Abtak Media Google News
ભારત પાસે વિશાળ દરિયા કિનારો છે. હવે જેટલો આ દરિયાકિનારાનો ઉપયોગ થાય છે તેનાથી વધુ તો ગેરઉપયોગ થતો હોવાની ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે. ત્યારે દરિયાઈ સુરક્ષામાં છીંડા એક – બે વાર નહિ વારંવાર જોવા મળી રહ્યા છે.  એક તો દેશની બન્ને બાજુ દુશ્મનો છે. છતાં દરિયાઈ માર્ગ મોકળો મુકવો એ લાપરવાહી જ કહી શકાય.

ગુજરાત 1600 કિલોમીટરનો વિશાળ દરિયાઈ કિનારો ધરાવે છે. આ દરિયાઈ કિનારો વ્યવસાયિક રીતે અનેક લાભાલાભ આપી રહ્યો છે. સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓને પણ વેગ આપી રહ્યો છે. ખાસ મુન્દ્રા પોર્ટ ખાતેથી તાજેતરમાં જ ડ્રગ્સ ઘુસાડવાનું રેકેટ ઝડપાયું હતું. ત્યારબાદ થોડા જ દિવસોની અંદર ગેરકાયદે ખસખસ, સોપારીનો જથ્થો ઘૂસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. આજે જ 10 કન્ટેનરમાંથી પાકિસ્તાન આર્મીની સામગ્રી મળી આવતા ચકચાર મચી ગઈ છે.

બન્ને બાજુ દુશ્મનો છતાં દરિયાઈ માર્ગ મોકળો મુકવો લાપરવાહી જ કહી શકાય ને!!

આમ પોર્ટ ખાતેથી અવારનવાર ગેરકાયદે સામાન ઘૂસાડવામાં આવતો હોવાના બનાવો જોવા મળી રહ્યા છે. ગુજરાતનો વિશાળ દરિયા કિનારો હાલ રેઢો પડ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનનું અહીંથી અંતર થોડું જ થતું હોય, ભગવાન ન કરે ક્યારેક સુરક્ષામાં ચૂક સમગ્ર દેશને મોંઘી પડી શકે છે.
અગાઉ પણ મુંબઈમાં આતંકવાદી એટેક થયો, તે આતંકવાદી પણ દરિયાઈ માર્ગેથી જ આવ્યા હતા. આવી ઘટના ભૂતકાળમાં બની ગઈ હતી. છતાં તેમાંથી શીખ લઈને દરિયાઈ સુરક્ષા ઉપર ધ્યાન દેવામાં લાપરવાહી દાખવવી મોટી ચૂક ગણી શકાય. માટે જાગ્યા ત્યારથી સવાર માની હવે દરિયાઈ સુરક્ષાને પ્રાધાન્ય આપવાની તાતી જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.