Abtak Media Google News

ઠેર ઠેર પંડાલો પડયા સુના: અગલે બરસ તુમ જલદી આના’ની અરજ સાથે શહેરમાં આજે દુંદાળા દેવને અપાઈ વિદાય: અબીલ-ગુલાલની છોળો અને ડી.જે.ના સથવારે નીકળી સામુહિક વિસર્જન યાત્રા: ભીની આંખે અસંખ્ય ભાવિકોએ બાપ્પાના અંતિમ દર્શન કર્યા: કોર્પોરેશન અને પોલીસ જવાનોની ચુસ્ત બંદોબસ્તની સરાહનીય કામગીરી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત ૧૨ દિવસ એકદંતની અખંડ આરાધનામાં લીન રહ્યા બાદ આજે તા.૫ને મંગળવારે ઠેર ઠેર ગણપતિદાદાનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતુ વિસર્જન માટે ૧૨.૪૦ સુધીનો સમય શ્રેષ્ઠ હોવાથી રાજકોટ શહેર સાર્વજનીક ગણેશ મહોત્સવ સમન્વય સમિતિ દ્વારા આજે સવારે ૧૧.૩૦ કલાકે ગણેશજીની સામુહિક વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ વિસર્જન યાત્રાએ શાસ્ત્રી મેદાન ખાતેથી પ્રસ્થાન કર્યું હતુ શહેરનાં રાજમાર્ગો ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલદી આના’ નાદથી ગુંજી ઉઠ્યા હતા આજે અનંત ચૌદશ અને મંગળવારનો શુભ સંયોગ સર્જાયો હતો.રાજકોટ શહેરમાં વિસર્જન યાત્રા સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય એ હેતુસર છેલ્લા ૮૭ વર્ષથી સામુહિક વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવે છે.આ વખતે વિસર્જન યાત્રામાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસર્જનના સ્થળોએ પણ ફાયર બ્રિગેડનાં તરવૈયાઓ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સમુહ વિસર્જન યાત્રામાં શહેરનાં મુખ્ય ગણાતા ત્રિકોણબાગ કા રાજા, સર્વેશ્ર્વર ચોક, રાજકોટ કા રાજા, તેમજ શહેર ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવ સહિતના વિવિધ પંડાલોનાં આયોજકો જોડાયા હતા. શહેરનાં તમામ પંડાલોમાં શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે ગણપતિ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ગણપતિની સાર્વજનીક વિસર્જન યાત્રા અબીલ ગુલાલની છોળો અને ડી.જે.ના સથવારે હર્ષોલ્લાસભેર નીકળી હતી. ત્યારે અંતિમ દર્શનાર્થે ઉમટેલા ભાવિકોએ આવતા વર્ષે ઝલદી પધારવા બાપ્પાને અરજ કરી હતીભાવિકોએ વિઘ્નહર્તાનું વિસર્જન આજી ડેમ નજીક ખાણ ૧ અને ૨, હનુમાનધારા મંદિર, વાગુદળ પાસેની નદી, પાળ પાસે જખરાપીરની દરગાહ પાસે, લાલપરી તેમજ નાની મૂર્તિઓનું નજીકનાં નદી તળાવમાં ભીની આંખે વિસર્જન કર્યું હતુ. વિસર્જન યાત્રામાં ૪૦ જેટલા ટ્રકો અને ૧ હજાર જેટલી મોટર સાયકલો સહિત અસંખ્ય દાદાના ભકતજનો ઉમટી પડયા હતા. શહેરનાં રાજમાર્ગો ભકતોની ભીડથી ખીચોખીચ જોવા મળ્યા હતા વિસર્જન સ્થળો ઉપર ભાવિકોને અમુક હદ સુધી જ જવાની છૂટ હતી. ઉપરાંત કોર્પોરેશન દ્વારા બોટ, લાઈફ જેકેટ, ક્રેન અને ૭૦ જેટલા જવાનો તૈનાત કરાયા હતા વિસર્જન સ્થળોએ કોઈ અકસ્માત ન બને તે માટે ભાવિકોને ગણેશ ભગવાનની મૂર્તિઓ ફાયર બ્રિગેડના જવાનોને સોંપવાની હતી વિસર્જન સમયે કોઈ તંગદિલી ન સર્જાય તે માટે ૧૨૫૦ પોલીસ, એસઆરપીની ૩ કંપનીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.અગાઉ પણ શહેરમાં આશરે ૧ હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ જેમાં ઘણા ભાવિકોએ માટીના ગણપતિનું બગીચાની કયારીઓમાં કુંડાઓમાં કે ઘરનાં પાણીના ટાંકામાં પણ વિસર્જન કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.