Abtak Media Google News

અપંગ અપાહિજ નહીં રહે

ઓટોકારમાં નોબ ફીટ કરાવી ડ્રાઇવીંગ ટેસ્ટ આપી લાયસન્સ મેળવી શકશે

અબતક-રાજકોટ

માણસ પાસે ઈચ્છાશક્તિ હોય તો, શું ના થઇ શકે? હવે એક હાથવાળા પણ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવાના હકદાર બની ગયા છે. એટલે કહી શકાય કે અપંગ અપાહીજ નહીં રહે!

એક હાથ ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને પણ હવે ફોર વ્હીલનું ડ્રાઇવીંગ લાયસન્સ આપવામાં આવશે.

એક હાથ ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને અત્યાર સુધી ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી પરંતુ તાજેતરમાં જ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે કેટલાક નિયમો સાથે આવી વ્યક્તિને ડ્રાઈવિંગ લાઇસન્સ કાઢી આપવા મંજૂરી આપી છે. એક હાથ ધરાવતી વ્યક્તિ ઓટો કારમાં સ્ટિયરિંગ નોબ માન્ય કંપનીનું ફિટ કરાવી અને આરટીઓના નિયમ મુજબ ડ્રાઈવિંગ ટેસ્ટ આપીને પોતાનું ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવી શકે છે. વડોદરામાં આવેલા એક કિસ્સાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર વિભાગે આ પ્રકારના કિસ્સામાં ડ્રાઈવિંગ લાઇસન્સ ઈશ્યુ કરવા મંજૂરી આપી છે.

વડોદરાના કિસ્સાને લઈને વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું કે અરજદાર જમણો હાથ ધરાવે છે તેથી વાહન ટર્ન કરવા માટે સ્ટિયરિંગ વ્હીલના મૂવમેન્ટ માટે સ્ટિયરિંગ વ્હીલ નોબનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટિયરિંગ નોબ માઈનોર મોડિફિકેશન ગણાય છે તેથી આ નોબ માન્ય ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલ હોવો જોઈએ અને તેનું મોડિફિકેશન આરટીઓ દ્વારા એપ્રુવ થયેલું હોવું જોઈએ.

અરજદારે તેમના મોડિફિકેશન અંગે આરટીઓની મંજૂરી મેળવવાની રહે છે ત્યારબાદ ડ્રાઈવિંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં વાંધાસરખું જણાતું નથી. આથી આવા અરજદારોને ડ્રાઈવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવા મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે રાજકોટના આરટીઓના અધિકારી દ્વારા પણ જણાવાયું હતું કે રાજકોટમાં પણ આ પ્રકારનો કોઈ કેસ સામે આવશે તો નિયમ પ્રમાણે ઓટો કારમાં સ્ટિયરિંગ નોબ માન્ય કંપનીનું ફિટ કરાવેલું હશે તો ડ્રાઈવિંગ ટેસ્ટ આપીને એક હાથ ધરાવતી દિવ્યાંગ વ્યક્તિ પણ ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવી શકશે.

સંદર્ભિત પરિપત્રમાં ઓટોટ્રાન્સ્મીશન વાહનનો ઉલ્લેખ છે પરંતુ એક હાથ વાળા વ્યક્તિને સ્ટેયરિંગ ક્ધટ્રોલ બાબતના મોડીફિકેશન બાબતે કોઇ સ્પષ્ટતા નથી. અરજદાર દ્વારા જણાવવામાં આવેલ કે, અમદાવાદ આર.ટી.ઓ. કચેરી ખાતે એક દિવ્યાંગ મોટર ડ્રાઇવીંગ સ્કૂલના માલિક દ્વારા પ્રકાશીત પુસ્તકમાં વિવિધ મોડિફિકેશન વડે દિવ્યાંગ વ્યક્તિઓને લાયસન્સ મેળવવામાં અવરોધ મુકતા પરિબળોના ઉપાય સુઝવેલ છે. અરજદારએ સ્ટેયરિંગ નોબનો ઉપયોગ  કરી સ્ટેયરિંગ ક્ધટ્રોલ માટેનું મોડિફિકેશન રજૂ કરેલ તથા સ્ટેયરિંગને જે બંને હાથથી એન્ગ્યુલર મોમેન્ટમ મેળવવાની ગ્રીપ માટે સ્ટેયરિંગ નોબનો ઉપયોગ કરે છે. ધ મોટર વ્હીકલ એક્ટ, સ્ટાન્ડર્ડ મોડિફિકેશન ડિસેબીલીટીના વિષય ઉપર મૌન છે.

અરજદારની રજૂઆત ધ્યાને લેતા કચેરી દ્વારા ઓટોમેટેડ ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક પર એડેપટેડ વ્હીકલ વર્ગનો વિડિયોગ્રાફી તેમજ સ્ટોપ ટાઇમર સાથેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં તેઓ દ્વારા ડ્રાઇવીંગના ટેસ્ટના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ ડ્રાઇવીંગ ટેસ્ટ પાસ કરેલ છે.

અરજદારના નામ, એપ્લીકેશન નંબર, એપોઇન્ટમેન્ટ, અન્ય દસ્તાવેજો તેમજ દિવ્યાંગ સર્ટિફિકેટ તેમજ ડ્રાઇવીંગ ટેસ્ટની વિડિયોગ્રાફીની સી.ડી. સામેલ છે. જે ધ્યાને લઇ ઉપરોક્ત અરજદારઓના લાયસન્સ ઇશ્યુ કરવા તાકીદ કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.