Abtak Media Google News

૧૭૦૦ જેટલા લોકગીત, રાહ્યડા, છંદ, ભજન સહિત વિદેશની ધરતી પર હાસ્યના ડાયરાનો હળવદના કલાકારે ડંકો વગાડયો

ગુજરાતમાં કળા – સંસ્કૃતિ અને તેની જીવનશૈલીમાં સૌંદર્ય, રુચિ અને શોખની આગવી છાપ ઉપસી આવે છે. કળા દ્વારા પ્રતિભાવ અને સંવાદને, સંસ્કૃતિ દ્વારા પરંપરાગત મૂલ્યોનો પ્રભાવ જોવા મળે છે. નીતિ તેમજ જીવનશૈલીમાં ગુજરાતીઓ સૌથી નીરાળા તરી આવે છે. આમ મક્કમ મનોબળ હોય તો માનવી ક્યારેક કુદરત સામે પણ બાથ ભીડી લે છે તેનું જીવંત ઉદાહરણ લોકગીત અને હાસ્ય દરબારના સમ્રાટ પૈકીના એક કવિરાજ હકાભા ગઢવી છે. જેમને અત્યાર સુધી ૧૭૦૦ જેટલા લોકગીત, રાહ્યડા, છંદ, ભજન સહિત હાસ્યના ડાયરાઓ કર્યા છે.

હળવદ તાલુકાના સરંભડા ગામમાં હકાભા ગઢવીનો ૧૯૭૬માં જન્મ થયો હતો. જેમનું મૂળ નામ મનહરદાન ચંદુભાઈ ગઢવી કે, જેઓ ચારણ સમાજમાંથી કવિરાજ તરીકે સંબોધિત થાય છે. વાત છે એક એવા કલાકારની કે, જે માત્ર ૩ વર્ષની કુમળી વયમાં માતાના નિધનથી માતૃત્વના પ્રેમથી નોંધારા થયા અને ૬ વર્ષના ટૂંકાગાળામાં એટલે કે, બાળપણમાં ૯ વર્ષની ઉમરે હકાભા ગઢવીએ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ નાનપણમાં અનેક ચડાવ-ઉતાર આવ્યા છતાં પણ નવી રાહ ચીંધી જિંદગી આગળ ધપાવવા મક્કમ બન્યા.

મનહરદાન ગઢવી ઉર્ફે હકાભાએ ૧૪ વર્ષની નાની વયે ઘંટી (ફલોરમીલ) ચલાવી પોતાનું પેટીયું રળતા અને ઘંટી ચલાવતા ચલાવતા નરી આંખે મોટા કલાકાર થવાના સપના નિહાળતા તે દરમિયાન હકાભા ગઢવીને ગાવાનું શોક પ્રાંગરેલો. પણ તે સમય આ કલાકારને કયાં ખબર હતી કે, નરી આંખે જોયેલાં સપનાઓને શાકાર થતાં થતાં કેટલાય સંઘર્ષોનો સામનો કરવો પડશે. આમ પેટનો ખાડો પુરવા હકાભા ગઢવી ર૦૦૧માં અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે કાળી મજૂરી કરવા સવારે ૭ વાગ્યે ટીફીન લઈને પહોંચી જતાં. પણ આખેઆખો દિવસ વિતવા છતાં કોઇ મજૂર તરીકે પણ હકાભાને મજૂરી કામ મળતું નહીં. ત્યારે નશીબ પણ તેમની સાથે ન હોય તેમ આર્થિક પરિસ્થિતિથી ભાંગેલા આ કલાકારને ૨૦૦૩માં પોતાની વ્હાલસોયી દિકરીને વિછી કરડવાથી તેનું અવસાન થયું કારણ માત્ર એટલું હતું કે તે સમય દવાનો ખર્ચ પણ ઉઠાવવો અઘરો હતો. હકાભાને પણ મનમાં આવા વિચારો થવા લાગ્યા છતાં હિમ્મત હાર્યા વિના દ્રઢ નિશ્ચયથી જીવનની કસોટી પર ખરા ઉતરવા અનેક પરિશ્રમ બાદ પણ સફળ થવામાં કેટલું ગુમાવવું પડયું. આમ ઘંટી ચલાવતા ચલાવતા જીવનના ૩૪ વર્ષ પુરા થઈ ગયા’તા પણ નરી આંખે જોયેલા સપના હજૂ પણ જીવંત હતાં.

