Abtak Media Google News

જીવન જ્યાં લઈ જાય ત્યાં હું જઉં છું એવું કહેનાર ફાધર વાલેસે જીવનમૂલ્યો લખીને પણ રજૂ કર્યાં અને જીવી પણ બતાવ્યાં. ધર્મે ખ્રિસ્તી હતા, પરંતુ વાણી અને વિચારમાં નરસિંહ મહેતાએ જેવી કલ્પના કરી છે તેવા સાચા વૈષ્ણવજન હતા. તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યને ખૂબ જ પ્રેમથી આત્મસાત્ કર્યાં હતા.

ગુજરાત રાજ્ય, ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પ્રજાને એ સદનસીબ છે કે આવા એક સારસ્વત તેને મળ્યા. ગુજરાત કાયમ માટે ફાધર વાલેસનું ઋણી રહેશે. ગુજરાતી ભાષામાં તેમણે પોતાની આગવી, સરળ, સહજ અને કોઈપણ વ્યક્તિને તરત જ સમજાઈ જાય એવી ગદ્યશૈલીમાં ખૂબ લખ્યું અને લાખો ગુજરાતીઓનાં હૃદયમાં તેઓ સ્થાન પામ્યા હતા.

1949માં ફાધર વાલેસને એક મિશનરી તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા. ભારતમાં આવ્યા પછી તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો. 1960થી 1982 સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક રહ્યા હતા.

‘નવી પેઢીને’ નામની કોલમ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. મૂલ્યનિષ્ઠા સાથેની વાત કરીને યુવાનોને આકર્ષવાના હોય તે લોઢાના ચણા ચાવવા જેવું છે. જોકે ફાધર વાલેસ તેમાં જબરદસ્ત સફળ થયેલા. તેમની કોલમ નવી પેઢીમાં ખૂબ વંચાતી. એ વખતે એવું કહેવાતું કે ગુજરાતના યુવાનોને બે ફાધર છે. એક બાયોલોજિકલ અને બીજા વૈચારિક ફાધર તે ફાધર વાલેસ. ફાધર વાલેસ ગુજરાતી ભાષા એટલી સરસ રીતે શીખ્યા કે એમાં એકરૂપ થઈ ગયા. શરૂઆતનાં વર્ષોમાં વલ્લભ વિદ્યાનગર હોસ્ટેલમાં રહ્યા ત્યારે વિદ્યાર્થીઓને સાંભળી સાંભળીને ગુજરાતી ભાષા શીખતા ગયા. એ પછી તો ગુજરાતી ભાષામાં માહેર થયા. તેમણે પોતે એક સાદી છતાં અસરકારક ગદ્યશૈલીનું સર્જન કર્યું. ટૂંકાં ટૂંકાં વાક્યો અને સહજ અભિવ્યક્તિ વાચકોને તેમની શૈલી, તેમના વિચારો, તેમનું જીવનદર્શન ખૂબ ગમ્યું. જોતજોતાંમાં તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગયા હતા.

અંગ્રેજીમાં 70થી વધુ પુસ્તકો અને ગુજરાતીમાં 50થી વધુ પુસ્તકો લખ્યાં હતા. સદાચાર પછી, જીવન જીવતાં, સાધકની આંતરકથા, શબ્દયોગ, લગ્નસાગર, પરદેશ, મૃગચર્યાના લાભ, સમાજ ઘડતર, આત્મીય ક્ષણો, જીવનનું વળતર, ઘરના પ્રશ્નો, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી, જીવન ઘડતરના ધ્યેયથી, એમ તેમણે સતત પુસ્તકોનું લેખન કર્યું હતું. ગુજરાતી ભાષામાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન માટે 1966માં કુમારચંદ્રક અને 1998માં રણજિતરામચંદ્રક મળ્યો હતો. આ ઉપરાંત તેમને 1995માં કાલેલકર અવોર્ડથી પણ વિભૂષિત કરવામાં આવ્યા હતા.

ફાધર વાલેસે જે રીતે ગુજરાતી ભાષાને આત્મસાત્ કરી તેની ઘણા લોકોને ખૂબ નવાઈ લાગે છે. આ એક અચરજનો વિષય છે. પારકી ભૂમિનો માણસ કોઈ ભાષાને આટલી સરસ રીતે આત્મસાત્ કરી શકે એ નવાઈ લાગે એવી બાબત છે. ફાધર વાલેસે ગુજરાતી ભાષા વિશે શબ્દલોક નામનું એક સુંદર પુસ્તક લખ્યું છે (તેનું નવું નામ છે, વાણી તેવું વર્તન) ગુજરાતી ભાષા સાથે સંબંધ ધરાવતી દરેક વ્યક્તિએ આ અનિવાર્યપણે વાંચવું જોઈએ તેવું પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે ગુજરાતી ભાષાને જુદી જુદી રીતે જોઈ અને મૂલવી છે. ભાષા વિશેની આખી સમજણ જ બદલાઈ જાય તેવું આ પુસ્તક તમામ ભારતીય ભાષાઓમાં ભાષા વિશે લખાયેલાં પુસ્તકોમાં શિરમોર કહી શકાય તેવું છે.
8મી નવેમ્બર, 2020ના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે બે વાગ્યે સ્પેનમાં અવસાન થયું. હજી હમણાં ચોથી નવેમ્બરના રોજ તેમણે 95 વર્ષ પૂરાં કરીને 96મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો.

ફાધર વાલેસના નિધન પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. રૂપાણીએ ટ્વિટ કરીને લખ્યું, સવાયા ગુજરાતી” તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાર્લોસ જી. વાલેસ (ફાધર વાલેસ) ના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ગુજરાતી સાહિત્ય જગતને તેમની ખોટ હંમેશા રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ બક્ષે.ૐ શાંતિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.