Abtak Media Google News

પોલીસનો વિરોધ કરતા પોલીસે પ્રમુખના માણસોને જ ઝપટે લેતા પ્રમુખની જાહેર બેઈજ્જત ચાલુ થઈ

જૂના જમાનામાં એટલે કે રાજાશાહીમાં રાજાઓ પોતાની સત્તા ટકાવવા તથા સંવર્ધન કરવા અવનવા ઉપાયો કરતા પરંતુ જયારે આ ઉપાય બીજાને પાડી દઈ ને હાની કરીને કરવામાં આવે તેને ષડયંત્ર કહેવાય રાજાઓ ઉપાય તરીકે લગ્ન સંબંધો મિત્રાચારી કરીને સત્તા ટકાવતા પરંતુ આ ઉપાય કારગત નિવડે નહિ. પછી વારો આવે ષડયંત્રનો કાવાદાવા કરી મારી નાખવાના,યુધ્ધો કરવા માટે જાસુસો ગોઠવી વ્યુહાત્મક હૂમલા કરવાના વિગેરે એટલે કે જે બળીયો હોય તે ઉપાય કરતા, ષડયંત્રો જ વધારે કરી ‘મારે તેની તલવાર’ના ન્યાયે સત્તાઓ ચાલતી.

Advertisement

પરંતુ આઝાદી અને સ્વતંત્રતા બાદ સત્તાનું આખુ માળખું જ બદલાઈ ગયું છે. ખરેખર લોકશાહીમાં જનતાએ લાયકાત અને ગુણવતા જોઈ પોતાનો શાસક પસંદ કરવાની પ્રથા છે. પરંતુ આપણા દેશમાં અનેક કારણોસર હાલ જુદી જુદી કોમજ્ઞાતીની વોટબેંક બનાવવાનીપધ્ધતિ ચાલુ થઈ છે. ખરેખર તો ભારતીય બંધારણ અને ભારતીય ફોજદારી ધારા અને ચૂંટણી આદર્શ સંહિતા મુજબ જ્ઞાતી મુજબ મત માગવાનો સખત પ્રતિબંધ અને ગેરલાયકાત તથા સજાની પણ જોગવાઈ હોવા છતાં બુધ્ધીમાન સમાજનું વિભાજન કરી નાખી બંધારણનું પણ પરોક્ષ અપમાન કરી ગુણવતા લાયકાત ને એકકોરે ચઢાવી દઈ દેશ સમાજ, અને બંધારણનું ઘણું જ અહિત કરેલ છે. અધુરામાં પૂરો પ્રાંતવાદ, ભાષાવાદનો પણ ઉમેરો કરી દીધો. આ વાતતો થઈ રાજય અને રાષ્ટ્રકક્ષાની, પરંતુ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા કક્ષાએજે ખૂરશી માટે ષડયંત્રો ચાલે છે. તેમાં જ્ઞાતિનું તો ખરૂ જ પરંતુ રાજકારણની મુળ નીતિ ખટપટ અને કપટ સામસામે વેરઝેર ઉભા કરાવી દેવાની જે રીત છે તે ગામે ગામની સાંભળવા અને જાણવા જેવી હોય છે.

સરકારી અધિકારીઓમાં ખુશી ટકાવવાના માપદંડો જુદા છે.તેમણે બીજા નુસખા જેવા કે શામ,દામ, ચાપલુસી અજમાવા પડે છે.ફકત ઉતમ કાર્યદક્ષતા ખુરશી ટકાવી શકે નહિ ઉલ્ટાનું નિષ્પક્ષ, તટસ્થ અને કાયદા મુજબની કાર્યવાહી ધણી વખત ખુરશી હલાવી પણ નાખતી હોય છે. (રાજકારણીઓને કારણે) આ એક નગ્ન વાસ્તવિકતા છે!

