Abtak Media Google News

ઈલેકટ્રીક વાહનો પર ટેકસનો દર ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરવાનો નિર્ણય

કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક શુક્રવારનાં રોજ યોજાઈ હતી જેમાં એક વિશેષ જાહેરાત કરતાં જણાવાયું હતું કે, દેશભરનાં મલ્ટીપ્લેકસો માટે હવે ફરજીયાતપણે ઈલેકટ્રોનિક ટીકીટનાં વેચાણનાં નિયમને અમલી બનાવાયો છે. મનોરંજન ક્ષેત્રે જીએસટી વ્યવસ્થાને વધુ સુદઢ અને પ્રમાણિત બનાવવા માટે મલ્ટીપ્લેકસ માટે અત્યાર સુધી વપરાઈ રહેલી રંગીન કાગળોની ટીકીટનાં બદલે હવે માત્ર ઈલેકટ્રોનિક ટીકીટોનાં વેચાણનો નિયમ અમલમાં આવી રહ્યો છે. દેશમાં રજીસ્ટર્ડ અને નોંધાયેલા મલ્ટીપ્લેકસો માટે ઈલેકટ્રોનિક ઈનપુટ બનાવવામાં આવ્યું છે જેનાં પગલે ઈલેકટ્રોનિક ટીકીટ ફરજીયાત કરવામાં આવી છે. જીએસટી કાઉન્સીલર બિઝનેસ ટુ કસ્ટમર વ્યવસ્થા અને બિઝનેસ ટુ બિઝનેસ વ્યવસ્થામાં ટેકસ ઈન વોઈસનાં અમલ માટે હવે મલ્ટીપ્લેકસ સિનેમામાં ઈ-ટીકીટ પ્રથા અમલમાં આવશે. ભારતભરનાં નોંધાયેલા મલ્ટીપ્લેકસો દ્વારા ટેકસ ચોરી કરવામાં આવતી હતી જેનાથી જીએસટીને મળતી ટેકસ વસુલાતમાં પણ અનેકવિધ પ્રકારે ખાદ્ય ઉદભવિત થતી હતી.

Advertisement

નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, મલ્ટી પ્લેકસ માટે ઈ-ટીકીટ ફરજીયાત બનાવાઈ છે જયારે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પણ ૫૦ હજારથી વધુનાં માલનાં પરિવહન માટે ઈ-વે બ્રિજ પ્રથા માટેનાં અમલનો નિર્ણય લેવાયો હતો. સરકાર નેશનલ એન્ટી પ્રોફીટરી ઓથોરીટી દ્વારા ૧૦ ટકાની લેવી અને ટેકસ કટનાં નિર્ણય સાથે જીએસટી કાઉન્સીલ દ્વારા અનેકવિધ મહત્વનાં નિર્ણયો લીધા હોવાનું મહેસુલ સચિવ અજય પાંડેએ પત્રકારો સાથે વાતચીત કરતા માહિતી આપી હતી. જીએસટીને લઈ ઘણી ખરી તકલીફોનો સામનો વેપારી તથા કસ્ટમરોને વેઠવો પડતો હતો. જીએસટી કાઉન્સીલ દ્વારા અનેકવિધ પ્રકારે જીએસટી દરમાં સુધારો અને લાગુ પડતા તમામ નિર્ણયોને અમલી બનાવવા માટે વિચારવિમર્શ કરી તેનો અમલ હાથ ધરવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સીલની બેઠકમાં ઈલેકટ્રીક વાહનો પર ટેકસનો દર જે ૧૨ ટકા હતો તે પણ ઘટાડી ૫ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં વાહનોનું પ્રદૂષણ ઓછુ થાય તે માટે જીએસટી કાઉન્સીલ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની કિંમત જે ૮ લાખ સુધીની હોય તે ઈલેકટ્રીક કાર ૫૦,૦૦૦ જેટલી સસ્તી થઈ જશે.

જીએસટી રિટર્ન ફાઈલીંગ સિસ્ટમ ૧લી જાન્યુઆરી ૨૦૨૦થી લાગુ: રેવન્યુ સેક્રેટરી

જીએસટી કાઉન્સીલની બેઠક નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં મહેસુલ સચિવ એ.બી. પાંડેએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વ્યાપારીઓ માટે જીએસટી રજીસ્ટ્રેશન સરળ બનાવવા માટે આધારકાર્ડ પુરાવા તરીકે આપી શકાશે જેથી જીએસટી રજીસ્ટ્રેશન માટે આધાર દ્વારા રજીસ્ટ્રેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જીએસટીનાં એન્ટી પ્રોફીટીયરીંગ ઓથોરીટીનાં કાર્યાલયને પણ બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. જીએસટીનું વાર્ષિક રીટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદામાં પણ બે માસનો વધારો કરવામાં આવ્યો છે જેથી તેને લંબાવી ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ કરવામાં આવી છે. સાથોસાથ એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ લેવાયો હતો કે, જીએસટી રીટર્ન ફાઈલીંગ સિસ્ટમ ૧લી જાન્યુઆરી ૨૦૨૦થી લાગુ કરવામાં આવશે.

બેઠકમાં જે કોઈ વેપારી વસ્તુનાં ભાવ નહીં ઘટાડે તો તેનાં પર ૧૦ ટકા પેનલ્ટી લગાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણકે જીએસટી રેટ ઘટયા પછી પણ કંપનીઓ દ્વારા ભાવ ઘટાડવામાં આવ્યા ન હતા. કોઈ વસ્તુ પર જયારે ટેકસ ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કરવામાં આવ્યો હતો તો દુકાનદાર દ્વારા તત્કાલ ભાવ ઘટાડવા પડે નહીંતર ૧૦ ટકા પેનલ્ટી જીએસટી કાઉન્સીલ દ્વારા વસુલવામાં આવશે. આ બેઠકમાં વાહનોનું પ્રદુષણ ઓછું કરવા માટે ઈલેકટ્રીક વાહનો પર ટેકસ ૧૨ ટકાથી ઘટાડી ૫ ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.