Abtak Media Google News

તાલુકા મામલતદારે મોટામવા, નાકરાવાડી અને રામપર સૂર્યા ગામના 4 આસામીઓને ફટકારી નોટિસ : 7’દિવસ બાદ ડિમોલિશન

રાજકોટ તાલુકાની સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો દૂર કરવા તાલુકા મામલતદારે ઝુંબેશ છેડી છે. 3 ગામની અંદાજે 100 કરોડથી પણ વધુની કિંમતની સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરવા એક સાથે 4 આસમીઓને નોટિસ ફટકારી છે.

રાજકોટ તાલુકાના ગામોમાં રહેલું સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરવા તાલુકા મામલતદાર તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, પ્રાંત સંદીપકુમાર વર્માની સૂચનાથી તાલુકા મામલતદાર કે.એમ.કથીરિયા દ્વારા ધડાધડ નોટિસ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાકરાવાડી ગામે સર્વે નંબર 123ની 3 એકર જેટલી જમીન, રામપરા સૂર્યા ગામે સર્વે નંબર 84ની રોડ ટચ 2 એકર જેટલી સરકારી જમીન અને નાકરાવાડી ગામની સર્વે નંબર 222ની 3 એકર 27 ગુઠા જેટલી જમીન ઉપર કબ્જો ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે.

આ ઉપરાંત તાલુકા મામલતદાર દ્વારા મોટા મવામાં કોર્પોરેશન વિસ્તારમાં 5 એકર 20 ગુઠા જેટલી અંદાજે 50 કરોડની કિમતની સરકારી જમીન ખાલી કરવા પણ આસામીને નોટીસ ફટકરવામાં આવી છે. આમ તાલુકા મામલતદાર દ્વારા કુલ 4 આસમીઓને અંદાજે 100 કરોડ જેટલી કિંમતની જે સરકારી જમીન દબાવી છે. તેને દિવસ 7માં ખાલી કરવાં નોટિસ આપવામાં આવી છે. 7 દિવસ બાદ ડીમોલેશન માટે તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ તાલુકાના ગામોમાં સરકારી જમીન કબ્જે કરનાર સામે તાલુકા મામલતદાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અગાઉ પણ અનેક સરકારી જમીનો આ કચેરી દ્વારા ખુલ્લી કરાવવામાં આવી છે. હવે આ અંગે ઝુંબેશ છેડીને ક્રમશ: નોટિસો ફટકારવામાં આવી રહી છે. ચાર આસામીઓને નોટિસ ફટકારાઈ છે જેમાં સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. મોટામવાની જમીનમાં રહેઠાણ પણ હોય તંત્ર દ્વારા આગામી દિવસોમાં બુલડોઝર ફેરવી દેવામાં આવનાર છે.

એક આસામી સામે લેન્ડગ્રેબિંગ થાય તેવા ભણકારા

રાજકોટ તાલુકાના રામપરા સૂર્યા ગામે સર્વે નં. 84ની 2 એકર સરકારી જમીન ઉપર કબ્જો ધરાવતા આસામી સામે લેન્ડગ્રેબિંગની કાર્યવાહી હાથ ધરાઈ તેવા ભણકારા સંભળાઇ રહ્યા છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર આ આસામી સરકારી જમીન ઉપર ખેતી કરી રહ્યા હોય, તેને રેગ્યુલરાઈઝ કરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પણ તે નિષ્ફળ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.