Abtak Media Google News
લાંબા વિરામ બાદ મેઘાના આગમની ખેડૂતોમાં ખુશીનો માહોલ: રાજયના ૮૨ તાલુકાઓમાં વરસાદ

લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે રાજયના ૮૨ તાલુકાઓમાં મેઘાનું આગમન થતાં ખેડૂતોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડામાં મધરાત્રે મેઘાના મંડાણ થયા હતા અને અનરાધાર અઢી ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત લખતર અને હળવદમાં પણ અડધાથી લઈ એક ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક વરસાદ આપે તેવી કોઈ સીસ્ટમ હાલ સક્રિય નથી.

Advertisement

સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૮૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ૬૬ મીમી અને દસાડા તાલુકામાં ૬૩ મીમી પડયો હોવાનું રેકોર્ડ પર નોંધાયું છે. ધ્રાંગધ્રા પંકમાં ૨૦ દિવસના લાંબા વિરામ બાદ મેઘરાજાએ અનરાધાર કૃપા વરસાવતા જગતાતમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. સમયસર વરસાદના કારણે મુરઝાતી મોલાતને પણ જીવનદાન મળી ગયું છે.

છોટા ઉદેપુરના સનખેડામાં અને મહેસાણા કડી થતાં કવાટમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ૨૨ મીમી, મોરબીના ટંકારામાં ૨૦ મીમી, હળવદમાં ૧૦ મીમી, રાજકોટના જામકંડોરણામાં ૬ મીમી, મોરબીના વાંકાનેરમાં ૬ મીમી, સુરેન્દ્રનગરના વઢવાણમાં ૫ મીમી, માળીયામાં ૫ મીમી, મોરબીમાં ૩ મીમી, માળીયા મિંયાણામાં ૨ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારી સર્વત્ર વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે, સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી ૫ દિવસ સુધી સાર્વત્રીક કે ભારે વરસાદ પડે તેવી કોઈ સીસ્ટમ હાલ સક્રિય નથી. ગત મધરાત્રે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘાનું આગમન થયું હતું. મેઘરાજાએ લાંબો વિરામ લેતા હવે જગતાત વરૂણદેવની કૃપા વરસાવવા માટે રીતસર વિનવી રહ્યો છે. ઉભા પાક સુકાઈ રહ્યાં છે. જો એકાદ સપ્તાહમાં સારો એવો વરસાદ નહીં પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ પણ ઉભી થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.