આપણે મુળી તાલુકા પંચાયત પ્રમુખ પદની ખૂરશી માટેના ષડયંત્રો જાણ્યા પરંતુ બનારાજાએ પ્રમુખપદેથી પ્રભુદેવાને ઉથલાવવા માટે જે રીતે પોલીસના ગોઠણીયે પડવું પડયું અને કટ્ટર હરીફ સરવીરસિંહને ઉપપ્રમુખ બનાવા પડયા તે બંને વાત  મનમાં ખૂબજ ખૂંચતી. જે તે સમયે તો કાંઈક મેળવવા કાંઈક તો ગુમાવવું પડે તે ન્યાયે સહન કરી ગયેલા પરંતુ હવે આ બંનેની (એટલે કે સુરવિરસિંહ અને જયદેવની) જરૂરત ન હતી અને બંનેને ઠેકાણે પાડી ભવિષ્યમાં પણ પોતાની સત્તાને કોઈ ભય, જોખમ ન રહે તે માટે પોતે ‘બળીયા’ની વ્યાખ્યામાં હોય સીધા જ ષડયંત્રો ચાલુ કરી દીધા.

બનારાજા પોતે ચૂંટણી હારી ગયેલા ત્યારે નાઈટ વોચમેન તરીકે પ્રમુખ પદે પ્રભુદેવાને બેસાડેલા પરંતુ પેટા ચૂંટણીમાં વિજય મેળવીને પ્રમુખ પદ માગતા પ્રભુદેવાએ ખૂરશી છોડવાની આના કાની કરતા જે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવેલ ત્યારે પોતાના જ પક્ષના બે સભ્યોએ વિપક્ષના નેતા સૂરવિરસિંહની યુકિતથી દરખાસ્ત વિ‚ધ્ધમાં ગયેલ તે બંનેની હવે બનારાજાએ તેમની ઈચ્છા માંગણી કરતા બમણી જરૂરીયાતો સંતોષી દીધી અને તેમની વીવીઆઈપી વાનાખાત્રી કરીને પોતાના બનાવી લીધા. તેઓ હવે સૂરવિરસિંહ કે પ્રભુદેવા સાથે વાતચીત કરવા પણ તૈયાર ન હતા અને બંને એટલા બધા ખૂશ થઈ ગયા કે તે બંને બનારાજાને સંપૂર્ણ પણે સમર્પીત થઈ ગયા !

આમ રાજકીય સ્થિરતાતોઆવી ગઈ પરંતુ ભવિષ્યમાં હરીફ સૂરવિરસિંહ કયારેય સામા ઉભા ન રહે તે માટે બનારાજા અતિ આકરો સબક શીખવાડવા માંગતા હતા આ ક્ષેત્રમાં નાણા જ મુખ્ય પરિબળ હોય જો સૂરવિરસિંહ આર્થિક સક્ષમ હોય તો જ સામે મોરચો માંડેને? માટે જે ખાખરાથળમાં કોલસોના ‘કોલસીની ખાણ ગેરકાયદેસર ચાલુ કરાવી તેજ બંધ કરાવી દેતો મુળમાંથી જ ઝાડ નાશ પામે. પરંતુ પોતે સમાધાનના સમયે પ્રતિષ્ઠીત અને ધૂરંધર આગેવાનોની હાજરીમાં સોગંદ ઉપર પ્રતિજ્ઞા લીધેલ કે પોતે અરજી કરશે કે કરાવશે પણ નહિ હવે જો અરજી કરાવે તો પોતાની જ રાજકીય પ્રતિષ્ઠા ઘટે. આમતો રાજકારણમાં પ્રતિષ્ઠા જેવું કાંઈ હોતુ નથી. પરંતુ પોતાના વચનની વિશ્વાસ પાત્રતા ઘટે તેની ચિંતા હતી બાકી આતો યુધ્ધ છે. અને તેમાં Every thing is fair in love & war !તે રીતે કાંઈ ખોટુ હોતુ જ નથી પરંતુ સોગંદ ઉપરના વચનનો ભંગ થાય તો પોતાના અંગત માણસો પણ ભવિષ્ય વિશ્વાસ કરે નહિ અને તેથી વ્યવહાર ચાલે પણ નહિ આમ વિચારતા વિચારતા પોતાના જ શુભચિંતક એવા જીલ્લા પોલીસ વડાના પીએ યાદ આવી ગયા. અને મનમાં ચમકારો થયો વાહ કામ પત્યુ! બનારાજા સીધા ગાડી લઈ તેજ ક્ષણે સુરેન્દ્રનગર પોલીસ વડાની કચેરીએ પહોચ્યા પરંતુ ફોજદાર જયદેવના ખબરી આ કચેરીમાં પણ રડારની જેમ ગોઠવાયેલા હતા.

