Abtak Media Google News

અખિલ હિન્દ મહિલા પરિષદ કુટુંબ સલાહ કેન્દ્ર સંચાલીત અને કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની કુટુંબ સલાહ કેન્દ્રની વાર્ષિક સલાહકાર સમિતિની બેઠક અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ ડો. ભાવનાબેન જોશીપૂરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણય અનુસંધાને ખાસ કરીને વાલી પ્રશિક્ષણ અને શિક્ષણ વિવિધ વિસ્તારોમાં વર્ષભર યોજવામાં આવશે.

આ ઉપરાંત મહાત્મા ગાંધી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સામાજીક સમરસતા અને સામાજીક જાગૃતિ વિષયો સાંકળી લઈને વિવિધ મહોલ્લાઓમાં મહોલ્લા બેઠકનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કાયમી મહોલ્લા મીટીંગમાં કાયદાની સમજ સાથે સામાજીક જાગૃતિ અને સ્વાવલંબન સંદર્ભે માર્ગદર્શન આપવા અર્થેનિર્ણય લેવામાં આવ્યો હતો. કુટુંબ સલાહ કેન્દ્ર દ્વારા ૩ માસમાં ૮૯ કેસોનો નિકાલ લાવવાનું કાર્ય રાજકોટનાં કુટુંબ સલાહ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે.

ડો.ભાવનાબેન જોશીપૂરાએ આ જાહેરાત કરતા જણાવ્યું હતુ કે કયાંકને કયાંક બદલાતા સામાજીક આયામો તેમજ સામાજીક વિષમતાઓને કારણે પરિપાકરૂપે કૌટુંબીક જીવનમાં નાની વાત જટીલ સમસ્યા ધારણ કરે છે. ત્યારે કુટુંબ સલાહ કેન્દ્ર પાસે ખાસ કાઉન્સેલીંગ મેથડ અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી સુમેળ માટે કાર્યરત ખાસ પ્રશિક્ષીત કાઉન્સેલરોની ઉપલબ્ધી છે. ત્યારે વર્તમાન સમયમાં અનેક પરિવારોમાં આ કેન્દ્રએ શાંતિ અને સુમેળ સ્થાપિત કર્યા છે.

રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીના પ્રતિનિધિ ઈન્સ્પેકટર પી.બી. સાપરા, દહેજ પ્રતિબંધક સહરક્ષક અધિકારી કિરણબેન મોરીયાણી, શિક્ષણવિદ અને એડવાઈઝર ડો. સુદર્શનાબેન માંગુકીયા, મનોચિકિત્સક ડો.ભાવેશભાઈ કોટક, જાણીતા મનોચિકિત્સક અને કલીનીકલ સાયકોલોજીસ્ટ ડો. નીતાબેન બુચ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં કાઉન્સીલર પુનમબેન વ્યાસે કુટુંબ સલાહ કેન્દ્રનો પ્રગતિ અહેવાલ રજૂ કરલે હતો પોલીસ ઈન્સ્પેકટર પી.બી. સાપરાએ જણાવેલ કે ખાસ કરીને સ્ત્રીઓ પર ઘરમાં અને ઘર બહાર થતી હિંસા સંદર્ભ જાગૃતિ આવશ્યક તત્વ છે. અને તેરીતે મહિલાઓમાં મીટીંગો યોજવી આવશ્યક છે. પોલીસ સ્ટેશન સાથે કાઉન્સેલીંગ સેન્ટરને સાંકળીને ભવિષ્યના કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવેલ.

કુટુંબ સલાહ કેન્દ્રની આ મીટીંગમાં મંત્રી પ્રવિણાબેન જોશી, કોષાધ્યક્ષ આશાબેન મદલાણી, કાઉન્સેલરો પુનમબેન વ્યાસ તથા ડો.બાનુબેન ધકાણ, સંસ્થાના માનદ એડવોકેટ શબનમ વાય. ઠેબા, ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સંસ્થાના કાર્યવાહક મંડળની પણ બેઠક મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.