• નવી કોર્ટ બિલ્ડીંગ બનતા ફાસ્ટટ્રેક કોર્ટની બિલ્ડીંગ ખાલી પડી, બિલ્ડીંગ તાલુકા મામલતદાર કચેરીને આપતા કલેકટરમાં દરખાસ્ત
  • તાલુકા મામલતદાર કચેરીનું અઢળક રેકોર્ડ જગ્યાના અભાવે અલગ અલગ જગ્યાએ સંગ્રહિત, ફાસ્ટ્રેક કોર્ટનું બિલ્ડીંગ મળે તો રેકોર્ડ એક જ જગ્યાએ એકત્ર થઈ જાય ઉપરાંત ત્રણ એટીવીટી સેન્ટરો પણ અહીં જ કાર્યરત થઈ શકે

રાજકોટ તાલુકા મામલતદાર કચેરીનો વિસ્તાર વિશાળ હોય, જગ્યા ટૂંકી પડી રહી છે. તેવામાં ખાલી પડેલી ફાસ્ટ ટ્રેક બિલ્ડીંગ તાલુકા મામલતદાર કચેરીને સોંપવા કલેકટરને દરખાસ્ત થઈ છે. આ બિલ્ડીંગ થોડા સમયમાં ફાળવવામાં આવે તેવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. જો આ બિલ્ડીંગ ફાળવવામાં આવે તો તાલુકા મામલતદાર કચેરીની વર્ષો જૂની પળોજણ દૂર થાય તેમ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જૂની કલેકટર કચેરીના કેમ્પસમાં આવેલ રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના બગીચામાં રૂ.1 કરોડના ખર્ચે નવું અદ્યતન જનસેવા કેન્દ્ર શરૂ કરવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની મંજૂરી મળ્યા બાદ આર એન્ડ બી દ્વારા પ્લાન, એસ્ટિમેટ સહિતની તૈયારી કરાશે તેમ જાણવા મળે છે. નવા જનસેવા કેન્દ્ર માટે 2000 ચો.મી. જગ્યા ફાળવવામાં આવનાર છે. જો કે નવું બિલ્ડીંગ બને તેને એકાદ બે વર્ષ વીતી જાય તેમ છે. સામે મામલતદાર કચેરીમાં તાત્કાલિક જગ્યાની જરૂર છે.

માટે તાલુકા મામલતદાર કચેરી દ્વારા કલેકટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે કે કચેરીની બાજુમાં આવેલ ફાસ્ટ ટ્રેક કોર્ટની બિલ્ડીંગ સોંપવામાં આવે તો સરળતા રહે. હાલ નવી કોર્ટ કાર્યરત થઈ હોય આ બિલ્ડીંગ ખાલી છે. જેવી કોર્ટ પીડબ્લ્યુડીને બિલ્ડીંગનો કબજો સોંપશે. તુરંત જ આ પ્રક્રિયા આગળ ચલાવવામાં આવશે. મામલતદાર કચેરીમાં 102 ગામોનો મેન્યુલ 6 નંબરનો રેકોર્ડ ખૂબ મોટો છે. 1958થી લઈને અત્યાર સુધીનો આ રેકોર્ડ યુએલસી, ગ્રામ પંચાયતના ઇવીએમ રૂમ, મામલતદાર કચેરીના ઉપરના રૂમ સહિતની અલગ અલગ જગ્યાએ પડેલો છે.

આ રેકોર્ડ ખૂબ અગત્યનો છે. ભૂતકાળમાં વાવડીનો રેકોર્ડ ગુમ થયાની ઘટના બની હોય એટલે મામલતદાર તંત્ર રેકોર્ડને લઈને વધુ સતર્ક છે. જો ફાસ્ટ ટ્રેક કોર્ટની બિલ્ડીંગ તાલુકા મામલતદાર કચેરીને સોંપવામાં આવે તો ત્યાંનું બધું રેકોર્ડ અહીં એક જ બિલ્ડીંગમાં વ્યવસ્થિત સંગ્રહિત થઈ શકે તેમ છે. આ ઉપરાંત આ બિલ્ડીંગમાં જ ઇ ધરા, એટીવીટી, પુરવઠા એટીવીટી, સહાય એટીવીટી બની શકે તેમ છે.આમ નવી બિલ્ડીંગ બનાવવાને બદલે તંત્ર ત્યારે જૂની ફાસ્ટ ટ્રેક કોર્ટની બિલ્ડીંગ મામલતદાર તંત્રને મળે તેવા પ્રયાસો કરી રહ્યું છે. જેથી તાત્કાલિક રેકોર્ડ સંગ્રહિત કરવા અને બીજી કામગીરી માટે મોટી જગ્યા મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.