Abtak Media Google News
  • ફરી 2020 જેવું આંદોલન કરવા ખેડૂત સંગઠનોના પ્રયાસો : સરકાર એલર્ટ
  • દિલ્હીની બોર્ડરો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાની સાથે કલમ 144 લાગુ કરાઈ :  સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ

National News : SSP, સ્વામીનાથન પંચની ભલામણો લાગુ કરવા સહિત અન્ય માંગણીઓને લઇને ખેડૂતોની 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો માર્ચ’ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વીય જિલ્લામાં રવિવારે કલમ 144 લાગુ કરવામાં આવી હતી, જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત ‘દિલ્હી ચલો માર્ચ’ના ભાગરૂપે મંગળવારે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરે તેવી શક્યતા છે. પોતાની માગણીઓ પૂરી કરવા માટે અલગ અલગ સંગઠનો 13મી એ દિલ્હીમાં કૂચ કરવાની જાહેરાત પછી હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે.

Farmers

26 ખેડૂત સંગઠનો દ્વારા 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફની કૂચ વચ્ચે ભારતીય કિસાન યુનિયન ઉગ્રાન જૂથે 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે.  ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની સરહદોને મજબૂત કરી દેવામાં આવી છે.  સિંઘુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પર કાંટાળા વાયરો ઉપરાંત કોંક્રિટ બ્લોક્સ, બેરીકેટ્સ, રસ્તા પર ખીલા અને અન્ય અવરોધો લગાવવામાં આવ્યા છે.  હજારો સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.  દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.  પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે.  બીજી તરફ આંદોલનને સમાપ્ત કરવા માટે સોમવારે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓની બેઠકનો બીજો રાઉન્ડ પણ યોજાશે.

ખેડૂતો 2020 જેવું આંદોલન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવાની બાતમી મળ્યા બાદ દિલ્હી પોલીસ વધુ સતર્ક થઈ ગઈ છે.  સિંઘુ બોર્ડર પર હંગામી ઓફિસ અને કંટ્રોલ રૂમની સ્થાપના ઉપરાંત, પોલીસે લગભગ એક કિમીની ત્રિજ્યામાં CCTV કેમેરા પણ લગાવ્યા છે.  ડ્રોનની મદદથી વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.  અર્ધલશ્કરી દળોની 16 કંપનીઓ સહિત 5,000થી વધુ જવાનોને સરહદો પર તૈનાત કરવામાં આવ્યા છે.  મંગળવારે સિંઘુની સાથે ટિકરી બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરવાની તૈયારીઓ છે.  અપ્સરા, ભોપુરા, આનંદ વિહાર, ચિલ્લા ઉપરાંત બદરપુર બોર્ડર પર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.  દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ હરિયાણા અને યુપીની સરહદોની મુલાકાત લીધી હતી.

Police

બધાની નજર ચંદીગઢમાં સાંજે 5 વાગ્યે યોજાનારી ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓની બેઠક પર છે.  જેમાં કેન્દ્ર તરફથી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય અને પંજાબના સીએમ ભગવંત માન અને વિવિધ ખેડૂત સંગઠનોના 10 પ્રતિનિધિઓ હાજર રહેશે.

કોઈ પણ વ્યક્તિ કે વિરોધ કરનારને હથિયારો, તલવારો, ત્રિશૂળ, ભાલા, લાકડીઓ, સળિયા અને અન્ય હથિયારો લાવવાની મંજૂરી નથી અને પોલીસે આ લોકોને સ્થળ પર જ અટકાયતમાં લેવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથેની દિલ્હીની સરહદો પર 5,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરી રહી છે.

ચાંદીગઢ ઉપરાંત 15 જિલ્લામાં કલમ 144 લાગુ

ભારત બંધના એલાન બાદ પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં હરિયાણાની સરહદો પર એકઠા થયા હતા.  તેને રોકવા માટે હરિયાણાએ શંભુ બોર્ડર અને ઝરમરી બોર્ડર બંધ કરી દીધી છે.  BSના જવાનોને પણ સરહદો પર તૈનાત કરવામાં આવ્યા છે.  ચંદીગઢ ઉપરાંત 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

સિંઘુ બોર્ડરથી કોમર્શિયલ વાહનોને નો એન્ટ્રી

દિલ્હી પોલીસની એડવાઈઝરી મુજબ 12 ફેબ્રુઆરીથી કોમર્શિયલ વાહનો સિંઘુ બોર્ડરમાં પ્રવેશી શકશે નહીં. 13મી ફેબ્રુઆરીથી તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.  ખેડૂતોના આંદોલનને જોતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

બેરિકેડ્સ પણ ન નડે તેવા ખાસ ટ્રેકટર લઈને ખેડૂતો આવશે

ગુપ્તચર અહેવાલો અનુસાર, ખેડૂતોએ દિલ્હી કૂચ માટે ખાસ પ્રકારના ટ્રેક્ટર તૈયાર કર્યા છે.  આ હાઇડ્રોલિક્સથી સજ્જ છે, જે બેરિકેડ્સ અને બોલ્ડર્સને દૂર કરવામાં સક્ષમ છે. પંજાબ, યુપી, હરિયાણા અને દિલ્હીની સરકારોને ચેતવણી આપતા એજન્સીઓએ કહ્યું છે કે પંજાબ-હરિયાણાના વિવિધ સ્થળોએથી 25,000થી વધુ ખેડૂતો 5,000 ટ્રેક્ટર સાથે દિલ્હી જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.