Abtak Media Google News
  • બેઝમેન્ટમાં પાર્ક કરેલી બિનવારસી કારમાંથી ૨ રિવોલ્વર, ૨ દેશી તમંચા અને ૩૦૦ જીવતા કારતૂસ મળ્યા
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવતી ૧૨મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવી રહ્યા છે. તે દરમિયાન ગત મોડી રાત્રીના પોલીસે એક બિનવારસી કારમાંથી હથિયારનો મોટો જથ્થો કબજે કરતા ચકચાર મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર ભાગી ગયો હતો. આ કારમાં પાછળની સીટ પર બારબોર રાઈફલના કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં કારની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટોલ, તમંચા, પિસ્ટોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર, કાર્ટિજ વગેરે મુદ્દામાલ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી છે. કારમાંથી કુલ ૨ રિવોલ્વર, ૨ દેશી તમંચા અને ૩૦૦ જીવતા કારતૂસ મળી આવતા પોલીસે કાર ડ્રાઇવરની શોધખોળ હાથધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૨મી મેના રોજ ગાંધીનગર આવી રહ્યા છે. ત્યારે ચાર દિવસ અગાઉ હથિયારોનો જંગી જથ્થો ઝડપાતા પોલીસની ચિંતા વધી છે. સરગાસણના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં પરેશભાઈ જશવંતલાલ સોની ચેરમેન તરીકે સેવા આપે છે. તેઓ ગત રાત્રીના આઠેક વાગ્યે સોસાયટીના બેઝમેન્ટના રસ્તે ઊભા હતા. ત્યારે સોસાયટીમાં સ્ટિકર વગરની એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં પહોંચી હતી અને પરેશભાઈએ ધ્યાન દોરતાં સિક્યુરિટી સ્ટાફે બેઝમેન્ટમાં તપાસ કરી હતી. જેમાં જીજે ૧ આરજે ૫૭૦૨ નંબરની હ્યુન્ડાઈ વર્ના કાર હોવાનું અને ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો. સોસાયટીના સભ્યોને શંકા જતાં ભેગા થઈ કાર જોવા પાર્કિંગમાં પહોંચ્યા હતા.
રહેવાસીઓએ તૂટેલા કાચમાંથી કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલના કાર્ટિજ જોતા સ્તબ્ધ થઈ ગયા હતા. ગભરાયેલા રહીશોના કહેવાથી પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ કરી હતી.
તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બાર બોર રાઈફલના પ્લાસ્ટિક ૬૫ એમએમ કાર્ટિજ ૨૫ નંગ મળી આવ્યાં હતા. પોલીસે પંચોની હાજરીમાં કારની સઘન તપાસ કરતાં આંખો ફાટી જાય તેટલો હથિયારોનો જથ્થો નજરે પડ્યો હતો. જેથી ક્રેનની મદદથી હથિયારો ભરેલી કારને ટો કરી પોલીસ મથકે લઈ જવાઈ હતી.
પોલીસે કાર ટો કરી પોલીસ મથકે લઇ જઇ તપાસ કરતા તેમાંથી બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક ૭૦ એમએમ કાર્ટિજ ૫૭ નંગ, બાર બોર રાઈફલના બ્લેન્ક પ્લાસ્ટિક ૭૦ એમએમ કાર્ટિજ ૫૦ નંગ, રિવોલ્વર પોઈન્ટ ૩૮ એમએમ કાર્ટિજ ૧૮ નંગ, રિવોલ્વરના પોઈન્ટ ૮ એમએમ કાર્ટિજ ૭ નંગ, રિવોલ્વરના પોઈન્ટ ૮ એમએમ કાર્ટિજ નંગ ૭, રિવોલ્વરના પોઈન્ટ ૭.૬૫ એમએમ કાર્ટિજ નંગ ૭૫, રિવોલ્વર પોઈન્ટ ૩૨ એમએમ બ્લેન્ક કાર્ટિજ બે નંગ, પિસ્ટલના ૯ એમએમના બ્લેન્ક કાર્ટિજ ૨૭, દેશી બનાવટની કાળા કલરની મેગેઝિન સાથેની પ્સ્ટલ, દેશી બનાવટની લાકડાવાળી પિસ્ટલ, દેશી બનાવટના બે તમંચા, પિસ્ટલના ૩ ખાલી મેગેઝિન, ૪ પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ અને કાર્ડ રીડર અને કાર સહિત કુલ રૂ.૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજ્યના પાટનગરમાં વડાપ્રધાનની મુલાકાત પહેલા જ હથિયારનો જંગી જથ્થો મળી આવતા પોલીસની ચિંતાનો વ્યાપ વધ્યો છે. પોલીસે સીસીટીવીની મદદથી કારને બિનવારસી છોડીને ભાગી ગયેલા ડ્રાઈવરને શોધવા તજવીજ હાથ ધરી છે. પોલીસે કબજે કરેલી કાર્ટિજમાંથી ઘણી બધી બ્લેન્ક હોવાના કારણે ગુનાઈત પ્રવૃત્તિમાં આ હથિયારોનો ઉપયોગ થયો હોવાની પણ આશંકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.