Abtak Media Google News

Table of Contents

માવતરોના ઢળતા જીવનના વિસામા માટે શ્રવણ બનતા ભામાશાઓ

રાજકોટની ભાગોળે રામપર નજીક 20 એકર જગ્યામાં 700 રૂમ સાથેના વૃદ્ધાશ્રમમાં 2100 જેટલા વૃદ્ધ માવતરોને આશરો આપવા સદભાવના ધામનું પૂ. મોરારીબાપુના હસ્તે ભૂમિપૂજન

એક સાથે હજારો લોકોના હસ્તે કરાવાયું ખાતમુહૂર્ત : મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ, પાટીદાર નેતાઓ અને મોટી સંખ્યામાં દાતાઓની ઉપસ્થિતિ

અબતક, રાજકોટ :

રાજકોટની ભાગોળે રામપર નજીક 20 એકર જગ્યામાં 700 રૂમ સાથેના વૃદ્ધાશ્રમમાં 2100 જેટલા વૃદ્ધ માવતરોને આશરો આપવા સદભાવના ધામનું નિર્માણ કરવામાં આવનાર છે. આ ધામનું પૂ. મોરારીબાપુના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ વેળાએ કલાકોમાં જ દાતાઓએ રૂ. 60 કરોડથી વધુના અનુદાનનો ધોધ વરસ્યો હતો. રાજકોટના માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર રોડ પર પડધરી નજીક રામાપરમાં દેશના સૌથી મોટો વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવશે. પૂ. મોરારિબાપુના હસ્તે આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અંદાજિત 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ વૃદ્ધાશ્રમના ભૂમિપૂજન માટેના આયોજિત કાર્યક્રમ દરમિયાન ત્રણથી ચાર કલાકમાં રૂ. 60 કરોડથી વધુનું અનુદાન મળ્યું હતું.

સૌ પ્રથમ કાર્યક્રમમાં બ્રિજરાજદાન ગઢવીએ ઉપસ્થિત સૌ લોકોને પોતાના ભજનથી ઓતપ્રોત કર્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના પિતા ઇશ્વરદાન ગઢવીના નામે રૂ. 11, 11,111નું અનુદાન જાહેર કરી આ સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. બાદમાં કાર્યક્રમ વેળાએ દાતાઓએ અનુદાનનો રીતસર ધોધ વ્હાવ્યો હતો.

આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથરીયા અને જયેશભાઇ રાદડિયા તેમજ વિવિધ ક્ષેત્રોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ . કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે . માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત – જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે.

ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 500 જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે . તેમાંથી 180 વડીલો પથારીવશ (ડાઈપર વાળા) છે . સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય , એકલવાયી – નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં ) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે .

આવા પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૂપે નિ:શુલ્ક આશ્રય અપાઇ રહયો છે . યથાશકિત સેવા કરાઈ રહી છે . પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિ:સહાય , પથારીવશ વ્યક્તિઓ ( કોઇપણ જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ : ( રાજકોટ ઉપરના ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે. સંસ્થાએ એક અનોખી પ્રવૃત્તિનો આરંભ કરીને, તદ્દન નવો ચીલો ચાતર્યો છે. એ પ્રવૃત્તિ એટલે ‘ બળદ આશ્રમ ’ એટલે કે બળદો માટેનો આશ્રમ . ગૌવંશનું હિત જોનારી આપણી સંસ્કૃતિમાં ગાયોની માવજત, સારવાર અને સેવા તો સહુ કરે છે. પણ બળદો પ્રત્યે સમાજમાં સંપૂર્ણપણે દુર્લક્ષ્ય સેવાતું જોવા મળ્યું છે.

