Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભાગૃહમાં રજૂ કર્યો ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ ઉજવણીનો પ્રસ્તાવ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણી પ્રસંગનો પ્રસ્તાવ પ્રસ્તુત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વની બધી જ સમસ્યાઓનું સમાધાન ગાંધી વિચારોમાં જ છે. મહાત્મા ગાંધીએ હંમેશા સ્વ નો નહિ, સમષ્ટિનો વિચાર કર્યો અને તેથી જ તેઓ વ્યકિત નહિ સ્વયં એક વિદ્યાપીઠ છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

Advertisement

તેમણે કહ્યું કે, ગાંધીજીના સત્ય, અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા, સ્વાવલંબન, સ્વદેશી અને ગ્રામ રાજ્યથી રામ રાજ્યના વિચારો કાલબાહ્ય છે અને વર્તમાન સમયમાં પણ એટલા જ રિલેવન્ટ છે. ગાંધીજી પક્ષાપક્ષીથી પર હતા અને એટલે જ સૌ કોઇના સ્વીકૃત હતા, મહામાનવ હતા.

વિશ્વના કોઇ વ્યકિત પોતાના આચાર-વિચાર જીવન કવનથી લોકદર્શક, લોકમાર્ગદર્શક મહાત્મા નથી બની શકયા જે ગુજરાતની ધરતીના આ સપૂતે મહાત્મા વતી કરી બતાવ્યું છે એમ તેમણે ગાંધી વંદના કરતાં ગૃહ સમક્ષ જણાવ્યું હતું.  વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, પૂજ્ય બાપૂની કરણી અને કથનીમાં કોઇ તફાવત ન હતો એટલે જ તેમણે સત્યના પ્રયોગો દ્વારા પોતાનું જીવન જેવું છે તેવું મારૂં જીવન એ જ મારો સંદેશના ભાવથી આપણી સમક્ષ મૂકયું છે.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ચંપારણ્યમાં દારૂણ ગરીબી જોઇ પોતાના વસ્ત્રો ત્યાગી જીવનભર માત્ર પોતડી પર રહેવાની સંવેદના હોય કે કોચરબ આશ્રમમાં અનુસૂચિત જાતિના પરિવારના પ્રવેશની વાત હોય મહાત્મા ગાંધીએ હંમેશા માનવીય મૂલ્યનિષ્ઠા અને સમાનતા-સમરસતાને જ પ્રાધાન્ય આપ્યું છે. તેમણે પૂજ્ય બાપૂને જાહેરજીવનમાં મૂઠી ઊંચેરા માનવી ગણાવતાં ભાવાંજલી આપવા સાથે કહ્યું કે, બાપૂએ કયાંય કોઇ સત્તાનો મોહ ન રાખ્યો, સત્તાથી જોજનો દૂર રહ્યા અને દેશ-રાષ્ટ્ર માટે સદાસર્વદા ત્યેન ત્યકતેન ભૂંજિથા ભાવથી સમર્પિત રહ્યા એ જ તેમને વિશ્વમાનવી મહામાનવ બનાવે છે.

7537D2F3 9

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીના જીવન પર શ્રીમદ રાજચંન્દ્રજીનો પ્રભાવ રહેલો અને જો તેઓ બાપૂને ન મળ્યા હોત તો કદાચ બાપૂ મહાત્મા ન હોત એ જ પરિપાટીએ માર્ટીન લ્યુથર કિંગ, અબ્દુલ ગફાર ખાન ગાંધી કે નેલ્સન મંડેલાના જીવન પર પણ પૂજ્ય બાપૂનો પ્રભાવ રહેલો છે તે આપણું ગૌરવ છે.

મુખ્યમંત્રીએ આ વિશ્વ માનવમાંથી પ્રેરણા લેવા દુનિયા આખી આવે, બાપૂને સમજે તેમના કાર્યો તેમના જીવન કવનને અનુભવે તે માટે દાંડી સ્મારક, રાજકોટમાં ગાંધી મ્યૂઝિયમ, સાબરમતી આશ્રમ રિનોવેશન જેવા બહુઆયામી પ્રકલ્પો શરૂ કર્યા છે તેની ભૂમિકા આપી હતી. વિજયભાઇ રૂપાણીએ ગૃહના સૌ સભ્યોને પક્ષાપક્ષીથી ઉપર ઉઠી, અમારા કે તમારા ગાંધી નહિ સૌના ગાંધી એવો ભાવ જગાવી સ્વરાજ્ય-સુરાજ્ય-ગ્રામજીવનની ધરોહર ટકાવવા અને ગાંધી વિચાર કાયમ શાશ્વત રહે તે માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.