લુચ્ચા રાજકારણી બનારાજા પીએ ને પણ મલ્યા નહિ અને પટ્ટાવાળા સાથે મુલાકાત ચીઠ્ઠી બારોબાર પોલીસ વડાને મોકલી દીધી અને પોલીસ વડાને પોતે નવા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ઓળખ આપી ફકત માન ખાતર મુલાકાત લીધાનું જણાવ્યું અને ધીમેથી કાન ઉપર વાત મૂકી કે ખાખરાથળ વીડીમાં અસામાજીક તત્વો કોલસી ખોદતા જણાય છે. આમતો કાંઈ વાંધો નહિ પરંતુ બીજા તેનું જોઈને ચાલુ થઈ જાય તો પછી ખરાબ કહેવાય. ખરેખર તો પોલીસ વડાને અગાઉથી જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ બનારાજાનો ટોટલ બાયોડેટા આપી જ દીધો હતો. તેથી મુળીના તમામ કૌભાંડો કે ડખામાં તેમની પરોક્ષ ભૂમીકા બાબતે પણ તેઓ જાણતા હતા. આથી પોલીસ વડાએ ધીરેથી તેમને કહ્યું ભલે જોઈ લેશું.

આ બાજુ સુરેન્દ્રનગરથી ફોજદાર જયદેવને તેના ખબરીએ જાણ કરી કે બનારાજાએકલા જ આવીને બીજા કોઈ અધિકારીને મળ્યા સિવાય ફકત પોલીસ વડાને મળી પાંચ મીનીટમાં ચાલ્યા ગયા છે.

જયદેવને નવાઈ લાગી કે તાલુકા પ્રમુખે વહીવટી રીતે તો પોલીસ વડાને કોઈ મળવાની પ્રથા કે જરૂરીયાત છે જ નહિ તો કેમ મળ્યા? તેથી સુરવિરસિંહને તાત્કાલીક બોલાવીને આ વાત કરતા તેઓ પણ ચમકયા અને કહ્યું ‘બનાનું કાંઈ ઠેકાણુ નહિ સોગંદ બોગંદ માર્યા ફરે’ ભારે કરી’ આથી તેમનો ચહેરો એકદમ ઉતરી ગયો જયદેવે કહ્યું બનારાજા એ તેની કપટ લીલાથી અરજીને બદલે મૌખીક રજુઆત કરી પોતે સોગંદ તો અરજીનાં ખાધા હતા તેમ કહી બચાવ કરી શકે તેવી યોજના મૂકી દીધી. જયદેવે કહ્યું હું હવે પગલાલેવા મૂકત છું પરંતુ હું કાલે આવીશ સૂરવિરસિંહ ઉપડયા ખાખરાથળ જે ચાર પાંચ ટ્રેકટર કોલસી કાઢેલી તે સગે વગે કરી અને ચીનાઈ માટી તથા કોલસીનો મિશ્રીત નાનો ઢગલો રહેવા દઈ માણસો ચાલ્યા ગયા.