ત્યારે અમારી સંસ્થાએ ખાસ નોધારા, અશક્ત અને બીમાર બળદો માટે ‘બળદ આશ્રમ’ બનાવવાની પહેલ કરી. સંસ્થાના આ નવા પરિમાણથી , આજ સુધી તરછોડાયેલી સ્થિતિ પામેલા ગૌવંશના અબોલ જીવને બચાવવાની ખેવના સાકાર થઇ રહી છે . અમારા આ નવતર પ્રયાસ થકી અત્યારે 700 જેટલા બળદો સંસ્થાના આશ્રિત છે. જ્યારે અમારું લક્ષ્ય 10000 બળદોનુંછે.

વધુમાં સંસ્થા દ્વારા માત્ર વૃક્ષારોપણ જ નહીં  વૃક્ષોનું જતન અને ઉછેર એ અમારી નેમ છે . આજ સુધીમાં સંસ્થાએ 20 લાખ વૃક્ષો વાવ્યાં છે, જ્યારે લક્ષ્ય 20 કરોડ વૃક્ષોનું છે . ગૂગલ મેપ પરથી જ્યારે કોઈ ગુજરાત સર્ચ કરે , ત્યારે ગ્રીન ગુજરાત દેખાવું જોઈએ એ મહેચ્છાછે.

Morari Bapu વ્યાસપીઠની મદદથી વૃદ્ધાશ્રમની બનતી મદદ કરીશ : પૂ. મોરારીબાપુ

પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે, વિજય ડોબરિયાનો વૃક્ષ પ્રેમ અને વૃદ્ધ પ્રેમ આપણે જાણીએ જ છીએ. વૃક્ષ અને વૃદ્ધ છાયા અને ફળ આપે છે. આ સદ્દકાર્યમાં મારા તરફથી હું તુલસીપત્ર અર્પણ કરું છું. એક સંત તરીકે આ કામમાં દાતાઓનો જે સહયોગ મળ્યો છે, તેની સરાહના કરું છુ. આ સાથે જ મોરારી બાપુએ વ્યાસપીઠની મદદથી આ વૃદ્ધાશ્રમ માટે શક્ય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી.

Img 20230529 Wa0019

અમારે માત્ર માવતર જોઈએ છે : વિજયભાઈ ડોબરીયા

દેશના સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમના સ્વપ્નદ્રષ્ટા વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું કે સમગ્ર પ્રોજેક્ટ કુલ રૂ.200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જેમાં કુલ 7 ટાવર હશે, જોકે આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે કે જે નિરાધાર છે જેને કોઈ સંતાન નથી અને તેઓ લાચાર છે. અહીં આશરો લેનાર વડીલોનું સન્માન જળવાઇ રહે તે માટે ‘અમારે માવતર જોઇએ છે’. તેવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વૃદ્ધાશ્રમમાં દરેક માળે એક અગાસી હશે. જેમાં વડીલો વોકિંગ કરી શકશે, પથારીવશ માવતરોની કેર કરવા માટે કેર ટેકરની ટીમો 24 કલાક અને 365 દિવસ કાર્યરત રહેશે. દરેક જગ્યાએ, દરેક માળે, વડીલો વ્હીલચેરમાં જઇ શકે તેવી સુવિધા હશે. દરેક રૂમમાં હવા-ઉજાસ ગ્રીનરી જળવાય તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. જૈન સમાજના વડીલો માટે આખો ટાવર અલગ બનશે, જેમાં વડીલોને જૈન ભોજન મળે અને કોઇ મુશ્કેલી ન પડે તેે માટે ખાસ ખ્યાલ રાખવામાં આવશે.

ભવ્યાતિભવ્ય કાર્યક્રમ પાછળ કોઈ ખર્ચ ન થયો હોવાનું જાણી પૂ. મોરારીબાપુ આશ્ચર્યચકિત

સદભાવના વૃદ્ધાશ્રમના ભૂમિપૂજનનો ભવ્યાતીભવ્ય કાર્યક્રમના ખર્ચ અંગે મોરારિબાપુએ પૂછપરછ કરી હતી. અને આ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનો ખર્ચ થયો નહીં હોવાનું જાણી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેઓએ મંડપ સહિતની નિઃશુલ્ક સેવા આપનારાઓને અભિનંદન આપ્યા હતા.

