Abtak Media Google News

મહેમાન બનેલા અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર પોતાના રાજકીય ભવિષ્ય ધ્યાને રાખતા ભારતની આશા ‘ઠગારી’ નિવડી

ભારતના મહેમાન બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મસમોટી આર્થિક સંધીની જાહેરાત થશે તેવી અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. ભારત એક તરફ વિશ્ર્વ ગુરૂ બનવાનો મનોરથ સેવી રહ્યું છે પરંતુ વિશ્ર્વ ગુરૂ બનવાના આ મનોરથમાં અર્થતંત્રનો વિકાસ કયાંક ભુલાયો હોવાનું સામે આવે છે. અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ગુજરાતમાં લાખોની મેદનીને સંબોધી હતી. તેમના ભાષણ દરમિયાન ભારતની લોકશાહીની મહાનતા સહિતનાં પાસાઓના ગુણગાન હતા પરંતુ ભવિષ્ય માટે ભારત અને અમેરિકાનાં વ્યાપારીક સંબંધોમાં કયા પ્રકારના પગલા લેવાશે તેનો કોઈ ઉલ્લેખ ન હતો. અધુરામાં પુરુ અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ માટેની સંધીની જાહેરાત કરી દીધી હતી. બંને દેશ વચ્ચેના સંબંધોમાં માત્ર ભારત તરફથી દાખવવામાં આવેલી તૈયારી શેરબજારની આંખે ખુંચી હતી પરીણામે ગઈકાલે કડાકો બોલી ગયો હતો. ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારીક સંબંધોમાં દાયકાઓથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ભારત આર્થિક વિકાસ માટે તત્પર રહ્યું છે. બીજી તરફ અમેરિકાની વર્તણુક હંમેશા જગત જમાદારની રહી છે. પોતાની શરતો પર કામ કરાવવાની જગત જમાદારની જીદ ભારત સહિતનાં અનેક દેશો માટે માથાનો દુખાવો બની જાય છે. આવી સ્થિતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસ દરમિયાન પણ જોવા મળી છે. આગામી નવેમ્બરમાં યોજાનાર ચુંટણી ડોનાલ્ડ ટ્રમ્પ માટે મહત્વની છે. આ ચુંટણીને ધ્યાને રાખીને જ તેમને ભારતનો પ્રવાસ ખેડયો છે. આ ઉપરાંત માત્ર અમેરિકન લોકોના હિતને જોતા ટ્રમ્પ ભારતનાં અર્થતંત્ર તરફ કુણુ વલણ નહીં દાખવે તેવું નિષ્ણાંતોનું માનવું છે. ગઈકાલનાં ઘટનાક્રમને જોતા એ વાત સામે આવી છે કે અમેરિકા પાસેથી આર્થિક સંધીની અપેક્ષા હમણા ભારત રાખી શકે તેમ નથી. અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આગવી અદા મુજબ ગઈકાલનાં ભાષણમાં ઈસ્લામિક આતંકવાદનો ઉલ્લેખ કરીને આતંકવાદને નાથવા આહવાન કર્યું હતું પરંતુ આ આહવાન દરમિયાન તેમને કયાંકને કયાંક આતંકવાદનાં જન્મદાતા પાકિસ્તાનનાં વખાણ પણ કર્યા હતા. બે હાથમાં લાડવો રાખવાની માનસિકતા ગઈકાલે છતી થઈ હતી. તેમણે આતંકવાદને નાથવા ભારત સાથે કદમથી કદમ મિલાવી કામ કરવાનો મત વ્યકત કર્યો હતો. સાથોસાથ બિલીયન ડોલરની મિસાઈલ સંધી કરવાની જાહેરાત પણ કરી હતી. એક રીતે અમેરિકા શસ્ત્રોનું સોદાગર બનવાની લાઈન પણ ચાલ્યું હતું. ભારતને વર્તમાન સમયે સંરક્ષણ ક્ષેત્રે નહીં પરંતુ અર્થતંત્ર માટે બુસ્ટર ડોઝની આવશ્યકતા છે આ વાત ગઈકાલે ભુલાઈ ગઈ હતી. વિશ્ર્વ ગુરૂ બનવાની લહાયમાં ભારતનું સર્વ ભૌમત્વ પણ ભુલાઈ ગયું હોય તેવી સ્થિતિ સામે આવી હતી.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો ભારત પ્રવાસ અર્થતંત્ર માટે ખુબ જ લાભદાયી નિવડશે તેવી અપેક્ષાઓ છેલ્લા દોઢેક મહિનાથી સેવવામાં આવી હતી. અગાઉ વડાપ્રધાન મોદી અમેરિકાના મહેમાન બની બંને દેશો વચ્ચે આર્થિક સ્થિતિ મજબુત બને તેવા સોગઠા ગોઠવી આવ્યા હતા. તેમણે બેથી વધુ વખતની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો મજબુત બનાવવાના ગુણગાન ગાયા હતા પરંતુ ગઈકાલે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર પોતાના હિતની વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ હંમેશા અમેરિકા ફર્સ્ટની રહી છે. આવા સંજોગોમાં તેઓ પોતાના શસ્ત્રો વહેંચી ભારત પાસેથી અઢળક મુડી પોતાના દેશ લઈ જવા માંગે છે. સામાપક્ષે ભારત તરફથી પણ કેટલીક આશાઓ રાખવામાં આવે તે વાત હકિકત છે પરંતુ ટ્રમ્પ તરફથી ભારતની આશાઓ ઉપર પાણીઢોર કરવામાં આવ્યું હતું. હજુ ટ્રમ્પ ભારતમાં રોકાવાના છે આ સંજોગોમાં તેઓ અન્ય બાબતો મુદ્દે પણ કેટલાક નિવેદનો આપે તેવી શકયતા છે.