પરંતુ પોલીસ વડાએ એલ.સી.બી.ના ફોજદાર ઝાલાને બોલાવી હુકમ કર્યો કે ખાખરાથળ વીડીમાં ખાણ ઉપર રેઈડ કરો અને કેસ થવો જ જોઈએ. ઝાલા તેમની ફોજ લઈ ખાખરાથળ પહોચ્યા ખાણ ઉપરથી ખાણીયા ચાલ્યા ગયા પછી બીજા ગરીબ માણસો ખાણમાં વધેલી ઘટેલી કોલસી વિણવા આવેલા તે ઝપટે ચડી ગયા. ફોજદાર ઝાલા પણ વિસ્મય પામ્યા કે હજુ કલાક બે કલાક જ થયા છે. અને આમ કેમ થયું? છતા તેમને તો કેસ કરવાનો જ હતો તેમણે આ વિણવા આવેલા લોકો ઉપર ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૪૧ (૧ડી) ૧૧૦ મુજબની કાર્યવાહી કરવાનું નકકી કરી મૂળી આવ્યા. જયદેવને ઝાલાએ કહ્યું કે આતો સાહેબે કહ્યું એટલે કરવા ખશતર કર્યું છે. જયદેવે કહ્યું પણ આ લોકો ખાણીયા કયાં છે. આતો બીચારા ગરીબ લોકો વીણવા વાળા છે. તેને શા માટે દુ:ખી કરો છો. પરંતુ ઝાલાને તો કાંઈક બતાવવું જ પડે તેમ હતુ તેથી કાર્યવાહી કરી જ નાખી અડધુ ટ્રેકટર ‘કોલસી…!

સુરવિરસિંહને આ રેઈડ થયાની ખબર પડી તેમના, સમૃધ્ધ થવાના સ્વપ્ના અને મનોરથતો બનારાજાના કપટ વાવાઝોડામાં ઢળી પડતા દેખાયા આ બાજુ બનારાજાએ તાલુકાના તમામ અધિકારીઓને દબાવીને હૂકમ કરીદીધો કે ઉપપ્રમુખ સુરવિરસિંહ ઓડુ છે તેનાં કોઈ જ કામ થવા જોઈએ નહી મને જો ખબર પડી તો તમારી પણ ખેર નથી! સુરવિરસિંહની હાલત ના ઘરના, ના ઘાટના જેવી થઈ.

તે દિવસથી સૂરવિરસિંહને કોઈ કર્મચારી બેસવા માટે ખૂરશી પણ આપતો નહિ જયદેવ આમાં અપવાદ હતો, તે સુરવિરસિંહને મીઠો ઠપકો અને આશ્ર્વાસન આપતો કે મારૂ માન્ય નહિ હવે તો સમયની રાહ જોવી પડે.

અઠવાડીયા પછી પાછો સુરેન્દ્રનગરથી જયદેવના ખબરીનો ફોન આવ્યોકે આજે પણ બનારાજા પોલીસ વડાની ચેમ્બરમાંમળવા ગયા છે. અને મુલાકાત ચાલુ છે. આ વખતે બનારાજાએ પોલીસ વડાને ફરીયાદ કરી ફોજદાર જયદેવની ! જયદેવે જ સૂરવિરસિંહને કોલસીની ખાણની મંજૂરી આપેલી હતી આવા ફોજદાર મૂળીમાં ન ચાલે આને બદલાવી ને બીજા કોઈને મૂકો.

