Abtak Media Google News
કાલ  ફોર્મ પરત ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે

જુનાગઢ જિલ્લાની પ વિધાનસભાની બેઠકો માટે ચૂંટણી તંત્ર દ્વારા ગઈકાલે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે દરમિયાન 23 ફોર્મ રદ થતાં હવે કુલ 55 ઉમેદવારો જિલ્લાની પ સીટો માટે ચૂંટણી જંગમાં છે.

જો કે,હજુ 17 નવેમ્બરે ફોર્મ ખેંચવાનો દિવસ હોય ત્યાર બાદ જૂનાગઢ જિલ્લાની પ વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

ગત તારીખ 5 નવેમ્બરથી જુનાગઢ જિલ્લાની પાંચ સીટો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. તે દરમિયાન 14 નવેમ્બર સુધીમાં પ સીટો માટે કુલ 311 ફોમ ઉપડ્યા હતા. જેમાંથી 78 ફોર્મ ભરી ઉમેદવારોએ ચૂંટણી તંત્ર સમક્ષ રજૂ કરી, પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ત્યારે ગઈકાલે આ ફોર્મની ચૂંટણી તંત્ર દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં જૂનાગઢની બેઠક પર 10, માણાવદરની બેઠક પર 8, માંગરોળની બેઠક પર 10, વિસાવદરની બેઠક પર 7 અને સૌથી વધુ કેશોદની બેઠક પર 20 ફોર્મ મંજૂર થયા હતા. આમ જૂનાગઢ જિલ્લાની પ વિધાનસભાની બેઠકો પર હાલમાં 55 ઉમેદવારના ફોર્મ મંજૂર થયા છે.

જો જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની સીટ વાઈઝ પરિસ્થિતિ જોઈએ તો, જૂનાગઢમાં કોંગ્રેસ, ભાજપ, બહુજન સમાજ પાર્ટી,ભારતીય જન પરિષદ, આમ આદમી પાર્ટી અને 5 અપક્ષના ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે માણાવદરમાં કોંગ્રેસ, ભાજપ, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, અને 4 અપક્ષના ફોર્મ માન્ય રહ્યા છે.

તો વિસાવદરની બેઠક માટે કોંગ્રેસ, ભાજપ, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને 3 અપક્ષના  ફોર્મ માન્ય રહ્યા છે. માંગરોળમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટીના 3, ઓલ ઇન્ડિયા મજલીસ એતીહાદુલ મુસ્લિમીનાના અને અપક્ષના 2 ફોર્મ માન્ય રહ્યા છે. તો કેશોદમાં બહુજન સમાજ પાર્ટીના 2, ભાજપના 2, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 4, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 1 અને અપક્ષના 4 ફોર્મ માન્ય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.