Abtak Media Google News

રિ-એસેસમેન્ટમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નાપાસ: ગ્રેડ ન સુધર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને માર્ચમાં અપાયેલ બી-ગ્રેડ જ માન્ય રખાયો: યુનિવર્સિટીની રિ-એસેસમેન્ટની તમામ દલીલો ફગાવતી નેક કમિટી: હવે ગ્રેડ સુધારવા યુનિવર્સિટીને ફરી 5 વર્ષ રાહ જોવી પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કનુભાઈ માવાણીની મહેનતથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ-ગ્રેડ મેળવ્યો હતો. જો કે ફેબ્રુઆરીમાં આવેલા નેકના ચોથી વખતના મુલ્યાંકનમાં યુનિવર્સિટી પાસેથી એ-ગ્રેડ છીનવાયો હતો અને બી-ગ્રેડ મળ્યો હતો. ત્યારે બી-ગ્રેડમાંથી બી-પ્લસ ગ્રેડ મેળવવાની મથામણનું આજે નેક તરફથી પરિણામ આવી ગયું છે. નેકની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રી-એસેસ્મેન્ટમાં પણ નાપાસ કરી છે અને બી-ગ્રેડ નો બી-ગ્રેડ જ રહ્યો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ નેકની કમીટીનું એસેસ્મેન્ટ માર્ચમાં થઈ ગયા બાદ સંતોષકારક પરિણામ ન મળતા યુનિવર્સિટી દ્વારા એક કમીટી બનાવીને રૂા.1 લાખની ફી ભરી ફરીથી ઈ-મેઈલ દ્વારા નેકમાં અપીલ કરવામાં આવી હતી. જે પૈકી કુલ 28 માંથી 17 મુદ્દામાં ઝીરો ગુણ મળતા યુનિવર્સિટીની ટીમ અપીલમાં જવા તૈયાર થઈ હતી. અલગ અલગ મુદ્દાઓમાં જે 17 ક્રાઈટ એરીયા હતા. આ 17 એ 17 ક્રાઈટ એરીયામાં યુનિવર્સિટીને 0 અને 1 ગુણ આપવામાં આવ્યો હતો. ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોને લાગતું હતું કે, અમુક ક્રાઈટ એરીયા એવા છે કે, જેમાં યુનિવર્સિટીને 1 ની બદલે 4 ગુણ મળી શકે તેમ છે. જેથી યુનિવર્સિટી દ્વારા નેકમાં ફરી રીએસેસ્મેન્ટ માટે અપીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે નેક દ્વારા આ એસેસ્મેન્ટમાં કોઈ જ સુધારો ન હોવાનું જાણવા મળ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું હતું. પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું નથી અને બી નો બી ગ્રેડ એમનો એમ જ રહ્યો છે. એટલે હવે યુનિવર્સિટીને ગ્રેડમાં સુધારો કરવા માટે ફરી એકવાર 5 વર્ષની રાહ જોવી પડશે. આગામી નેકનું ઈન્સ્પેકશન 2026માં આવશે ત્યાં સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બી-ગ્રેડથી જ ગાડુ ગબડાવવું પડશે.

8 જુલાઈથી શરૂ થયેલી પરીક્ષાના પરિણામ માસાંતે આવી જશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ 8 જુલાઈથી થયો છે. બીજા તબક્કાની પરીક્ષા 15મી જુલાઈ અને ત્રીજા તબક્કાની પરીક્ષા 22મી જુલાઈથી શરૂ થશે. દર વર્ષે વિદ્યાર્થીઓને પરિણામ માટે બે-બે મહિના રાહ જોવી પડતી હોય છે પરંતુ આ વર્ષે એવું નહીં થાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની પરીક્ષાનું પરિણામ જુલાઈ માસના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ બીજી તમામ પરીક્ષાનું પરિણામ ઓગષ્ટ માસમાં જાહેર થશે. આવતીકાલથી પરીક્ષાનું મુલ્યાંકન પણ શરૂ થઈ જશે.

વિદ્યાર્થીઓની માર્કશીટમાં બી-ગ્રેડનો ઉલ્લેખ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલ નેકના ઈન્સ્પેકશમાં યુનિવર્સિટીને બી-ગ્રેડ મળ્યો હતો. જો કે ત્યારબાદ યુનિવર્સિટીએ ફરીવાર નેકમાં અમુક મુદ્દાઓ સાથે અપીલ કરી હતી. આ અપીલનો જવાબ આજે આવી ગયો હતો અને યુનિવર્સિટીનો બી-ગ્રેડ જેમનો તેમ રહ્યો છે. હવે અહીં પ્રશ્ર્ન એ થાય કે વિદ્યાર્થીની માર્કશીટમાં યુનિવર્સિટી બી-ગ્રેડનો ઉલ્લેખ કરશે કે નહીં તે સંદર્ભમાં મળતી માહિતી મુજબ હવે પછીની તમામ પરીક્ષાઓ લેવાશે જેમાં વિદ્યાર્થીઓની માર્કશીટમાં નેક એક્રેડીશન દ્વારા અપાયેલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો બી-ગ્રેડનો જ ઉલ્લેખ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.