Abtak Media Google News

અત્યારના સમયમાં શિક્ષણની કિંમત જેટલી આંકીએ તેટલી ઓછી છે. એમાંય આપણું ગુજરાત તો લગભગ 82 ટકા જેટલું શિક્ષિત છે. શિક્ષણ ની કિંમત ખૂબ જ છે, પરંતુ ડિગ્રીની કિંમત ખાસ નથી, એ વિચારવા જેવું છે.

Advertisement

બેકારી, ગરીબી, મોંઘવારી આ બધા શબ્દો અભણ લોકોને તકલીફ નથી પહોંચાડતા તેટલી ભણેલા લોકોને પહોંચાડે છે. કારણ કે 15 થી 16 વર્ષ સુધી સતત ભણતરનો ભાર વેંઠ્યા પછી માંડ માંડ ગ્રેજ્યુએટ તો થઈ જાય પરંતુ નોકરી ન મળે ત્યારે એ જુવાનીયાઓને પોતાનું બાળપણ ગુમાવ્યાનો, બાપના પૈસા બગાડ્યાનો તેમજ પોતાના સપના રોળાઈ જવાનો જે અફસોસ અને દુ:ખ થાય છે તેના માટે કોઈ શબ્દ જ નથી.

આપણી શિક્ષણ પ્રણાલી જ એવી છે કે જે શીખવાનું છે તે શીખવાડતા નથી અને નથી શીખવાનું તે શીખવાડે છે. પરિણામે 15 વર્ષનું ભણતર પાણીમાં !! એન્જિનિયર બનીને બહાર નીકળેલા એવા ઘણા એન્જિનિયરો છે કે જેને એક નટ – બોલ ફીટ કરતા પણ આવડતું ન હોય ! આવી ડિગ્રી મેળવેલ એન્જિનિયર પટાવાળાની નોકરી માટે લાઇનમાં ઊભો હોય છે.

10 ધોરણ પાસ જોતા હોય એવી પટાવાળા ની નોકરી માટે ડબલ ગ્રેજ્યુએટ અરજી કરે, વિચારો તો ખરા ! ક્યાં જશે ભારતનું ભવિષ્ય ? હમણાં એક દિવસ રિક્ષામાં જતા, રિક્ષાચાલક સાથે વાત થઈ, જામનગર થી કમાવા માટે રાજકોટ આવીને રીક્ષા ચલાવતો એ જુવાનીઓ એમ કોમ સુધી ભણેલો હતો. એમના શબ્દમાં કહીએ તો ડબલ ગ્રેજ્યુએટ ની ડિગ્રી મને 8,000 ની નોકરી પણ નથી આપી શકતી, અને આ મોંઘવારીમાં 8000 રૂપિયા થી ઘર કેમ ચાલે? આના કરતાં ભણ્યો ન હોત તો વધારે કમાઈ લેત. મેં પૂછ્યું, કેમ ભણ્યા વગર ક્યાંથી કમાત? ત્યારે તેણે કહ્યું કે મજૂરીકામ નાં રોજના 700 થી 1000 રૂપિયા મળે છે, એ હિસાબે ભણ્યા વગર મહિને 20 થી 25 હજાર રૂપિયા કમાઈ શકાય, આ છે આપણા ભણતર ની કિંમત !

ઘણી વખત ન્યુઝ પેપરમાં વાંચવા મળે છે કે ફલાણા, ઢીંકણા ને એમબીએ કે એન્જિનિયર થઈને કરોડોનાં પેકેજ મળ્યા. આ વાંચીને વિદ્યાર્થી સ્વપ્ના જોવે છે કે હું પણ મોટો થઈને કરોડો રૂપિયા કમાઈશ. ડિગ્રી લેવાની દોડમાં 15 – 16 વર્ષો વિતાવી દે છે. પરિણામે ડિગ્રી તો મળે છે પરંતુ પેકેજના નામે પીપૂડું મળે છે, ત્યારે તેમના અરમાન તૂટી જાય છે.

આપણા દેશમાં દર વર્ષે મેડિકલ, એન્જિનિયરિંગ તેમજ અન્ય સ્ટ્રીમ માં 2.5 કરોડ વિદ્યાર્થી એડમિશન લે છે અને તેમાંથી લગભગ 1.5 કરોડ વિદ્યાર્થી દર વર્ષે ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે છે. જો તમે રોજગાર કાર્યાલયનો આંકડો જોશો તો ચોકી ઉઠશો ! દર વર્ષે 4 કરોડથી પણ વધારે લોકો રોજગાર કાર્યાલયમાં પોતાનું નામ નોંધાવે છે. રોજગારીના આ મુદ્દાની ચર્ચા લોકસભામાં પણ થઈ હતી.

દેશમાં પબ્લિક અને પ્રાઇવેટ સ્કુલ, કોલેજ અને યુનિવર્સિટી ની કોઈ કમી નથી. બિલાડીના ટોપની જેમ દર વર્ષે નવી નવી સ્કૂલો અને કોલેજો ખુલતી રહે છે. આ કારણે જ દર વર્ષે એક કરોડથી વધારે ગ્રેજ્યુએટ બનીને તૈયાર થાય છે અને આ સંખ્યા વધતી જાય છે.

અત્યારે બીકોમ કે બીએ ની તો કોઈ કિંમત જ નથી. કારણ કે સરકારી નોકરીની જાહેરાત આવતા જ લાખોની સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરે છે અને પરીક્ષા પણ આપે છે, પરંતુ નોકરી ની જગ્યા ફક્ત 700 થી 800 જેટલી જ હોય છે. લાખોની સંખ્યામાં ઉમેદવારો અને હજારોની સંખ્યામાં પણ નોકરી નહીં ? આ કેવી કરુણતા કહેવાય !ખરેખર ગ્રેજ્યુએટ બેકાર હોઈ શકે પરંતુ શિક્ષિત ક્યારેય બેરોજગાર ન હોય. એટલે કે શિક્ષણનો સાચો ઉદેશ્ય સમજણ છે. સમજીને મેળવેલું શિક્ષણ તમને ક્યારેય બેકાર નહીં બનાવે. સાચો શિક્ષિત કઈ ને કંઈ કામ કરીને કમાણી કરી જ લેશે, તે ક્યારેય બેરોજગાર નહીં રહે.

સરકાર પણ અત્યારે સ્ટાર્ટઅપ પર વધારે ભાર મૂકે છે અને કહે છે કે નોકરી માંગવાવાળા કરતા નોકરી આપવા વાળા બનો. સ્ટાર્ટ અપ કરનારને સરકાર સબસીડી પણ આપે છે, જેથી બેકારોની સંખ્યા ઘટે. રોજગારી મળવાથી ગ્રેજ્યુએટ બેકાર ન રહેતા, યુવા અને શિક્ષિત દેશનો વિકાસ પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.