં પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથીરિયાને એઇમ્સના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સોંપી હતી. જેના પગલે તેમના સન્માન સમારોહનો કાર્યક્રમ ગોઠવી રક્તતુલા કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. સૌ કોઈ ડો.કથીરિયાની એઇમ્સની કામગીરીને લઈને શું બોલશે તેની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેવામાં ડો.વલ્લભ કથીરિયા દ્વારા પોતે એઇમ્સના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધા હોવાનુ જણાવતા રાજકીય ચળવળો શરૂ થઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પૂર્વે અને તેમની એઇમ્સની મુલાકાત પહેલા જ મંત્રાલયે પ્રેસિડેન્ટનું રાજીનામું મગાવી લેતા ટોપિક ટોક ઓફ ટાઉન બન્યો છે.કેન્દ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. હજુ 15 દિવસ પહેલા જ ડો.વલ્લભ કથિરીયાને આ જવાબદારી સોંપાઈ હતી. ડો.વલ્લભ કથીરિયાને 17મી ઓગસ્ટે ચાર્જ આપ્યો હતો અને બીજે દિવસે તેમને ચાર્જ સંભાળ્યો હતો.

પરંતુ ચાર્જના 72 કલાકમાં જ મંત્રાલયમાંથી ફોન આવ્યો અને રાજીનામું આપી દેવા માટે જણાવ્યું હતું.ડો.વલ્લભ કથીરિયાના અચાનક રાજીનામાથી અનેક તર્ક-વિતર્ક સર્જયા છે. તેમને તાજેતરમાં પરાપીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જો કે, તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ડો.કથીરિયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.હજુ ડો.વલ્લભ કથીરિયાએ મંત્રાલયના આદેશ મુજબ તુરંત એઇમ્સના પ્રેસિડેન્ટ પદેથી રાજીનામું આપી દીધું હતું. મંત્રાલય દ્વારા ટેકનિકલ હિત માટે રાજીનામું લીધું હોવાનું જણાવ્યું હતું. એકાએક પદ આપીને એકાએક છીનવી પણ લેતા રાજકીય માહોલ ગરમાયો છે.

રાજકોટ એઇમ્સને મળશે નવા પ્રેસિડેન્ટ

રાજકોટમાં પરાપીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી ગુજરાતની સૌપ્રથમ પ્રથમ એઇમ્સ હોસ્પિટલના નિર્માણ અંગે કામગીરીની સમીક્ષા બદલ પૂર્વ સાંસદ અને કેન્દ્રીયમંત્રી ડો.વલ્લભ કથીરિયાને પ્રેસિડેન્ટનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પરંતુ હજુ ચાર્જ સોપ્યાની ખુશી ચાલી રહી હતી ત્યાં મંત્રાલય દ્વારા તેમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. જેથી એઇમ્સની આગામી કામગીરી પર દેખરેખ રાખવા અને સમીક્ષા કરવા માટે નવા પ્રેસિડેન્ટની નિમણુક પર સૌ કોઈની મીટ મંડાયેલી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.