Abtak Media Google News

રાજયના ૪.૫ કરોડ લોકો નર્મદાના નીર પર નિર્ભર

પાણીની કટોકટીમાં જો કલ્પસર યોજના સાકાર થાય તો રાહત મળે

કલ્પસર યોજના થકી સૌરાષ્ટ્રની પીવાના પાણીની તંગીને કાયમી ધોરણે નિવારી શકાય

ગત ઉનાળે પાણીની ગંભીર કટોકટીથી માંડ માંડ બચી ગયેલુ ગુજરાત ચાલુ વર્ષે ચોમાસુ નબળુ રહેતા ચિંતાતુર બની ગયું છે. વરસાદ ઓછો રહે તો સંગ્રહિત પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે. ગુજરાતમાં પાણી માટે સંપૂર્ણ મદાર નર્મદા ડેમ પર છે. હવે અત્યારે વરસાદ ઓછો હોવાથી આગામી વર્ષે પાણી માટે સ્થિતિ કફોડી બને તેવી દહેશત છે. જેથી માત્ર નર્મદા ઉપર સંપૂર્ણ આધાર ન રાખી કલ્પસર યોજનાને આગળ ધપાવવી ખુબજ જરૂરી બની ગયું છે.

તાજેતરમાં રાજયમાં ઓછા વરસાદ મામલે કેબીનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. એક તરફ વરસાદ ઓછો છે બીજી તરફ ગત વર્ષની કટોકટીના કારણે જળાશયોમાં પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે માત્ર નર્મદા ઉપર મદાર રાખી શકાય નહીં. હાલ રાજયના સાડા છ કરોડ લોકોમાંથી ૪.૫ કરોડ લોકો નર્મદા પ્રોજેકટના આધારે જીવન વ્યતીત કરે છે. સુરત સીવાય અમદાવાદ, બરોડા, રાજકોટ, જામનગર અને ભાવનગર તથા જૂનાગઢ નર્મદાના નીર ઉપર આધારીત છે. આ ઉપરાંત રાજયના ૧૬૮ નગરો, ૯૩૦૦ ગામડાઓ અને ૧૪ લાખ હેકટર ખેતીની જમીન નર્મદાના પાણી ઉપર આધારીત છે.

જેથી જો હજુ પણ નર્મદા ઉપર જ આધારીત રહેવાશે તો આગામી પરિસ્થિતિ ખુબજ કફોડી રહેશે. જેથી નર્મદાના સને કલ્પસર યોજના સાકાર કરવી જરૂરી છે. ખંભાતના અખાત પર ડેમ બાંધી ખારાપાણીને મીઠુ બનાવી શકાય, ભાવનગર પાસે દહેજ બંદર સુધી આ ડેમ બને અને તેમાં એકઠુ થયેલુ પાણી સૌરાષ્ટ્રની પ્યાસ બુઝાવે તેવો પ્રોજેકટ કલ્પસર હેઠળ ગુજરાતના ખંભાતના અખાતના બન્ને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી મોટુ જળાશય બનાવવામાં આવે અને તેનું પાણી વિજ ઉત્પાદન, ઔદ્યોગીક અને પીવા માટે પૂરું પડાય તો વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવી જાય.

અત્યાર સુધી આ યોજના માટે સંપૂર્ણ ધ્યાન અપાયું નથી. ૧૯૮૯માં કલ્પસર પ્રોજેકટનો પહેલો પ્લાન તૈયાર કરાયા બાદ ૧૯૯૬માં પ્રિ-ફિઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ત્યારબાદ ૧૯૯૯માં ૬ સ્પેશ્યલ રિપોર્ટ બનાવાયા અને ૨૦૦૩થી અંતિમ ફિઝીબીલીટી રિપોર્ટ પર કામ ચાલુ છે. જો કે, રૂપાણી સરકારે આ કામને આગળ વધારવા ફાયનલ રિપોર્ટ માટે વધુ અભ્યાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. જેના થકી કલ્પસર સાકાર થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.