પરંતુ ખાખરાથળની રેઈડ બાદ ફોજદાર ઝાલાએ પોલીસ વડાને મુળી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે થયેલીસમજૂતી,બનારાજાએ ખાધેલા સોગંદ, જયદેવ ઉપર અનેક પ્રકારની ભલામણ અને દબાણ લાવી શરતી મંજૂરી મેળવી હતી ખાણમાંથી પકડાયેલ માણસો નિદોર્ષ ગરીબો હતા વિ. વાત કરી તેમની રાજકીય પાપ લીલાથી માહિતગાર કરી દીધેલા. આજે આ તમામ વાતો પોલીસ વડાએ બનારાજાને સાંભળવા મજબૂર કર્યા. બનારાજા ભોંઠા પડયા મોઢુ કાળુ મેશ જેવું થઈ ગયુંં. પોલીસ વડા એ કહ્યું કે તમારા તાલુકા માટે આ ફોજદાર જ લાયક છે અને મારો તેને ટેકો છે. થોડામાં ઘણું સમજી બનારાજા વિલે મોઢે ચેમ્બર બહાર નીકળ્યા.

આ બાજુ મુળી જયદેવ ઉપર તેના ખબરીનો ફોન બનારાજા ચેમ્બરમાંથી બહાર નીકળ્યા પછીની તેમની હાલત અને મનોસ્થિતિ વિશે આવ્યોકે બનારાજા તેની ગાડી કઈ છે તેજ ભૂલી ગયા હતા અને ગાડી પણ જલ્દી સ્ટાર્ટ થતી નહતી વિગેરે જણાવ્યું.

જયદેવ સમજી ગયો આ વખતે મારી જ રજુઆત કરી હોય. જયદેવ ને આમેય મુળીમાં રહેવાની ઈચ્છા તો હતી જ નહિ. જો બદલીથાયતો સારૂ જ હતુ. તેણે તુરત દીલુભા ભગતને બનારાજાના સોગંદભંગ વચનભંગ અને કપટ લીલા ગદારીની વાત કરી હવે. તેની કોઈ જ ભલામણ નહિ કરવા કહ્યું.

તે પછી જયદેવ પાસે જો કોઈ આરોપી બનારાજાનું નામ પણ લે એટલે પૂરી વાનાખાત્રી કરીસીધો જ લોકઅપમાં અને ભલે પછી ગુન્હો જામીન લાયક હોયકડકમાં કડક પગલા લેવાનાતેમજ તેપછી બનારાજાના ટાયા, જાસુસ કે ફંટરીયાઓને શોધી શોધીને ઝપટે લીધા અને કાયદેસરની કાર્યવાહીમાં ફીટ કરી દીધા. લગભગ આખા જીલ્લામાં ખબર પડી ગઈ કે. ‘મોરચો’ આ વખતે બરાબ મંડાયો છે. અને મુળીના રાજકારણને બરાબર પાઠ ભણાવે તેવો ફોજદાર આવ્યો છે.

એક દિવસ મુળી મેજીસ્ટ્રેટ સાહેબે જયદેવને રૂબરૂ બોલાવી કહ્યું કે તમો જાણો છો કે મારો બંગલો મુખ્ય રસ્ત ઉપર છે ફરતે કંપાઉન્ડ વોલ છે. પણનીચી છે. અને બંગલાની તે તરફ બારી પડે છે. ત્યાંજ કંપાઉન્ડ વોલ પાસે માણસો ઉભા ઉભા પેશાબ કરે છે. રોડની સામે જ વકીલની ઓફીસ છે. વકીલ ને વાત કરતા તેમણે કહ્યું કે અહી તો તમામ માથાભારે જ છે.કોઈને કાંઈ કહેવાય તેવું નથી આથી તેમણે જયદેવને પૂછયું ‘આ બાબતે તમે શું કહેવા માંગો છો?’ જયદેવે કહ્યું આપણે કોઈ ખાસ ઈસ્યુ બનાવ્યા સિવાય ત્યાં લોકો પેશાબ કરતા બંધ થઈ જાય તેવું કરીએ. કોઈ મોટા જવાબદાર અને પ્રખ્યાત વ્યકિતને જ ત્યાં પેશાબ કરતા પકડીને એન.સી. કેસ કરી આપશ્રી સમક્ષ રજૂ કરી અને મહત્તમ દંડ થાય અને તેની સારી એવી પ્રસિધ્ધ થાય તો આ જગ્યાએ થતો એન.સી.ગુન્હો (પ્રવૃત્તિ) આપોઆપ બંધ થઈ જાય તેમણે કહ્યું ભલે.

