Abtak Media Google News

એકલા અમદાવાદમાં જ 42 કેસ: સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા આઠ કેસ: લોકોમાં ફફડાટ

છેલ્લા અઢી વર્ષથી હાહાકાર મચાવી રહેલી વૈશ્ર્વિક મહામારી કોરોના કેડો મૂકવાનું નામ લેતો નથી. દેશના અનેક રાજયમાં છેલ્લા એકાદ સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે.

ગુજરાતમાં પણ જાણે કોરોનાની સંભવીત ચોથી લહેર શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રવિવારે રાજયનાં 95 દિવસ પછી કોરોનાના નવા 68 કેસો નોંધાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. એકલા અમદાવાદમાં 70 ટકાથી વધુ કેસ એટલે કે 42 નવા કેસ મળી આવ્યા છે.સંભવિત ચોથી લહેર શરૂ થયાની દહેશતથી લોકો રિતસર ફફડી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ નવા આઠ કેસો નોંધાયા છે.

છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારના દિવસે રાજયમાં 95 દિવસ બાદ 68 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા હતા. જયારે વડોદરામાં 11 કેસ, રાજકોટમાં ચાર કેસ, કચ્છ, મહેસાણા અને સુરતમાં 2-2 કેસ, ભાવનગર, ગાંધીનગર, મોરબી, નવસારી અને સાંબરકાંઠામાં નવા એક એક કેસ નોંધાયા છે. અમદાવાદમાં ગત 29મી મેના રોજ રમાયેલી આઈપીએલની ફાઈનલ મેચમાં નિંહાળવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સવા લાખથી પણ વધુની મેદની ઉમટી પડી હતી. ત્યારબાદ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. રાજયમાં 70 ટકાથી પણ વધુ એક એકલા અમદાવાદમાં નોંધાય રહ્યા છે જે નવી ચિંતા ઉભી કરી રહ્યું છે. રવિવારે 21 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. એક પણ દર્દીનું મોત થયું નથી જે સૌથી મોટી રાહતની વાત છે.

રાજયમાં હાલ કોરોનાના 340 એકિટવ કેસ છે. જે પૈકી એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી તમામની હાલત સ્ટેબલ છે. રાજયમાં મોટાભાગની વસ્તીએ વેકિસનના બંને ડોઝ લઈ લીધા હોય હવે કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓને ખૂબજ સામાન્ય લક્ષણ હોય છે.

કોવિડનું સંક્રમણ ઘટતા રાજય સરકાર દ્વારા મોટાભાગના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. પરંતુ હવે ચોથી લહેરના ભણકારાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોના વધતા ફરી નિયંત્રણો લાદે તેવી સંભાવના

ભારતમાં કોરોનાએ ફરી ફુફાડો મારતા દેશભરનું તંત્ર ફરી હરકતમાં આવ્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી 1000થી વધુ કેસ પોઝિટિવ નોંધાતા ઉદ્વવ સરકારે જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયુ વેગે ફેલાતા હવે ફરી એકવાર તેના પ્ર લાદેલા નિયંત્રણો લગાવામાં આવ્યા છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ છેલ્લા 95 દિવસના સૌથી વધુ કેસ પોઝિટિવ નોંધાતા મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ફરી કોરોનાના નિયંત્રણ લાદી શકે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.