ભયાવદરના તબીબે પત્નીના અવસાન બાદ મિલકતો વેચી રૂ.2 કરોડનું અનુદાન આપ્યું

હંસાબેન પટેલ નામની મહિલાએ ગોંડલ રોડ સ્થિત ‘પીપળીયા ભવન’ની મુલાકાત લીધી હતી. જ્યાં નિસહાય, નિરાધાર વૃદ્ધોની થતી માવજતને નિહાળી હંસાબેન ખુબ જ પ્રભાવિત થયાં હતા અને તેમણે તેમના પતિને ફકત એટલું જ કહ્યું હતું કે, આ વૃદ્ધાશ્રમને ‘થોડું આપજો’. આ ઘટના બન્યાના ફકત 15 જ દિવસમાં હંસાબેન પટેલનું નિધન થઇ ગયું પણ તેમના પતિ કે જેઓ વ્યવસાયે સામાન્ય એક બીએએમએસ તબીબ તરીકે ભાયાવદર ખાતે કાર્યરત છે તેમને પત્ની હંસાબેનના શબ્દો યાદ હતા કે, સદભાવના વૃદ્ધાશ્રમને ‘થોડું આપજો’. પરીવાર સાવ સામાન્ય હતો, દાન આપવા માટે કોઈ રોકડ ન હતી પણ હંસાબેનના પતિએ દાન આપવા માટે પોતાની જમીન વેંચીને એક રકમ એકત્ર કરી પણ ‘થોડું આપજો’ એની વ્યાખ્યા શું? એ પ્રશ્ન પતિને સતાવતો હતો. જે બાદ પતીએ અન્ય 4 દુકાનો પણ વેંચી નાખી અને તેમાંથી એકત્ર થનારી રૂ. 2 કરોડની માતબર રકમ સદભાવના વૃદ્ધાશ્રમને અર્પણ કરી દીધી.

હાલ સદભાવના વૃદ્ધાશ્રમમાં 500 જેટલા માવતરો લઈ રહ્યા છે આશરો

છેલ્લાં 8 વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ કાર્યરત છે. જેમાં ધર્મના કે નાત-જાતના ભેદભાવ વિના તમામ જરૂરિયાતવાળા વૃદ્ધાને આદરભેર દાખલ કરી તમામ સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં 500 જેટલા માવતરો તેમની પાછોતરી જિંદગી શાંતિપૂર્વક વિતાવી રહ્યા છે. હવે આ વૃદ્ધાશ્રમમાં 2100 જેટલા વૃદ્ધો આશરો લઈ શકે તે માટે અદ્યતન વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવનાર છે.

હજારો લોકોએ ઘરે બેઠા અબતકના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કાર્યક્રમ નિહાળ્યો

એકતરફ હાલ સમાજ વ્યવસ્થા તૂટતી જઈ રહી છે. પરિવારો વિખુટા થઇ રહ્યા છે. જે માતા પિતા પોતાના બાળકને એવુ વિચારીને ભણાવે ગણાવે છે કે, આ મારો દીકરો કે દીકરી મારી ઘડપણની લાઠી બનશે પણ એક સમયે એ જ દીકરો – દીકરી માતા પિતાને તરછોડી દેટા હોય તેવા દાખલા પણ સમાજે જોયા છે. આવા સમયમાં સદભાવના વૃદ્ધાશ્રમ ભગીરથ કાર્ય કરી રહ્યું છે. નિસહાય, નિઃસંતાન અને નિરાધાર વૃદ્ધોએ ક્યાંય ઠોકર ન ખાવી પડે, કોઈની સામે હાથ ન લંબાવો પડે તેવા ઉદેશ્ય સાથે સદભાવના વૃદ્ધાશ્રમ વિશાળ જગ્યામાં આકાર લેવાનું છે. જેનો ભૂમિપૂજનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમનું અબતક મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. હજારો લોકોએ  ઘરે બેઠા આ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.