Img20180315194353
gujrat news | morbi

આમ કહેવાય છે ને કે, કુદરત એક તક તો આપે જ છે, બસ તેને પરખવાની નજર જોઈએ બસ, તેજ સમયે હકાભા ગઢવીને પહેલો મોકો મળ્યો એ પણ પોતાની સમાજના કાર્યક્રમમાં એટલે કે, ચારણ સમાજ દ્વારા યોજાયેલ બાવળા તાલુકાના ખોબા જેવડા રાણેકસર ગામમાં. બસ તે જ સમયે લોક ડાયરો શરૂ થયો અને હકાભા ગઢવી પ્રથમ વખત સ્ટેજ પર પગ મુકયો, અને હાસ્ય દરબારથી લોકોને પેટ પકડીને હસાવાની સાથે ભજનીકમાં કામયાબી મેળવી અને આ કાર્યક્રમમાંથી એક કલાકાર તરીકે જીવનની પહેલી કમાણી સ્વરૂપે પ૦૦ રૂપિયા જેટલી આવક મેળવતાં તેમના કલાકાર થવાનો સપનો જાણે સાચો પડયો હોય તેમ ઉત્સુકુતા સાથે આભાસ થવા પામ્યો. આમ બીજો લોક ડાયરો હકાભાએ ખેડા જિલ્લાના જેતલપુર ગામે કર્યો ત્યારબાદ નાના- મોટા લોક ડાયરાઓ સહિતના કાર્યક્રમો કરવા હકાભા ગઢવી મોટર સાયકલ પર બેસી ૩૦૦ કિ.મી. સુધી કાર્યક્રમો કરવા નિકળી પડતા. આમ સ્ટેજના પ્રોગ્રામમાં જ્યાં લોકોની ભીડ વચ્ચે રંગમંચને ડોલાવવા હાસ્યના કામણ પાથર્યા બાદ તેમની લોક ચાહનામાં વધારો થતો ગયો. અને જોત જોતાં માત્ર ૭ વર્ષમાં ૧૭૦૦ જેટલા નાના-મોટા લોકડાયરા સહિત સ્ટેજના કાર્યક્રમો કરી ચુકયા છે. તેમજ હળવદ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૩૦૦ જેટલા સ્ટેજ પ્રોગ્રામો થકી લોકોને ઝકળી રાખવામાં સારી એવી સફળતા મેળવી છે એટલું જ નહીં મનહરદાન ગઢવી ત્રણ ત્રણ વખત વિદેશી ધરતી પર ડંકો વગાડી ચુકયા છે જેમાં લંડન, આફ્રિકા અને નેપાલની રાજધાની કાઠમંડુમાં હાસ્યની સુવાસ ફેલાવી છે. આવા ઘણા બધા એવા કાર્યક્રમો થયા જેમાં હકાભા ગઢવીને સ્ટેજ પર આવવા ક્રમ નંબર આપવામાં આવતો પરંતુ હાસ્યની રીતે તેઓ એક-બે કલાકારોથી પહેલાં સ્ટેજ પર આવી રમુજ ફેલાવતા. તમામ કાર્યક્રમોમાં લોકગીત, રાહ્યડા, છંદ, ભજન અને હાસ્યના સમ્રાટ તરીકે પ્રતિભા ધરાવતા કલાકાર હકાભા ગઢવી સ્ટેજ પર કોઇપણ સમયે કલાકારી રજૂ કરવામાં માહિર છે. બસ, આજ કલાકારીથી સંતશ્રી મોરારીબાપુ પણ તેમના આવાં કાર્યક્રમોથી પ્રભાવિત થઈ ખુદ હકાભા ગઢવીને મળવા હળવદ પધારી ચુકયા છે. આમ હકાભા ગઢવીને તેમની જીવનશૈલી વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, નાનપણ એટલે કે, બાળપણથી ઘણું બંધુ ગુમાવ્યા બાદ પણ ૩૪ વર્ષ કાળી મજૂરીમાં પસાર કરી કરીને ધોળા દિવસે જોયેલા સ્વપ્નો આજે સાકાર થયા છે તે માત્ર મારામાં રહેલી કલાકારી છે જે આજે દરેક વ્યક્તિને કામયાબી નથી મળતી. ખાસ વાત કરીએ તો હકાભા ગઢવી વિદેશ જતા ઉડતા વિમાનમાં મોરારીબાપુને રાહ્યડા અને હાસ્યના દરબારથી ચકિત કર્યા છે. તેમનું કહેવાનું છે કે, કિર્તીદાન ગઢવી, માયાભાઇ, ભીખુદાન ગઢવી, સાંઇરામ દવે સહિતના તમામ કલાકારો સામે મારી કોઈ હરિફાઇ નથી, હું જ મારો હરિફ છું. અને આવા બધા કલાકારોએ મને એમના કાર્યક્રમોમાં બોલવાનો ચોક્કસ સમય આપ્યો છે અને સારો એવો સહકાર પણ સાંપડ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.