Abtak Media Google News

સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા: કુલ ૪૫૯૨ વેપારીઓ કરશે મતદાન

એક વ્યકિત ઓછામાં ઓછા ૧૮ અને વધુમાં વધુ ૨૪ મત આપી શકશે

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની કારોબારી સમિતિના ૨૪ સભ્યો માટેની ચુંટણી આવતીકાલે યોજાનાર છે. જેમાં વાયબ્રન્ટ અને મહાજન પેનલ તેમજ એક અન્ય ઉમેદવાર વચ્ચે ટકકર થવાની છે. આ ચુંટણીમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં કુલ ૪૫૯૨ સભ્યો મતદાન કરવાના છે. એક વ્યકિત ઓછામાં ઓછા ૧૮ અને વધુમાં વધુ ૨૪ મત આ ચુંટણીમાં આપી શકશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની કારોબારી સમિતિના ૨૪ સભ્યોની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતી હોય આવનાર ત્રણ વર્ષની ટર્મ માટે આવતીકાલના રોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં કોટેચા ચોક ખાતે આવેલી સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. સમગ્ર ચુંટણીનું સંચાલન ચેરમેન હિતેષ બગડાઈ, સભ્યો આર.એમ.વારોતરીયા, મનસુખભાઈ પટેલ તેમજ આમંત્રિત સભ્યો અશ્વીનભાઈ કામદાર, રમેશભાઈ ટીલાળા અને સુનિલભાઈ શાહની રાહબરી હેઠળ થઈ રહ્યું છે.

ચેમ્બરની ચુંટણીમાં કુલ બે પેનલો વચ્ચે કાંટે કી ટકકર જોવા મળવાની છે. નોંધનીય છે કે ચુંટણી માટે કુલ ૮૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ૪૬ જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. હાલ ૩૫ સભ્યો વચ્ચે ચુંટણીનો જંગ ખેલાવવાનો છે. આ ચુંટણીમાં એક વ્યકિત ઓછામાં ઓછા ૧૮ મત તેમજ વધુમાં વધુ ૨૪ મત આપી શકશે.

ક્ધવેન્શન સેન્ટરની માંગને પ્રાધાન્ય અપાશે: વી.પી.વૈષ્ણવ

માત્ર વાચા નહીં પરીણામલક્ષી વાચાઓ આપવાનો વાયબ્રન્ટ પેનલનો હુંકાર: ૬ મહિના બાદ એકશન ટેકન રીપોર્ટ સાથે ફરી મીડિયા સમક્ષ આવવાનો પેનલનો વાયદો

ચેમ્બરની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનાર વાયબ્રન્ટ પેનલે વેપાર ઉધોગના ઘણા પ્રશ્નોને પરીણામલક્ષી વાચા અપાવવા તેમજ વિકાસને વેગ મળે તેવી કામગીરી કરવાની નેમ સાથે મતદારોને મત આપવાની અપીલ કરવા પત્રકાર પરીષદ બોલાવી હતી. જેમાં વિગતો આપતા વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ પેનલ કનવેન્શન સેન્ટરની માંગને પ્રાધાન્ય આપશે. ઉપરાંત છ મહિના બાદ એકશન ટેકન રીપોર્ટ સાથે વાયબ્રન્ટ પેનલના સભ્યો ફરી મીડિયા સમક્ષ આવીને પોતાની કામગીરીનો ચિતાર રજુ કરશે.

