Abtak Media Google News

સ્થાનિકોએ મોટી સંખ્યામાં કચેરીએ ઉમટી પડી અધિક કલેકટરને આવેદન પાઠવ્યું: મકાન ફાળવવાની માંગ

રૈયામાં દબાણ હટાવવાની તજવીજ સામે સ્થાનિકોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ ઉમટી પડીને મોરચો માંડયો હતો. સ્થાનિકોએ અધિક જિલ્લા કલેકટરને આવેદન પાઠવી આ મકાન ફાળવવાની માંગ ઉઠાવી હતી.

રૈયામાં સર્વે નં. ૩૧૮ની મુકિતધામ સામે આવેલી ૧૮૭ એકર સરકારી ખરાબાની જમીન ઉપર મકાનો, ઓરડીઓ સહિતના બાંધકામો આવેલા છે. આ ગેરકાયદે બાંધકામો હટાવી લેવા માટે પશ્ર્ચીમ મામલતદાર દ્વારા ૪૩૪ મિલ્ક્ત ધારકોને નોટીસ ફટકારવામાં આવી હતી આ નોટીસમાં ૭ દિવસમાં દબાણ હટાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

જોકે બાદમાં ૩૫ થી ૪૦ જેટલા આસામીઓએ પ્રાંત સમક્ષ સનદ રજૂ કરી હતી પરંતુ પ્રાથમિક તબકકે આ સનદ વિવાદાસ્પદ લાગતા પ્રાંતે સનદની તપાસ કરવાનાં આદેશ આપ્યા છે. ઉપરાંત ગઈકાલે રૈયાના સ્થાનિકોએ મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ ઘસી આવીને અધિક જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતુ આ આવેદનમાં જણાવાયું હતુ કે તમામ સ્થાનિકો મજૂર વર્ગ છે. તેઓની આર્થિક સ્થિતિ નબળી છે. ત્યારે સરકાર દ્વારા મકાન ફાળવવામાં આવે તેવી માંગ છે. આ આ આવેદન વખતે મહાપાલીકાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયા પણ સ્થાનિકો સાથે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.