Abtak Media Google News

રાજ્યમાં એક લાખથી વધુ ખેડૂતો આંદોલનમાં જોડાશે : ૩૦થી વધુ ખેડૂત અગ્રણીઓ ફેસબૂક ઉપર લાઈવ થઈને સંબોધન કરશે

રાજ્યના ખેડૂતો આવતીકાલે પાક વીમા પ્રશ્ને ડિજિટલ આંદોલન ચલાવવાના છે. જેમાં રાજ્યભરમાંથી અંદાજે એકાદ લાખ ખેડૂતો જોડાવાના છે..આ આંદોલનમાં ૩૦થી વધુ ખેડૂત અગ્રણીઓ ફેસબુક ઉપર લાઈવ થઈને સંબોધન પણ કરવાના છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ગત ચોમાસામાં પાક નિષ્ફળ ગયો હતો. ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.બાદમાં શિયાળાની ઋતુમાં પણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું. ઘણા ખેડૂતોનો શિયાળુ પાક નિષ્ફળ પણ ગયો હતો. આ નુક્સાનીનો માર પડયા બાદ ખેડૂતોને પાક વીમો ન મળ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. બીજી તરફ પાક વીમો ચુકવવામાં ન આવતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. પાક વિમાની આ સમસ્યાને લઈને વિવિધ ખેડૂતોના સંગઠનો આગળ આવ્યા છે. હાલ લોકડાઉન હોય ખેડૂતો એકત્ર ન થઈ શકતા હોવાથી સંગઠનો દ્વારા ડિજિટલ આંદોલન ચલાવવાનું એલાન કરવામાં આવ્યું છે. આ આંદોલન આવતીકાલે યોજવામાં આવનાર છે. જેમાં અંદાજે રાજ્યભરમાં ૧ લાખ જેટલા ખેડૂતો જોડાશે તેમ રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે આ આંદોલનમાં આખો દિવસ ખેડૂત અગ્રણીઓ ખેડૂતોને સંબોધન કરવાના છે. સવારે ૮થી રાત્રે ૧૧ સુધીમાં અંદાજે ૩૦થી વધુ ખેડૂત અગ્રણીઓ પોતાનું વક્તવ્ય આપવાના છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે હવે ખેડૂતો ડિજિટલ આંદોલન તરફ વળ્યાં છે.  આ આંદોલન વડે સરકાર સમક્ષ પાક વીમો ચુકવવાની માંગ બુલંદ બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.