Abtak Media Google News
  • ચૂંટણી જાહેર થતા જ ચેક પોસ્ટ ચાલુ કરી દેવાશે : ગેરકાનૂની નાણાની હેરફેર તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્ટેટિક સર્વેલન્સ અને વીડિયો સર્વેલન્સની ટિમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે
  • ચૂંટણીની કામગીરી માટે 22000 કર્મચારીઓની ફૌજ તૈયાર કરાશે, હાલ 18 હજાર જેટલા કર્મચારીઓની યાદી તૈયાર, વધુ 4 હજાર કર્મચારીઓના નામો પણ ઉમેરાશે

કલેક્ટર તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી છે. શહેરમાં 13 અને ગ્રામ્યમાં 22 ચેકપોસ્ટ ઉભી કરાશે. ચૂંટણી જાહેર થતા જ ચેક પોસ્ટ ચાલુ કરી દેવાશે. ગેરકાનૂની નાણાની હેરફેર તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્ટેટિક સર્વેલન્સ અને વીડિયો સર્વેલન્સની ટિમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે.

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ચૂંટણીની તૈયારીઓ અંગેની વિગતો આપતા જણાવ્યું કે હાલ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણીની કામગીરી માટે 22000 કર્મચારીઓની ફૌજ તૈયાર કરવામાં આવશે.  હાલ 18 હજાર જેટલા કર્મચારીઓની યાદી તૈયાર છે. વધુ 4 હજાર કર્મચારીઓના નામો પણ ઉમેરાશે.

વધુમાં તેઓએ ઉમેર્યું કે ચૂંટણી જાહેર થયા બાદ શહેરમાં શહેરમાં 13 અને ગ્રામ્યમાં 22 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. આ ચેક પોસ્ટ ગેરકાનૂની રીતે નાણાની ગેરફેર તથા અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઉપર ચાંપતી નજર રાખશે. આ માટે સ્ટેટિક સર્વેલન્સ અને વીડિયો સર્વેલન્સની ટિમો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. તેઓની તાલીમ આવતીકાલથી શરૂ થશે.

વધુમાં મળતી માહિતી અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચની ટિમ ફરી ગુજરાતના પ્રવાસે આવી છે. તેઓ રાજકોટ જિલ્લાની પણ મુલાકાત લઈ શકે છે. ઉપરાંત આગામી સોમવારે જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા ગાંધીનગર ખાતેની ચૂંટણી પંચની સંભવિત બેઠકમાં હાજરી આપે તેવી શકયતા છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે કાર્યક્રમો કરાશે

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ લાવવા સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત શાળા કોલેજો મારફત પણ કાર્યક્રમો કરાશે. આ સાથે ચૂંટણી તંત્રની ટીમો અલગ અલગ સ્થળે જઈને પણ લોકોને અવશ્યપણે મતદાન કરવાની અપીલ કરશે.

ઉદ્યોગકારોએ કર્મચારીઓને મતદાન માટે ફરજિયાત રજા આપવી પડશે

સરકારની સૂચના અન્વયે ઉદ્યોગકારોએ કારખાનામાં કામ કરતા તમામ કર્મચારીઓને ફરજીયાત પણે મતદાન કરવા માટે રજા આપવી પડશે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉદ્યોગકારો સાથે બેઠક કરી તેઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.

સંવેદનશીલ મતદાન મથકોનું કલેક્ટર, સીપી અને એસપી કરી રહ્યા છે નિરીક્ષણ

ચૂંટણી નજીક આવતા તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યું છે. શહેર અને જિલ્લામાં જેટલા સંવેદનશીલ મતદાન મથક છે. ઉપરાંત જે મતદાન મથકોમાં વોટિંગ ઓછું થાય છે. તે મતદાન મથકોની જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનર જાતે સ્થળ વિઝીટ કરીને નિરીક્ષણ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.