વધુમાં જણાવાયું કે, ટ્રાફિક સમસ્યા, પાણી, લાઈટ, ઈન્ટરનેટ કનેકટીવીટી જેવા પ્રશ્નોની પરીણામલક્ષી રજુઆત કરીને તેનો ઉકેલ લઈ આવવા માટે વાયબ્રન્ટ પેનલ હંમેશા પ્રયત્નશીલ રહેશે સાથે રેલવેને લગતા પ્રશ્નો, એરપોર્ટની વિવિધ સુવિધાઓ, કન્ટેનર ડેપો, જીએસટી રીફંડ સહિતના પ્રશ્નો અંગે વારંવાર પરીણામલક્ષી રજુઆતો કરવામાં આવશે. આ ઉપરાંત ખીરસરા ખાતે બનનારી નવી જીઆઈડીસીના પ્લોટ માંગણીદારોને ટોકન ભાવે પ્લોટ મળે અને જીઆઈડીસીનો હેકટર એરીયા મોટો કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

વી.પી.વૈષ્ણવે વાયબ્રન્ટ પેનલના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં અમૃતભાઈ ગઢીયા, અતુલભાઈ કમાણી, ભાસ્કરભાઈ જોશી, બ્રિજેન કોટક, ચિરાગ ગાદેશા, ધીરેન શંખાવરા, દિપક પોબારૂ, ગિરીશ પરમાર, હિતેશ જસાણી, જગદીશભાઈ અકબરી, કિશોરભાઈ રૂપાપરા, કુમનલાલ વરસાણી, મનોજ ઉનડકટ, મયુર આદેશરા, નૌતમ બારસીયા, નિલેશ ભલાણી, પાર્થીવકુમાર ગણાત્રા, રાજેશ કોટક, સમીર વેકરીયા, શિવલાલ પટેલ, ઉત્સવ દોશી, વી.પી.વૈષ્ણવ અને વિનોદભાઈ કાછડીયાનો સમાવેશ થાય છે. વધુમાં તેઓએ કહ્યું કે, ૨૪માં ઉમેદવારનું નામ તેઓ આવતીકાલે સવારે ૯:૦૦ કલાકે જાહેર કરવાના છે.

૧૮ ઉમેદવારોની મહાજન પેનલનો વિજય વિશ્વાસ

ચેમ્બરની ચુંટણીમાં ૧૮ ઉમેદવારોની બનેલી મહાજન પેનલે વિજય વિશ્વાસ વ્યકત કર્યો છે. પેનલના ઉમેદવારોએ જણાવ્યું કે, ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન સફળ અને ગંભીર કામગીરીને ત્યારબાદ ટુકા પણ અતિવિવાદાસ્પદ કાર્યક્ષમને મુલવીને મતદારોએ મતદાન કરવું જરૂરી છે. ૨૦૧૬માં ચેમ્બરના નેજા હેઠળ સૌરાષ્ટ્રમાં પહેલીવાર ઐતિહાસિક વાયબ્રન્ટ સૌરાષ્ટ્રનું અતિભવ્ય અને સફળ આયોજન થયેલ તે ૨૦૧૮માં વ્યકિતગત ઈર્ષા અને અહમ ન થવાના કારણો તપાસવાની જરૂર છે. ૨૦૧૬-૧૭માં વાઈબ્રન્ટ-૨૦૧૬ના હિસાબે સંસ્થાને ઉચ્ચ્તર પ્રતિષ્ઠા, નાણાકીય સહાય (લાભ) અને સૌરાષ્ટ્ર તથા રાજકોટના ઉધોગોને દેશ તથા વિદેશમાં હાઈલાઈટ થવાના મોકાનો અવસર ઉભા થવા પાછળ કેવી અનુભવી અને હકારાત્મક અભિગમની દ્રષ્ટી હતી અને જયારે આ પુખ્તતા આગેવાનમાં ન હોય ત્યારે સંસ્થાની શું હાલત થઈ શકે છે તે પર ચર્ચાનો વિષય છે. વર્ષ ૨૦૧૭-૧૮ના ઓડીટેડ હિસાબોમાં ચેમ્બરે શા માટે નજીવા નફા માટે સભ્યોના ફંડ પેટે આશરે ૧.૫૦ લાખ દંડ પેટે આવકવેરા તરીકે ચુકવવા પડયા છે તે સમજીએ. વ્યકિતગત મહાત્વાકાંક્ષા ધરાવતા હોદેદારોની અણ આવડત તથા ગંભીરક્ષતીને કારણે આ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.