Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લો  ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૦૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ માટે તા. ૧૯/૧૨/૧૬ના સુધારા જાહેરનામામાં જણાવેલ શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે.

આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. ત્રાસવાદી જૂથો, સંગઠનો દ્વારા દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે.

આવી પ્રવૃતિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (ર૦) ખારા મીઠા ચુષ્ણામ ટાપુ (ર૧) કુડચલી ટાપુ (ક્રમ ૧ થી ૫ મહેસુલી હકુમત ખંભાળીયા, ૬ થી ૮ મહેસુલી હકુમત કલ્યાણપુર, ૯ થી ૨૧ મહેસુલી હકુમત દ્વારકા)  ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી  અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખીત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.