Abtak Media Google News

રેસકોર્સમાં સવા કલાક સુધી જાહેર સભામાં હાજરી આપશે : હીરાસર એરપોર્ટનું 15 મિનિટ સુધી નિરીક્ષણ કરશે

વડાપ્રધાન જયપુરથી વાયા અમદાવાદ થઈને ત્યાંથી હેલિકોપ્ટર મારફત હીરાસર એરપોર્ટ આવશે : વડાપ્રધાનના હેલિકોપ્ટરમાં એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, મંત્રી વી.કે.સિંઘ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્ય સચિવ રાજકુમાર પણ સામેલ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મીએ રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ રાજકોટમાં કુલ 2 કલાક 35 મિનિટનું રોકાણ કરવાના છે. જેમાં તેઓ રેસકોર્ષમાં સવા કલાક સુધી જાહેર સભામાં હાજરી આપશે. ઉપરાંત હીરાસર એરપોર્ટનું 15 મિનિટ સુધી નિરીક્ષણ કરશે.

સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુરથી વાયા અમદાવાદ થઈને હેલિકોપ્ટર મારફત બપોરે 3:10 કલાકે હીરાસર એરપોર્ટ આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હેલિકોપ્ટરમાં એવિએશન મંત્રી જ્યોતિરદિત્યા સિંધિયા, મંત્રી વી.કે.સિંઘ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્ય સચિવ રાજકુમાર પણ સામેલ હશે. વડાપ્રધાન  3:15 એ કાર મારફત ટર્મિનલ બિલ્ડીંગ સુધી પહોંચશે. જ્યાં વડાપ્રધાન મોદી એરપોર્ટનું લોકાર્પણ કરી ચાલીને 15 મિનિટ સુધી એરપોર્ટનું નિરીક્ષણ પણ કરવાના છે.

બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમઆઈ 17 હેલિકોપ્ટર મારફત હીરાસર એરપોર્ટથી જુના એરપોર્ટ ખાતે 4:05 વાગ્યે પહોંચશે. ત્યાંથી વડાપ્રધાન કાર મારફત રવાના થઈને 4:15 વાગ્યે રેસકોર્ષ ખાતે પહોંચશે. અગાઉ આ દરમિયાન રોડ શો યોજવાનું આયોજન હતું. પણ રોડ શો રદ કરવામાં આવ્યો છે.  વડાપ્રધાન રેસકોર્ષ પહોંચી ત્યાંની જાહેર સભામાં સવા કલાક હાજરી આપવાના છે. જે દરમિયાન તેઓ સંબોધન પણ કરવાના છે. ઉપરાંત સિંચાઈના કામો અને કેકેવી બ્રિજનું લોકાર્પણ કરવાના છે.

રેસકોર્ષના કાર્યક્રમમાંથી વડાપ્રધાન મોદી 5:30 વાગ્યા સુધી હાજરી આપવાના છે. જ્યાંથી તેઓ રવાના થઈ 5:40 વાગ્યે રાજકોટના જુના એરપોર્ટ ખાતે પહોંચશે. બાદમાં વડાપ્રધાન મોદી 5:45 વાગ્યે વાયુસેનાના આઈએએફ બીબીજે બોઇંગ પ્લેન મારફત અમદાવાદ જવા રવાના થશે. જ્યાં વડાપ્રધાન 6:30 વાગ્યે પહોંચી ત્યાંથી ગાંધીનગર જવા રવાના થશે. જ્યાં વડાપ્રધાન રાત્રે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ સાથે યોજાનાર ડિનરમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 27મીની રાજકોટની મુલાકાતને પગલે અત્યારે સમગ્ર જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. વધુમાં વડાપ્રધાનના રેસકોર્ષ ખાતે યોજાનાર જાહેર સભાના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડવાના છે. અંદાજે એકાદ લાખ લોકો આ કાર્યક્રમમાં સામેલ થવાના છે.

વડાપ્રધાન મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

  • 3:10 હીરાસર એરપોર્ટ ખાતે આગમન
  • 3:15 ટર્મિનલ બિલ્ડીંગ ખાતે આગમન
  • 3:30 સુધી ચાલીને નિરીક્ષણ (15 મિનિટ)
  • 3:35 ટર્મિનલ જવા રવાના બાય કાર
  • 3:45 હીરાસર એરપોર્ટથી રવાના
  • 4:05 જુના એરપોર્ટ ખાતે આગમન
  • 4:10 જુના એરપોર્ટથી રવાના
  • 4:15 રેસકોર્ષ ખાતે આગમન
  • 5:30 રેસકોર્ષથી રવાના
  • 5:40 જુના એરપોર્ટ ખાતે આગમન
  • 5:45 જુના એરપોર્ટ ખાતેથી રવાના
  • 6:30 અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન
  • 6:35 અમદાવાદ એરપોર્ટથી રવાના (બાય રોડ)

ત્રણ સ્થળોએ પીએમઓ ઓફિસ ઉભી કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27મીએ રાજકોટ આવી રહ્યા છે. ત્યારે પ્રોટોકોલ મુજબ શહેરમાં ત્રણ સ્થળોએ પીએમઓ ઓફિસ ઉભી કરવામાં આવી છે. જુના એરપોર્ટ, રેસકોર્ષ અને સિવિલ હોસ્પિટલ ખાતે આ ઓફિસો ઉભી કરવામાં આવી છે. જ્યાં સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. ઉપરાંત જો દેશમાં કોઈ આપદા કે અન્ય કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાઈ તો જરૂર પડે તો પીએમ ત્યાં જઈને મોરચો સંભાળી શકે.

પીએમ સાથે ત્રણ હેલિકોપ્ટરનો કાફલો આવશે

સુત્રોમાંથી મળતી વિગત મુજબ વડાપ્રધાન પોતે અમદાવાદથી એમઆઈ 17 હેલિકોપ્ટરમાં હીરાસર એરપોર્ટ ખાતે આવવાના છે. તેઓની સાથે અન્ય બે બીજા હેલિકોપ્ટર પણ આવશે. જેમાં અન્ય અધિકારીઓ તથા સુરક્ષાકર્મીઓ હશે. વધુમાં વડાપ્રધાન રાજકોટના જુના એરપોર્ટ ખાતેથી વાયુસેનાના આઈએએફ બીબીજે બોઇંગ પ્લેન મારફતે અમદાવાદ જવા રવાના થશે.

સૌરાષ્ટ્રના તમામ સાંસદો,ધારાસભ્યો અને કલેકટરોને નિમંત્રણ અપાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટનો કાર્યક્રમ તા.27એ યોજાનાર છે. જેને લઈને હાલ યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન નિમંત્રણ સમિતિ દ્વારા લગત મહેમાનોને નિમંત્રણ આપવા તાબડતોબ 20 હજાર જેટલા નિમંત્રણ કાર્ડ છાપવામાં આવ્યા હતા. જેનું તાકીદે વિતરણ કરવા રાજકોટથી સ્ટાફને દોડવાયો હતો. આ કાર્યક્રમમાં પધારવા સૌરાષ્ટ્રના તમામ સાંસદો, ધારાસભ્યો અને કલેકટરોને નિમંત્રણ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.