Abtak Media Google News

વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનાં હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં. 18માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ. સાથોસાથ સવારે 9:30 કલાકે તાલુકા શાળા, કોઠારિયા ખાતે યોજનાકીય કેમ્પ યોજાયો હતો.આ અવસરે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશ સહિત ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

દેશને પ્રગતિના પથ પર આગળ લઈ જવા મોદી રુકને વાલા નહી હે, મોદી ઝુકને વાલા નહી હે: પ્રધાનમંત્રી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડ્રોન દીદી યોજના તથા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી યોજનાના 10,000 કેન્દ્રમાંથી 25,000 કેન્દ્રનો શુભારંભ

આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદબોધનમાં કહ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સરકારે દ્રઢ સંકલ્પ કર્યો છે.આ સંકલ્પને સાકાર કરવામાં સરકારની સાથો સાથ તમામ નાગરીકોની ભૂમિકા પણ ખુબ જ મહત્વની બને છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી વિકાસગાથાની જાણકારી પહોંચાડવી તેમજ સરકારની લોકહિતલક્ષી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવામાં આવી રહ્યા છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રામોદીએ કરેલા વિકાસની ગેરેંટીવાળી ગાડી છે. દેશની ગ્રામ પંચાયતોના 30 લાખ જેટલા લોકોને વિવિધ યોજનાઓથી ફાયદો થયો છે. સમય પરિવર્તન પામી રહ્યો છે. દેશના દરેક ગામ વિકાસનું મહત્વ સમજી રહ્યા છે. દેશવાસીઓ વિકાસ યાત્રાને એક જન આંદોલનનું સ્વરૂપ આપી આ અભિયાનને આગળ વધારી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, દેશને પ્રગતિના પથ પર આગળ લઈ જવા મોદી રુકને વાલા નહી હે,મોદી ઝુકને વાલા નહી હે. આપ સૌએ છેલ્લા દસ વર્ષમાં મોદીએ કરેલા કામોને જોયા છે. દેશના દરેક ગામમાં મોદીના વિકાસની ગેરેંટી વાળી ગાડી પહોંચી છે. એવી જ રીતે સરકારની યોજનાઓ દેશના છેલ્લા માનવી સુધી પહોંચી ચુકી છે. આજે દેશની સરકાર જનતાને જનાર્દન માને છે.દેશમાં એક વાત જરૂર સાંભળવા મળે છે કે, જ્યાં બીજા પાસેથી આશા ખતમ થી જાય છે ત્યાંથી મોદીની ગેરેંટી શરૂ થઈ જાય છે. વિકસિત ભારતનો સંકલ્પ સમગ્ર દેશવાસીઓના સ્વપ્ન સાકાર કરવાનો સંકલ્પ છે. દેશમાં ચાર જાતિઓ ગરીબો, યુવાઓ, મહિલાઓ, કિસાન સૌથી મોટી અનેમહત્વનીકેટેગરી છે.સૌના આશા અરમાનો પરિપૂર્ણ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે.

આ તકે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યુ હતું કે, વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનાં હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા એટલે છેવાડાના પ્રત્યેક માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડી તમને સશક્ત બનાવવાનો સંકલ્પ છે.  મહાનગરપાલિકા દ્વારા  દરેક વોર્ડમાં બે જુદા જુદા રૂટ પર સવાર અને બપોરબાદ આ યાત્રા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવશે તેમજ દરેક વોર્ડમાં બે સ્થળ ખાતે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, આધારકાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ઉજાલા યોજના, રાશન કાર્ડ, આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ.સ્વનિધિ યોજના, વૃધ્ધ નિરાધાર સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, વિધવા સહાય યોજના જેવી 28 થી વધું યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી શકે તે માટે યોજનાકિય કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. સરકારની અનેકવિધ યોજનાઓ છે જે લોકોને પગભર અને સમાજમાં માનભેર જીવવા માટેની પ્રેરણા આપે છે. આયુષ્માન કાર્ડ હેઠળ અસાધ્ય અને ગંભીર રોગોની સારવાર મફત ઉપલબ્ધ છે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરીવારોને સરકાર મફત એલ.પી.જી. ગેસ કનેકશન આપવામાં આવે છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ ખેડુતોને વાર્ષિક રૂ.6,000/-ની સહાય આપવામાં આવે છે. પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરીયાઓ તથા નાનાં ધંધાર્થીઓને રૂ.10,000/- થી શરૂ કરીને રૂ.50,000/- સુધીની લોન સહાય આપવામાં આવે છે. આવી તો અનેક યોજનાઓ છે કે જેના થકી લોકો આર્થીક અને સામાજીક સશક્ત બની શકે છે. પરંતુ આવી યોજનાઓની જાણકારી તથા ડોક્યુમેન્ટ્સનાં અભાવનાં કારણે લોકો લાભ લેતા નથી. જેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે યોજનાકિય કેમ્પનું પણ આયોજન કરેલ છે. આ કેમ્પમાં ઉપસ્થિત સર્વે લાભાર્થી પોતાને લાગુ પડતી યોજનાઓ લાભ લઇ પગભર અને સશક્ત બને તેવી શુભેચ્છા પણ પાઠવું છું.