ઈસ્લામિક આતંકવાદ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ હંમેશા ચોખ્ખી રહી છે પરંતુ પાકિસ્તાનને પંપાળવાની વર્ષો જુની પરંપરા પણ અમેરિકા ભુલ્યું નથી. ગઈકાલના ભાષણમાં પણ આ પરંપરા ઉડીને આંખે વળગી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને શસ્ત્રો પણ વેચવા માંગે છે, પાકિસ્તાનને પંપાળવાની ઈચ્છા પણ છે અને આર્થિક કરારોમાં ઝુકવા પણ તૈયાર નથી. એક તરફ મોદીને સારા મિત્ર કહે છે પરંતુ કરારની વાત આવે ત્યારે વાર લાગશે તેવા નિવેદનો આપે છે.

  • મોદી પ્રખર રાજકારણી પરંતુ આર્થિક પ્રવાહ પારખવામાં થાપ ખાધી?

વડાપ્રધાન મોદી ભારતને વિશ્ર્વ ગુરૂ બનાવવાની ઈચ્છા રાખે છે. પાકિસ્તાન અને ચીન સહિતનાં સરહદોનાં પ્રશ્ર્ને મોદી વૈશ્ર્વિક કક્ષાએ પ્રખર રાજકારણી નિવડયા છે પરંતુ ટ્રમ્પ સાથેના સંબંધોમાં મોદી આર્થિક નિર્ણયો લેવામાં કયાંક થાપ ખાઈ ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. મોદી વૈશ્ર્વિક પોલીટીકસમાં નિષ્ણાંત તો છે પરંતુ ઈકોનોમીટસ નથી. અમેરિકા સાથે સંબંધો સ્થિર રાખવામાં વડાપ્રધાન મોદીના પ્રયાસો સતત રહ્યા છે. આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ભીડવવામાં મોદીએ સફળતા મેળવી છે. ડોકલામ સહિતના પ્રશ્ર્ને ચીનને પણ વડાપ્રધાન મોદીએ ધુળ ચાંટતુ કર્યું હતું પરંતુ આર્થિક મોરચે ટીમ મોદી કયાંક નબળી પુરવાર થઈ રહી છે. ધડાધડ લેવાયેલા નિર્ણયોના કારણે ભારતીય અર્થતંત્રને પીઠ પર મસમોટો ભાર આવી ચઢયો છે. આવા સંજોગોમાં અર્થશાસ્ત્રી મનમોહનસિંહનાં કુનેહપૂર્વક લેવાયેલા નિર્ણયો ભુલી શકાય તેમ નથી.

  • સોનાને કયાંથી લાગે કાટ… ગોલ્ડમાં તોફાની તેજી!