જયદેવે કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ને જ તે વકીલની ઓફીસે બેસાડી દીધા અને સુચના કરી કે એવા મોટા માથા ને લાવજો કે જેને આખો તાલુકો ઓળખતો હોય જેથી આખા તાલુકાને ખબર પડે કે આ જગ્યાએ પેશાબ (ગુન્હો) કેમ કરાય છે.એક દિવસ પ્રતાપસિંહ હજુ વકીલની ઓફીસે પહોચ્યા જ હતા. ત્યાં એક વ્યકિતએ દિવાલ પાસે ધોતી ઉંચી કરી અને પ્રતાપસિંહે જોયું તો ‘ક્ગડાને બેસવું અને ડાળને ભાંગવું’ તે મોટી પ્રખ્યાત હસ્તી તો હતી પરંતુ તાલુકા પ્રમુખ બનારાજાના ખાસ નવરત્નો પૈકીનું એક રતન બનારાજાને ગામડેથી બસમાંથી ઉતરી તાલુકા પંચાયતે મળવા જ જતા હતા. અને રસ્તામાં પેશાબ કરવા જતા જ સકરાબાજ જેવા પ્રતાપસિંહની નજરમાં આવી ગયા અને તેમણે દોટ મુકી પડકાર કર્યો, પરંતુ પેલા રતનભાઈની પણ ક્ષમતા ખૂટી હશે કોઈ ધ્યાન આપ્યું નહી તેવામાં પ્રતાપસિંહ દોડતા ત્યાં પહોચી ગયા. આ દેકારો પડકારો થતા આજુબાજુનાં માણસો જોવા થંભી ગયા પ્રતાપસિંહે કહ્યું આવા પીઢ માણસ થઈને આવી રીતે જાહેરમાં પેશાબ કરતા શરમ નથી આવતી? પેલા રતનભાઈતો કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઈ ગઈ પરંતુ ચા કરતા કીટલી વધુ ગરમ હતી એટલે કે બનારાજા પ્રમુખ બન્યાનો તેમને વધુ હુંકાર હતો. પ્રતાપસિંહે તેમને પૂરૂ નામ લખાવવા કહ્યું (એન.સી.કેસ કરવા)તો તેણે તોછડાઈથી પ્રતાપસિંહને કહ્યું હવે ચલ નામવાળી આ બાજુ લોકોઆ તાયફો રોડ દુકાનો, તથા મકાનામંથી જોતા હતા. પ્રતાપસિંહે કહ્યું જો નામ ન લખાવવું હોયતો ચાલો પોલીસ સ્ટેશને રતનભાઈએ વળી તોડછાઈથક્ષ કહ્યું ચાલ ચાલ તારી જેવા તો ઘણા જોયા એમ કહીને ફરીથક્ષ એન.સી. ગુન્હો કરવાનું ચાલુ કર્યું પ્રતાપસિંહ પણ શરમાયા પરંતુ તે પત્યા પછી કહ્યું હવે નામ લખાવો કાં પોલીસ સ્ટેશને ચાલો તેમ કહી એન.સી. ફરિયાદ બુક કાઢી લખવાનું ચાલુ કર્યું એટલે રતનભાઈએ પ્રતાપસિંહના પેનબુક બંને આંચકી લેવા ઝડપ મારી ત્યાંજ કોન્સ્ટેબલ હીરાજી જે યુવાન હટ્ટો કટ્ટો અને મજબુત હતો. તે ત્યાં દોડીને પહોચી ગયો અને તેણે પેલા રતનભાઈને લગભગ ઉંચકી જ લીધા અને ત્રણે જણા પોલીસ સ્ટેશને આવ્યા જયદેવ હાજર જ હતો. પ્રતાપસિંહે આખા બનાવની વિગત જયદેવનેકહી આથી પેલા રતનભાઈ બોલી ઉઠ્યા આમાં કયો મોટો ગુન્હો કર્યો છે. ફાંસીએ લટકાવવા જેવો?