આ તકે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું  કે,છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના છેવાડાના નાગરિકની ચિંતા કરી રહી છે. આજે સમગ્ર દેશમાં અલગ અલગ 2.5 લાખ સ્થોળોએ વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાના કેમ્પ ચાલી રહ્યા છે. આપણે સૌ નશીબદાર છીએ કે આપણે સૌ મોદી યુગમાં છીએ કારણકે, પહેલાની સરકાર સમયે વચેટિયાઓ લાભ લેતા હતા જ્યારે આજે લાભાર્થીઓને સીધો લાભ મળી રહ્યો છે. રાજકોટનો એકપણ નાગરિક પી.એમ.સ્વનિધિ અને આયુષ્માન ભારત કાર્ડ જેવી વિવિધ યોજનાઓથી વંચિત ન રહે તે માટે તમામ વોર્ડમાં ક્રમશ: વોર્ડ વાઈઝ સવારે અને બપોરે યોજનાકીય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ભાજપની સરકાર વિશ્વાસની સરકાર, ભાજપની સરકાર ભરોસાની સરકારએ સ્વપ્ન દેશના પ્રધાનમંત્રીએ સાકાર કર્યું છે.આ તકે એક ઉદાહરણ આપતા જણાવું છું કે, આયુષ્માન ભારત કાર્ડ કાઢવા માટે કોર્પોરેટરના આવકના દાખલાથી લઈને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો માટે વારંવાર ધક્કા ખાવા પડે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ માત્ર એક જ ધક્કામાં એક જ સ્થળ ખાતેથી તમામ દસ્તાવેજો સહીત આયુષ્માન ભારત કાર્ડ લાભાર્થીને પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરી છે.અંતમાં, મને જણાવતા ખુશી વ્યક્ત કરુ છું કે, આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રાજકોટના નાગરિકોને વિનંતી કરું છું કે એ દિવસને બીજી દિવાળીના રૂપે ઉજવણી કરીએ.

આ પ્રસંગે ગાઝીયાબાદ ઉતરપ્રદેશ ખાતેથી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી  નરેન્દ્રસિંહ તોમર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની બે ફિલ્મોનું નિદર્શન કરવામાં આવેલ અને બે મહત્વપૂર્ણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. જેમાં, ખેડૂતો માટે ડ્રોન દીદી યોજના અને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી યોજનાનો  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ પાંચ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ઝારખંડ-એઈમ્સ ખાતેથી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી યોજનાના લાભાર્થી,  ઓરિસ્સા ખાતેથી પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજનાનો ફાયદો મળેલ ખેડૂત લાભાર્થી, આંધ્રપ્રદેશ ખાતેથી ડ્રોન દ્વારા યુરીયા તથા દવાનો છંટકાવ કરાવનાર લાભાર્થી, અરૂણાચલ ખાતેથી સરકારી યોજના દ્વારા પાકું મકાન બનાવેલ લાભાર્થી, અને જમ્મુ કાશ્મીર ખાતેથી કિસાન સન્માન નિધિ યોજનાથી ટ્રેકટર ખરીદનાર લાભાર્થી સાથે સીધો સંવાદ કર્યો હતો.

વોર્ડ નં.18 ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકીય કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા શાબ્દિક સ્વાગત પ્રવચન કરવામાં આવેલ. સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ અને ખાદીના રૂમાલથી સ્વાગત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે પી.એમ.સ્વનિધિ યોજના, આયુષ્માન ભારત કાર્ડ યોજના, સખી મંડળ યોજના. પી.એમ.ઉજવલ્લા યોજના, ગંગા સ્વરૂપ આર્થિક વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ટોકન સ્વરૂપે સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમની આભારવિધિ સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવી હતી.

છેવાડાના માણસોની ચિંતા કરતા વડાપ્રધાને ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ પાંચ વર્ષ લંબાવી: મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રામળિયા ખાતે આજે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતગર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો સંવાદ કાર્યક્રમ, રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વડાપ્રધાન મોદીએ દેશભરમાં વિવિધ લાભાર્થીઓ સાથે કરેલા સંવાદમાં રામળિયા ગામના લાભાર્થીઓ, નાગરિકો પણ ઓનલાઇન જોડાયા હતા.   આ તકે ઉજ્જવલા ગેસ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર મિશન, વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લાભાર્થીઓને સરકારી સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રામળિયા ગામ પંચાયતને 100 ટકા ખુલ્લામાં શૌચમુક્ત અને ઘન કચરા નિકાલ, 100 ટકા નળથી જળ, ગામમાં પાત્રતા ધરાવતા 100 ટકા ખેડૂતોને વાર્ષિક રૂ. 6000 પી.એમ. કિસાન સહાય, 100 ટકા આયુષ્યમાન કાર્ડ તથા 100 ટકા જનધન ખાતા વગેરે જેવી સરકારી યોજનાઓના સફળ અમલીકરણ બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરાયું હતું.

આ તકે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે, “દેશના છેવાડાના માનવી અને જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે મળે તેની ચિંતા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યાત્રા શરૂ કરાવી છે. ગરીબોની ચિંતા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં શરૂ કરાવેલી એન.એફ.એસ.એ. કાર્ડધારકો માટેની ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ પાંચ વર્ષ માટે લંબાવી છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.