Abtak Media Google News

સંભવત: સોમવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને મંજૂરીની મહોર આપી દેવાશે: મ્યુ.કમિશનરે રજૂ કરેલા બજેટમાં નવી રંગોળી પુરવા કવાયત

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2021-22 માટે ગઈકાલે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા રૂા.2275.80 કરોડના બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન આજે સવારથી ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. સંભવત: આવતા સોમવારે ખડી સમિતિ દ્વારા બજેટને મંજૂરીની મહોર મારી આખરી બહાલી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.મ્યુનિ.કમિશનર દ્વારા ગઈકાલે રજુ કરવામાં આવેલા રૂા.2280 કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર એક પણ રૂપિયાનો નવો કરબોજ લાદવામાં આવ્યો નથી. આવામાં સ્ટેન્ડિંગ કમિટી પાસે કરબોજ ફગાવી રાજકોટવાસીઓના દિલ જીતવા જેવું કશુ બચ્યું નથી. ઉપરાંત વહીવટી પાંખ દ્વારા બજેટમાં કેટલીક નવી યોજનાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. છતાં સ્ટેન્ડિંગ કમિટી રાજકોટવાસીઓના મનમાં સારા થવા માટે કેટલીક નવી યોજનાઓ બજેટમાં મુકે તેવુ લાગી રહ્યું છે. બજેટના કદમાં 10 થી 12 કરોડનો વધારો થવાની શકયતા જણાય રહી છે. આજે સવારથી સ્ટેન્ડિંગ કમિટીએ બજેટનો અભ્યાસ શરૂ કરી દીધો છે. જો કે, ખાસ બોર્ડ હોવાના કારણે અભ્યાસમાં થોડો વિક્ષેપ પડ્યો હતો. સાંજે 4 વાગ્યાથી ફરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો અભ્યાસ શરૂ કરવામાં આવશે.

ચેરમેન પુષ્કરભાઈ પટેલના જણાવ્યાનુસાર 5 થી 6 દિવસ સુધી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો અભ્યાસ કરવામાં આવશે અને આવતા સપ્તાહે બજેટને બહાલી આપી અંતિમ મંજૂરી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે બીપીએમસી એકટની જોગવાઈ મુજબ 20મી ફેબ્રુઆરી સુધીમાં બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી દેવાનું રહે છે પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચાર સહિતા અમલમાં હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા બજેટ માટે બે મહિના અર્થાત 20મી એપ્રીલ સુધી મુદત આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.