Abtak Media Google News

ચૂંટણી પહેલાના વચગાળાના બજેટમાં રાજકોષીય ખાધ મહત્વનો ભાગ ભજવશે. અંદાજે 5 મહિના માટે વચગાળાનું બજેટ રજૂ થશે. જેમાં સરકારે મર્યાદામાં રહીને ખર્ચની જાહેરાત કરવી પડશે સાથોસાથ રાજકોષીય ખાધને પણ અંકુશમાં રાખવી પડશે.

સરકાર ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે.જેનું સંપૂર્ણ બજેટ એપ્રિલ-મેમાં સામાન્ય ચૂંટણીઓ પછી આગામી સરકારને સોંપવામાં આવશે.અંદાજે 5થી 6 મહિના માટે આ વચગાળાનું બજેટ રહે તેવી શકયતા છે. નાણા મંત્રાલયે વિવિધ વિભાગો અને મંત્રાલયો સાથે પ્રી-બજેટ મીટિંગમાં તેમને આગામી નાણાકીય વર્ષ માટે ખર્ચના અંદાજમાં સાવચેત રહેવા જણાવ્યું છે.

અંદાજે 5 મહિના માટે વચગાળાનું બજેટ રજૂ થશે, સરકારે મર્યાદામાં રહીને ખર્ચની જાહેરાત કરવી પડશે સાથોસાથ રાજકોષીય ખાધને પણ અંકુશમાં રાખવી પડશે

સરકાર નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાના બજેટમાં રાજકોષીય ખાધને મર્યાદામાં રાખવા પૂરતા પ્રયાસ કરશે. જો કે બીજી તરફ આ વચગાળાનું બજેટ ચૂંટણીને પણ અસર કરવાનું હોય એટલે સરકારે યોજનાઓ પાછળ તેમજ મહત્વપૂર્ણ જાહેરાતો પાછળ પણ પૂરતા પ્રમાણમાં ખર્ચ કરવો પડે તેમ છે.

સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2025- 26 સુધીમાં રાજકોશિય ખાધ જીડીપીના 4.5% રાખવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે આ વર્ષના બજેટમાં 5.9% હતો. જ્યારે આંકડાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કેન્દ્ર તેની નાણાકીય ખાધ ચાલુ નાણાકીય વર્ષના સ્તરે (રૂ. 17.87 લાખ કરોડનું બજેટ) રાખી શકે છે અથવા તેને ઘટાડી પણ શકે છે.

સરકાર એ પણ ચિંતિત છે કે કોઈપણ વપરાશમાં વધારો ફુગાવાના દબાણમાં વધારો કરી શકે છે અને કિંમતો પર લગામ લગાવવાના પ્રયાસોને જોખમમાં મૂકે છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 7 ડિસેમ્બરે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં રજૂ થનારું વચગાળાનું બજેટ માત્ર ચૂંટણી પછી નવી સરકાર શપથ ગ્રહણ ન કરે ત્યાં સુધી ખર્ચને પહોંચી વળવા માટે છે.  અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્ર નાણાકીય એકત્રીકરણ આવશ્યકતાઓ સાથે સતત ઉચ્ચ વૃદ્ધિની જરૂરિયાતને સંતુલિત કરવાનું લક્ષ્ય રાખશે.

કેન્દ્રએ નાણાકીય વર્ષ 2012 થી વાર્ષિક ધોરણે તેના મૂડી ખર્ચમાં 24% અને 39% ની વચ્ચે વધારો કર્યો છે, જે મહેસૂલ ખર્ચમાં થયેલા વધારા કરતાં ઘણો વધારે છે.  નાણાકીય વર્ષ 2024ના બજેટે મૂડીખર્ચ વધારીને વિક્રમી રૂ. 10 લાખ કરોડ કર્યો હતો, જે અગાઉના વર્ષ કરતાં 35.9% નો વધારો હતો, જ્યારે મહેસૂલી ખર્ચમાં વધારો માત્ર 1.4% થી રૂ. 35 લાખ કરોડ સુધી મર્યાદિત રાખવાનો પ્રયાસ કર્યો હતો.સરકાર અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 2024 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક અપેક્ષા કરતાં વધુ આવક વસૂલાત સાથે પૂરો થશે, જેના કારણે ચોક્કસ હેડ હેઠળ ખર્ચમાં વધારો થશે.

સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂ.8થી 10ની રાહત આપે તેવી શકયતા

સરકાર લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપે તેવી શકયતા સેવાઈ રહી છે.  વર્ષ 2024ના પહેલા છ મહિનામાં આયોજિત લોકસભા ચૂંટણી પૂર્વે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મોટો ઘટાડો થાય તેવા અણસાર છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર પેટ્રોલ-ડીઝલ પર 8 રૂપિયા પ્રતિ લિટર સુધી ભાવ ઘટી શકે છે. તેની જાહેરાત કેલેન્ડર વર્ષ પૂરું થતા પહેલાં કરવામાં આવશે. સૂત્રો અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ તેમજ ડીઝલમાં 8-10 રૂપિયા પ્રતિ લિટરના ઘટાડા માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

હવે માત્ર તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહોર બાકી છે. વાસ્તવમાં, પેટ્રોલિયમ મંત્રાલયના તર્ક અનુસાર આયાત કરવામાં આવેલા ક્રૂડ ઓઇલની ખરીદ કિંમતમાં તેજીથી ઘટાડો થયો છે. આ જ ક્રૂડ ઓઇલને પેટ્રોલ-ડીઝલ બનાવવા માટે રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ) દરમિયાન અત્યાર સુધી ક્રૂડ ઓઇલની કિંમત સરેરાશ 77.14 ડોલર પ્રતિ બેરલ હતી,

માત્ર બે મહિના એટલે કે સપ્ટેમ્બરમાં 93.54 ડોલર અને ઑક્ટોબરમાં 90.08 ડોલરનો વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2022-23માં ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત 93.15 ડોલર પ્રતિ બેરલ હતી.

તુવેર અને અડદના ભાવ ધટાડવા મહત્વનું પગલું: ડ્યુટી ફ્રી આયાત લંબાવાઈ

હાલ દેશમાં તુવેર અને અડદની દાળના ભાવો આસામાને છે, ત્યારે ભાવને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકારે ડ્યુટી ફ્રી તુવેર-અડદની આયાતની મુદ્દત એક વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય પ્રજાને ભાવમાં રાહત મળે તેમજ વધતા ભાવો પણ અંકુશમાં આવે તે હેતુથી કેન્દ્ર સરકારે તુવેર અને અડદ દાળની આયાતની મુદ્દત આગામી 31 માર્ચ-2025 સુધી લંબાવી દીધી છે, જે માટે વાણિજ્ય મંત્રાલય હેઠળના ડીજીએફટીએ આજે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અગાઉ ડ્યુટી ફ્રી તુવેર અને અડદની દાળ આયાત કરવાનો સમયગાળો 31 માર્ચ-2024 સુધી હતો. જોકે સરકારે નોટિફિકેશન જાહેર કરી આ સમયગાળો વધુ એક વર્ષ લંબાવી દીધો છે. છેલ્લા એક વર્ષની અંદર તુવેર દાળની કિંમતોની વાત કરી તો, 28 ડિસેમ્બર-2022ના રોજ તુવેર દાળની સરેરાશ કિંમત પ્રતિકિલો 111.5 રૂપિયા હતી, જે આજે એટલે કે 28 ડિસેમ્બર-2023ના વધીને 152.38 રૂપિયાએ પહોંચી ગઈ છે.

એટલે કે એક વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તુવેર દાળની કિંમત પ્રતિકિલો 107.33 રૂપિયા હતી, જે હવે 122.46 રૂપિયા કિલો મળી રહી છે.વધતી જતી દાળની કિંમતો પર અંકુશ મુકવા તેમજ પ્રજાને રાહત આપવા અગાઉ સરકારે ઘણા નિર્ણયો લીધા હતા. કેન્દ્ર સરકારે અગાઉથી જ સ્ટોક લિમિટ ઘટાડવા, આયાતનો સમયગાળો વધારવા સહિતનો નિર્ણય લઈ ચુકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.