Abtak Media Google News

કોરોના વાયરસની અસર હવે પાછળ છોડી અર્થતંત્રને આગળ ધપાવવા વિશ્વભરના દેશોની સરકારો પ્રયાસમાં જુટાઈ છે. આર્થિક ગતિવિધીને તેજ બનાવવા તેમજ બજારમાં તરલતા લાવવા પર ખાસ ભાર મુકાઈ રહ્યો છે. કોવિડ-19ની નકારાત્મક અસરોને નાથી હવે ભારતીય અર્થતંત્રની ગાડી પાટે ચડી પુરપાટ ઝડપે દોડવા લાગી છે. આ જ કારણસર હવે ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ- જીડીપી દર ડબલ ડિજિટમાં પહોંચે તેવી પ્રબળ સંભાવના છે. ફરી એક વખત કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે આશાવાદ વ્યક્ત કર્યો છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વૃદ્ધિદર 11%ની આસપાસ રહેશે.

અર્થતંત્રની ગાડી હવે પાટે; વિકાસદર સતત વધતો રહેશે: મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમ

નિયમોમાં ઢીલ, આંતરમાળખાકીય રોકાણમાં વધારો, ઉત્પાદન ક્ષેત્રને બુસ્ટરડોઝ સહિત બજાર માંગમાં વધારાને કારણે જીડીપી ડબલ ડીજીટને આંબશે

ઈન્ડિયન કન્સ્ટ્રકશન મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના એક કાર્યક્રમને સંબોધિત કરતા મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે જણાવ્યું કે બીજી લહેર ઘાતકી નીવડી પણ હવે અર્થતંત્ર પર ઊણી આંચ નહીં આવે. કોરોના વાયરસના બીજા તબક્કાની અર્થતંત્ર પર ખાસી એવી અસર પડશે નહીં. હવે નિયમોમાં ઢીલ, સપ્લાય સાઈડ સપોર્ટ દ્વારા વૃદ્ધિ કરવામાં મદદ મળશે. ઉપરાંત, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે નવી આંતરમાળખાકીય સુવિધા ઉભી કરવામાં રોકાણ, ઉત્પાદન માટેની ઉત્પાદન આધારિત પ્રોત્સાહક યોજના, બજાર માંગમાં વધારો, વિવેકપૂર્ણ ખર્ચ અને રસીકરણમાં થઈ રહેલો વધારો અર્થતંત્રની ગાડીને વધુ પુરપાટ ઝડપે દોડાવવામાં મોટી મદદ કરશે.

3 માસમાં સરકારને આવકવેરાની 2.40 લાખ કરોડ અને એક્સાઈઝ ડ્યૂટીની 1.01 લાખ કરોડની આવક

સલાહકાર સુબ્રમણ્યમે કહ્યું કે આ વર્ષે અર્થતંત્ર ઉચ્ચ વિકાસ દર હાંસલ કરશે. ગયા વર્ષની નીચી બેઝ ઇફેક્ટને કારણે આ વર્ષની વૃદ્ધિ પ્રાપ્ત થશે. નાણાંકીય વર્ષ 2022-23માં 6.5 થી 7 ટકાના વિકાસ દરની અપેક્ષા છે. ભારતીય બાંધકામ સાધનસામગ્રી ઉત્પાદક સંઘના કાર્યક્રમને સંબોધન કરતાં વધુમાં જણાવ્યું કે વિકાસને વિવિધ માળખાકીય સુધારાઓ જેવા કે લેબર લો અને કૃષિ કાયદા દ્વારા ટેકો મળશે.

ભારતીય અર્થતંત્રના ટકાઉ વિકાસ લક્ષી વાત કરતાં તેમણે જણાવ્યું કે ભવિષ્યની વૃદ્ધિ ફુગાવા સાથે સુસંગત નથી. એટલે કે ફુગાવાને નિયંત્રિત કરતાની સાથે ભારતીય અર્થતંત્ર આગળ વધશે. તેમણે કહ્યું કે કોરોના દરમિયાન પણ ભારતે માળખાકીય સુધારા દ્વારા સપ્લાયની વિવિધ સમસ્યાઓ પર કાબૂ મેળવ્યો છે. જે નોંધપાત્ર છે. જણાવી દઈએ કે કેન્દ્રીય બજેટ 2021-22માં રૂ. 5.54 લાખ કરોડના મૂડી ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. જે 2020-21ના બજેટના અંદાજ કરતાં 34.5 ટકા વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.