કોરોના વાયરસની અસર વૈશ્ર્વિક બજારો પર પડતા મંદીનો માહોલ સર્જાયો છે. અમેરિકા, ચીન, યુરોપ અને જાપાનનાં માર્કેટમાં મંદીની મોકાણ ઐતિહાસિક સપાટીએ પહોંચી ચુકી છે. દાઉ જોન્સ, સીએસી, ડીએએકસ, એફટીએસઈ સહિતની બજારો ૩ ટકાથી વધુ તુટી પડતા ભારતમાં પણ મંદીની અસર જોવા મળી હતી. ગઈકાલે સેન્સેકસ ૮૦૦ પોઈન્ટ જેટલો તુટી પડયો હતો. આજે પણ બજારમાં પ્રારંભિક તબકકે ગાબડુ જોવા મળ્યું હતું. બજારે ગ્રીનમાં ટ્રેડ થવા ભરપુર પ્રયત્ન કર્યા હતા. ગઈકાલે સોનામાં કોરોના વાયરસનાં પગલે અંધાધુંધ તેજી જોવા મળી હતી. સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. પરીણામે ગઈકાલે સ્ટોક માર્કેટ તો પટકાયું હતું પરંતુ રોકાણકારો સોના તરફ વળ્યા હતા અને અઢી ટકા જેટલો ઉછાળો વૈશ્ર્વિક બજારમાં જોવા મળ્યો હતો. ઈન્ડિયન બુલીયન અને જવેલર્સ એસોસીએશનનાં આંકડા મુજબ સોનાનો ભાવ ૪૩,૬૩૦ નજીક પહોંચી ગયો હતો ત્યારબાદ તેજીનો માહોલ જળવાયો હતો. રૂપિયો નબળો પડયો હતો. આવી રીતે વિદેશમાં નિકાસ કરતા ભારતીય ઉધોગો માટે પણ કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. સૌથી વધુ દહેશત શેરબજારમાં છે.

  • ભારતની નિકાસને મોટો ફટકો

કોરોના વાયરસની ભીતિએ આખા વિશ્ર્વના અર્થતંત્રને ડામાડોળ કર્યું છે. લોકો કોરોના વાયરસનાં કારણે ટપોટપ મરી રહ્યા છે. ચીન આ વાયરસને કાબુમાં લેવા ધમપછાડા કરી રહ્યું છે. વાયરસ ધીમે-ધીમે ચીનની આસપાસનાં દેશોની સાથે દરિયાઈ પારના દેશો સુધી પહોંચી ગયો છે. આ વાયરસ ફેલાવવાની પ્રબળ દહેશતનાં પગલે વૈશ્ર્વિક અર્થતંત્રની ધરી સમાન ચીન માંદુ પડયું છે. ચીનનું અર્થતંત્ર તુટી પડતા ભારતની નિકાસને પણ ફટકો પહોંચ્યો છે. ચીન થઈને જતા અનેક કાર્ગો બંધ છે. દરિયાઈ અને હવાઈ માર્ગે થતા સામાનનું પરીવહન થંભી ચુકયું છે. એકંદરે ભારતની નિકાસને મોટો ફટકો પહોંચતા આગામી સમયમાં અર્થતંત્ર વધુ નબળુ પડે તેવી ભીતિ આર્થિક નિષ્ણાંતો સેવી રહ્યા છે. કોરોના વાયરસ અને ટ્રમ્પ તરફ રાખવામાં આવેલી આશાઓ પર પાણી ફરી વળતા ગઈકાલે શેરબજાર તુટી પડયું હતું. આજે પણ શેરબજારમાં ગઈકાલની મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં જો ભારતની નિકાસ ફરી સ્થિર નહીં થાય તો ભારતીય અર્થતંત્રને લાંબાગાળે મસમોટો ફટકો પડી શકે તેવી પણ દહેશત છે.

  • કોરોના વાયરસે વૈશ્ર્વિક અર્થતંત્રને ‘ચેપ’ લગાડયો

લોકોને ટપોટપ મોતના મુખમાં ધકેલનાર કોરોના વાયરસ હવે વૈશ્ર્વિક અર્થતંત્ર પર મોટા ખતરા તરીકે ઝળુંબી રહ્યો છે. અમેરિકા, યુરોપ અને મધ્ય એશિયાના દેશોનો વેપાર વિનીમય જાણે અટકી ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે. ચીન જેવા મહાકાય દેશમાં આયાત નિકાસ પર લાગેલો પ્રતિબંધ હવે સમગ્ર વિશ્ર્વને નડી રહ્યો છે. ચીનથી માલ આવતો નથી કે જતો પણ નથી એકંદરે કોરોના વાયરસનાં ભરડામાં અર્થતંત્ર ગુંગળાવવા લાગ્યું છે. તાજેતરમાં જ ભારતના મોબાઈલ અને દવા ઉધોગ પર ચીનના વાયરસની માઠી અસર જોવા મળી હતી. આજ રીતે ચીનથી આયાત થતી અનેક વસ્તુઓ અટકી પડી છે. કાચા માલ ન હોવાના કારણે વૈશ્ર્વિક અર્થતંત્ર અટકી ગયું છે. ભારતમાં અનેક વસ્તુઓનો કાચો માલ ચીનમાંથી આયાત કરવામાં આવે છે. અલબત હાલ ચીનથી આયાત અટકી હોવાથી સ્થાનિક ક્ષેત્રે માલની જરૂરીયાત મુજબ પુરવઠો મળતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.