ચોટીલા નજીક ટ્રકે રિક્ષાને ઠોકરે લેતા વૃદ્ધનુ મોત : માતા-પુત્રને ઇજા

સુરેન્દ્રનગર નજીક માતાજીના નિવેદ કરવા જતી વેળાએ ધોરાજીના પરિવારને નડ્યો જીવલેણ અકસ્માત

અબતક,રાજકોટ

રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ધોરાજીનો પરિવાર સુરેન્દ્રનગરના બુડા ગામે માતાજીના નિવેદ કરવા જઈ રહ્યો હતો ત્યારે ચોટીલા નજીક અજાણ્યા ટ્રક ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નીપજ્યું હતું. જ્યારે માતા પુત્રને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાંખસેડાયા હતા.

આ અંગે મળતી વિગત મુજબ ધોરાજીમાં રહેતા ચંદુભાઈ દેવકણભાઈ વાઘેલા (ઉ.વ.55), લાભુબેન ચંદુભાઈ વાઘેલા (ઉ.વ.40), અરવિંદભાઈ ચંદુભાઈ વાઘેલા (ઉ.વ.25) અને પ્રવીણભાઈ ચંદુભાઈ વાઘેલા પોતાની રિક્ષા લઇ ધોરાજીથી સુરેન્દ્રનગરના બુડા ગામે માતાજીના નિવેદ કરવા જઈ રહ્યા હતા ત્યારે ચોટીલાથી આગળ થોડે દૂર પહોંચતા પાછળથી માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે રિક્ષાને ઠોકરે ચડાવી નાસી છુટ્યો હતો અકસ્માતમાં ઘવાયેલા રિક્ષા ચાલક અરવિંદભાઈ વાઘેલા, લાભુબેન વાઘેલા અને ચંદુભાઈ વાઘેલાને સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ચંદુભાઈ વાઘેલાની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે