Abtak Media Google News

એડવેન્ચર એક્ટિવિટી વગર પ્રવાસન સ્થળોનો વિકાસ કેમ થશે?

માત્ર એક દિવની દુર્ઘટનાને લીધે પ્રવાસીઓની મજા છીનવવીને પ્રવાસન ક્ષેત્રને ગળેટૂંપો દેવો કેટલા અંશે યોગ્ય ?

સરકારે ફતવો બહાર પાડવાને બદલે એડવેન્ચર એક્ટિવિટી માટે ધારા-ધોરણો નક્કી કરવા જોઇએ, નિયત સમયે તેનું ચેકીંગ પણ હાથ ધરવું જોઈએ

 

અબતક, રાજકોટ

દિવમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગુજરાત સરકારે તમામ પ્રવાસન સ્થળોએ એડવેન્ચર એક્ટિવિટી બંધ કરાવવાનો ફતવો બહાર પાડ્યો છે. ત્યારે હવે પ્રશ્ન સર્જાયો છે કે એડવેન્ચર એક્ટિવિટી વગર પ્રવાસન સ્થળોનો વિકાસ કેમ થશે ? માત્ર એક દિવની દુર્ઘટનાને લીધે પ્રવાસીઓની મજા છીનવવીને પ્રવાસન ક્ષેત્રને ગળેટૂંપો દેવો કેટલા અંશે યોગ્ય ? સરકારે ફતવો બહાર પાડવાને બદલે એડવેન્ચર એક્ટિવિટી માટે ધારા-ધોરણો નક્કી કરવા જોઇએ, નિયત સમયે તેનું ચેકીંગ પણ હાથ ધરવું જોઈએ.

તાજેતરમાં દિવના નાગવા બીચ ઉપર પ્રવાસી દંપતી પેરાગ્લાઇડિંગની મજા માણી રહ્યું હતું. પરંતુ જેવા દંપતી પેરાગ્લાઇડરમાં બેઠા અને આકાશમાં થોડા જ ઊંચે ગયા અચાનક જ દોરડું તૂટી ગયું હતું. જો કે સદનસીબે આ પ્રવાસી દંપતી દરિયામાં પટકાયું હતું. અને બંનેનું રેસક્યું કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં બંનેનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના કોઈ એ કેમેરામાં કેદ કરી હતી. ને તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી. એટલે આ મામલો સરકાર સુધી પહોંચ્યો હતો.

દિવની આ દુર્ઘટનાને પગકે સરકારે પ્રવાસન સ્થળોએ એડવેન્ચર એક્ટિવિટી બંધ કરી દેવાનો ફતવો જાહેર કર્યો છે. એક તરફ પ્રવાસન વિભાગ ગુજરાતના પ્રવાસન સ્થળોએ આકર્ષણ જમાવી લોકો વધુમાં વધુ સંખ્યામાં આવે તેવા પ્રયાસો હાથ ધરી રહ્યું છે. હવે જો પ્રવાસન સ્થળે એડવેન્ચર એક્ટિવિટી જ ન થાય તો લોકો કઈ રીતે આકર્ષાશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

સરકારે આ દુર્ઘટના બાદ ખરેખર રાજ્યના પ્રવાસન સ્થળોએ જે નીતિ નિયમોનો ઉલાળીયો કરીને એડવેન્ચર એક્ટિવિટી ચલાવવામાં આવે છે. તેની ઉપર ગાળિયો કસવાની જરૂર છે. પણ સરકારે તો ન રહેગા બાસ ન બજેગી બાંસુરી જેવો ઘાટ ઘડીને એડવેન્ચર એક્ટિવિટી જ બંધ કરવાનો ફતવો જારી કર્યો છે.

વધુમાં વર્ષોથી પ્રવાસન સ્થળોએ એડવેન્ચર એક્ટિવિટી તો ઠીક સામાન્ય બાબતોમાં પણ નીતિ નિયમોનો ઊલાળીયો થતો હતો. જેમ કે ઓખાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકો જે નાવમાં સવાર થાય છે. તે નાવમાં કોઇ પણ પ્રકારના સુરક્ષા સંસાધનોનો ઉપયોગ થતો નથી. હવે આવા નીતિ નિયમોનું પાલન કરાવવામાં પણ સરકારની ઢીલી નીતિ રહી છે. એટલે પ્રથમ તો નીતિ નિયમોનું કડક પાલન કરાવવામાં આવે તે જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.