Abtak Media Google News

જુનાગઢમાં પશુપાલન મંત્રીના નકલી પી.એ. પોલીસની ઝડપે ચડી ગયા બાદ જુનાગઢ પોલીસે હવે એક નકલી ડિ.વાય.એસ.પી. ને પણ ઝડપી લીધો છે. અને આ નકલી ડીવાયએસપીએ 17 લોકો પાસેથી 2.11 કરોડ રૂપિયા નોકરીની લાલચુ આપીને ખંખેરિયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ મા જ કબૂલી લીધું છે ત્યારે પકડાયેલા શખ્સને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ડીવાયએસપી ઓળખ આપી નોકરી ઈચ્છુકો સાથે રૂ. 2.11 કરોડની છેતરપીંડી કર્યાનો ઘટ્ટસ્ફોટ

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ   નકલી ડિવાયાએસપી ને ઝડપી પાડ્યો છે. વિનીત બંસીલાલ દવે નામનો આ શખ્સ હકીકતમાં જૂનાગઢની ફેમિલી કોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. અને હાલમાં વડોદરા ખાતે રહે છે. પરંતુ પોતે લોકોને ડીવાયએસપી હોવાનું જણાવી, નોકરી અપાવી દેવાની લાલચ આપી 17 જેટલા લોકો પાસેથી રૂ. 2.11 કરોડ ખંખેરિયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જ ખુલતા પોલીસે આ શખ્સને પકડી પાડી,  જુનાગઢની કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા, જુનાગઢ કોર્ટે આગામી 18 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. ત્યારે પોલીસ દ્વારા આ શખ્સે કેટલા લોકોને ભોગ બનાવ્યા છે ? તથા તેમના બેન્ક એકાઉન્ટથી લઈને વિવિધ તપાસ અને પૂછપરછ આદરવામાં આવી છે.

જૂનાગઢના જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના જણાવ્યા અનુસાર, જુનાગઢ એલ.સી.બી. પી.આઇ. જે.જે. પટેલને હકીકત મળી હતી, જેના આધારે તેમની ટીમ સાથે શહેરના એમજી રોડ ઉપર પહોંચી ત્યાં ઉભેલા વિનીત બંસીલાલ દવે નામના શખ્સને પકડી તલાસી લેતા તેના ખિસ્સામાંથી વલસાડ જિલ્લા પોલીસના સિક્કા વાળું ડીવાયએસપીનું આઈ કાર્ડ મળી આવ્યું હતું. અને આ આઈ કાર્ડની ખરાઈ કરવા તેમને પોલીસે મથકે લઈ જવાતા આ શખ્સ ભાંગી પડ્યો હતો. અને પોપટની માફક પોતે કરેલ ગુનાની સિલસિલા બંધ હકીકતો રજૂ કરતા જણાવ્યું હતું

પોલીસ વડાના વધુમાં જણાવ્યા અનુસાર, વિનીત દવે પાસેથી નકલી ડિ.વાય.એસ.પી. ના કાર્ડની સાથે જૂનાગઢ ફેમિલી કોર્ટના ડ્રાઇવરનું આઈકાર્ડ પણ મળી આવેલ છે. તથા જુનાગઢ કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજના હોદા વાળું આઈ કાર્ડ અને બેક ક્રેડિટ કાર્ડ, લાયસન્સ તથા મોબાઈલ મળી આવ્યો છે. તે સાથે મળી આવેલા મોબાઈલ માંથી પાટણ જિલ્લાના અજીતસિંહ સુવાજી રાજપુત અને કનસિંહ વજુજી રાજપુત નામના પોલીસના બે આઈ કાર્ડ પણ મળી આવ્યા છે.

જૂનાગઢની ફેમિલી કોર્ટમાં 2018 માં ડ્રાઇવર તરીકે ફરજિયાત બજાવતા અને હાલમાં તેમની સામે કોર્ટમાં ઇન્કવાયરી ચાલતી હોવાથી ગેરહાજર રહેતા વિનીત દવે તેમના પરિવાર સાથે અમદાવાદ અને ત્યારબાદ વડોદરા ખાતે રહેતો હતો. અને તેમણે છેલ્લા દોઢેક વર્ષથી અલગ અલગ પોલીસ અને જજના આઈકાર્ડ બનાવીને સૌરાષ્ટ્રના અનેક નોકરી વાંચ્છૂકો ને નોકરી અપાવી દેવાના બહાને છેતરીયા હોવાનું પણ સામે આવતા જુનાગઢ એલસીબીએ સરકાર તરફે ફરિયાદી બનીને વિનીત દવે સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે, જુનાગઢ કોર્ટે વિનીત દવેના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાતા, જુનાગઢ પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ અને તપાસ આદરી છે. તથા અનેક છેતરપિંડી ખુલે તેવી શક્યતાઓ પોલીસે દ્વારા સેવાઈ રહી છે.

એક ડઝન બેરોજગારો નકલીના ભોગ બન્યા

નકલી ડીવાયએસપી. ની છેતરપિંડીનો ભોગ બનનારાઓમાં  અફસાના બ્લોચ, ગોંડલ (10 લાખ), સાહિલ હારુન ચાવડા, ગોંડલ (10 લાખ), રાહિલ હારુન ચાવડા,ગોંડલ- (10 લાખ), યશ કુંભાર, ગોંડલ- (12 લાખ) જયરાજ નવલભાઇ રાઠોડ, ગોંડલ- (12 લાખ) શૈલેષ મંગળભાઈ કાછડ, રાજુલા- (18 લાખ) શુભમ મુકેશભાઈ વડેરા ,ગોંડલ- (21 લાખ) ઓમ મેહુલભાઈ વડેરા, ગોંડલ- (13 લાખ) ક્રિષ્ના પીયૂષભાઈ સોલંકી, ગોંડલ- (8 લાખ) વિનય શૈલેન્દ્રભાઈ વ્યાસ, ગોંડલ- (8 લાખ) કાજલબેન ભાર્ગવભાઈ જસાણી, ગોંડલ- (16 લાખ), ગૌરાંગ અશોકભાઈ પરડવા, રાજકોટ (18 લાખ) ગુંજન અશોકભાઈ પરડવા, રાજકોટ- (7.50 લાખ) ગૌરીબેન ભરતભાઈ વાણિયા તાલાળા- (20 લાખ) કાજલબેન પટેલ વાડલા, જામવંથલી – (2 લાખ) પવન યોગેશભાઈ દવે, જૂનાગઢ- (5 લાખ) કિશોરભાઈ કલસરિયા, ગીર સોમનાથ- (20 લાખ).

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.