Abtak Media Google News

૩૦૦૦થી વધુ લાભાર્થીઓની તપાસ કરી સારવાર ઉપરાંત આવકના દાખલા, માં અમૃતમ યોજના સહિતના કાર્ડનો લાભ અપાયો

જુનાગઢ જીલ્લા ભાજપ યુવા મોરચાની ટીમે ગઈકાલે મેંદરડા ખાતે ફ્રિ મેડિકલ ચેકઅપ અને સારવારનું આયોજન કર્યું હતું. આ કેમ્પ ખાતે મેંદરડા સ્થાનિક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મેદની ઉમટી હતી. નિદાન અને સારવારની સાથે આ કેમ્પમાં સ્થાનિક લોકોને આવકના દાખલાથી લઈ સરકારી તમામ યોજનાઓના માર્ગદર્શન તેમજ લાભ મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ જીલ્લા ભાજપ યુવા મોરચાની ટીમે કિરીટ પટેલ તેમજ ચિરાગ રાજાણીના માર્ગદર્શનતળે મેંદરડા મુકામે ફ્રિ મેડિકલ ચેકઅપ તેમજ સારવાર કેમ્પનું આયોજન કર્યું હતું. મેંદરડા કન્યા શાળા ખાતે થયેલ આ આયોજનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટ જુનાગઢના ખ્યાતનામ ડોકટરોએ દર્દીઓને તપાસી સારવાર આપી હતી. સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, જનરલ સર્જન, જનરલ ફીઝીશ્યન, હાડકાના રોગો તેમજ આંખના દર્દો માટે બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

આ વિસ્તારના લોકોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને લાભ મળે તે માટે સ્થાનિક અધિકારીઓની ટીમ પણ કામે લગાડાઈ હતી. જેમાં માં અમૃતમ કાર્ડ, વાત્સલ્ય યોજના તેમજ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત માટેના કાર્ડ નીકળે તેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. આશરે લગભગ ૩૦૦૦થી વધારે લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ તેમજ યુવા મોરચાના ચિરાગ રાજાણીની ટીમે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.