જયદેવે પ્રતાપસિંહની એફ.આઈ.આર. ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૬ સરકારી ફરજમાં ‚કાવટની લખવાની શરૂ કરી દીધી. રાયટર જસુભાને પ્રતાપસિંહ વતી બી.પી.એકટ ક. ૧૧૫ મુજબ એન.સી. લખવાનું કહ્યું એક બાજુ જયદેવે એફ.આઈ. આર. તૈયાર કરી બીજી તરફ જસુભાએ પ્રતાપસિંહની એન.સી. લખી પ્રતાપસિંહની સહી લીધી. પરંતુ રતનભાઈએ એનસીમાં સહી કરવાનો ઈન્કાર કર્યો.

મુળી ગામમાં અને ખાસ કરીને તાલુકા પંચાયતમાં ખળભળાટ મચી ગયો, મુદો બહુચર્ચાયો. ફોજદારની દાદાગીરી ચાલુ થઈ ગઈ છે. આમ કેમ ચાલે વિગેરે ચર્ચા થવા લાગી. બનારાજાના ‘મોતીયા મરી ગયા’ કે આ ફોજદાર તો કીડીને કોશનો ડામ દેવા માંડયો પણ રજુઆત માટેના આગળના દરવાજા તો પોલીસ વડાએ જાતે જ બનારાજા માટે બંધ કર્યા હતા. દીલુભાભગત પાસે બનારાજાએ ફરિયાદ કરી તો ભગતે કહ્યું ‘સત્તા આગળ શાણ પણ નકામુ આ થોડા રાજકારણી છે તે તમે તેને છંછેડો તો ચાલ્યું જાય? તમે તમારા કર્યા ભોગવો. હજુ તો આ શરૂઆત છે’.

રતનભાઈ વિ‚ધ્ધ તપાસ કાર્યવાહી પૂરી થઈ પ્રથમ કોર્ટમાં એન.સી. ફરિયાદ રજુ કરી સાથે કોગ્નીઝેબલ ગુન્હાની એફ.આઈ.આર. અને આરોપીનો પ્રોડકશન રીપોર્ટ રજૂ કર્યો જજ સાહેબે રતનભાઈને જાહેરમાં લઘુશંકા કરવાનો ગુન્હો કબુલ છે. કે કેમ તે પૂછયું તો રતનભાઈએ કહ્યું આખુ ગામ જાય છે. મારો એકલાનો જ ગુન્હો? મંજૂર છે. હુકમ થયો ‚પીયા ૧૦૦૦ દંડ ન ભરેતો કોર્ટઉઠતા સુધીની સજા તથા કોગ્નીઝેબલ ગુન્હામાં રૂ.૨૫૦૦ જામીન તથા જાત મુચરકાનો હુકમ થયો.

બીજે દિવસે તમામ ન્યુઝ પેપરમાં ખાસ ડીઝાઈન વાળા કોલમ બનાવી સમાચાર છપાયા ‘ફાઈવસ્ટાર હોટલમાં પેશાબ કરવાનો ચાર્જ આખા તાલુકામાં ખૂબજ ચર્ચા થઈ અને લોકો પેલી દીવાલ પાસે લઘુશંકા કરતા બંધ થઈ ગયા.

કુદરતી રીતે જ બનારાજાને જયદેવનો ખોટો વિરોધ કરવાનો બદલો અને જાહેર બદનામી મળી ગઈ કે બનારાજા તેના નવરત્ન પૈકી એક રત્નને પણ પોલીસ પાસેથી બચાવી શકયા નહિ!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.