Abtak Media Google News

મની લોન્ડરિંગ એકટના જુદા-જુદા બે ગુન્હામાં ધરપકડ કરાઈ: આજે રિમાન્ડની માંગણી કરાશે

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓએ તેની ધરપકડની જાણકારી આપી હતી. ઇડીના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર અનિલ દેશમુખની ખંડણી અને મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અનિલ દેશમુખની પૂછપરછ કરવા ઇડીના જોઈન્ટ ડાયરેક્ટર સત્યવ્રત કુમાર પોતે દિલ્હીથી મુંબઈ પહોંચ્યા હતા.

અગાઉ તેમને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ઇડી પાસેથી મળેલી માહિતી મુજબ અનિલ દેશમુખ પૂછપરછમાં સહકાર આપી રહ્યા ન હતા. અનિલ દેશમુખને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સૂત્રો અનુસાર અનિલ દેશમુખના વકીલ ઈન્દરપાલ સિંહે કહ્યું- અમે ૪.૫ કરોડ રૂપિયાના આ કેસની તપાસમાં સહયોગ કરી રહ્યા છીએ. આજે જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યારે અમે તેના રિમાન્ડનો વિરોધ કરીશું.

ઇડીએ સ્પષ્ટ કહ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા, તેથી તેમની ધરપકડ કરવામાં આવી. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન દેશમુખ તેમના વકીલ સાથે સવારે ૧૧.૪૦ વાગ્યે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સ્થિત તપાસ એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. ઇડીના અધિકારીઓ તેની સતત પૂછપરછ કરી રહ્યા હતા અને કેસ સાથે જોડાયેલી માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ધરપકડના સંદર્ભમાં, અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે કે કેન્દ્રાય તપાસ એજન્સી દ્વારા મહારાષ્ટ્ર પોલીસ પ્રતિષ્ઠાનમાં ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલાત અને લાંચના કેસમાં કરવામાં આવેલ ફોજદારી તપાસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ૭૧ વર્ષીય નેતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ખંડણીના આરોપમાં દેશમુખે એપ્રિલમાં રાજીનામું આપવું પડ્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે, ઇડીના જોઈન્ટ ડાયરેક્ટર સત્યવ્રત કુમાર અન્ય કેટલાક અધિકારીઓ સાથે લગભગ ૯ વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. અગાઉ અનિલ દેશમુખને ઇડી દ્વારા પાંચ વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા ન હતા. ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટે સમન્સ રદ કરવાનો ઇનકાર કર્યા પછી તે એજન્સી સમક્ષ હાજર થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.